Smart Googling

  • ગૂગલનું સર્ચબોક્સ કૅલ્ક્યુલેટર પણ છે... કૅલ્સી હાથવગું ન હોય તો સીધું સર્ચબોક્સમાં જ આંકડા અને નિશાનીઓ લખીને સરવાળા-ભાગાકાર જે કરવું હોય તે કરી લો.
  • આ જ બોક્સ સાયન્ટીફિક કૅલ્સી તરીકે પણ કામ લાગે. રૂપિયાને ડોલરમાં અને કિલોગ્રામને પાઉન્ડમાં ફેરવી શકો છો ગૂગલ પર.
  • ગૂગલના સર્ચબોક્સમાં ક્રિકેટ સ્કોર લખશો એટલે ગૂગલ ફટ દઇને એ સમયે ચાલતી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનો તાજો સ્કોર તમને જણાવી દેશે, એના લિસ્ટિંગમાં સૌથી ટોચ પર જ!
  • ગૂગલ સામાન્ય રીતે તમે સર્ચ બોક્સમાં લખેલા બધા જ શબ્દો ધરાવતાં પેજીસ શોધી આપે છે. જો તમે બધામાંથી કોઈ પણ શબ્દ ધરાવતાં પેજ મેળવવા માગતા હો તો તમારા શબ્દો વચ્ચે or  લખો.
  • જ્યારે જો કોઈ વાક્યપ્રયોગ વિશે સર્ચ કરતા હો ત્યારે એને ઇન્વર્ટેડ કોમામાં મૂકીને સર્ચ કરશો બરાબર એ જ વાક્ય ધરાવતાં પેજ મળશે.
  • તમે જે શબ્દ વિશે સર્ચ કરતા હો એના એક કરતાં વધુ અર્થ થતા હોય તો જે અર્થ વિશે તમે જાણવા નથી માગતા, એની આગળ માઇનસની નિશાની મૂકીને સર્ચ કરો. જેમ કે, વાઇરસ - મેડિકલ લખીને સર્ચ કરશો તો માત્ર કમ્પ્યૂટરને લગતા વાઇરસ વિશેનાં રીઝલ્ટ મળશે.
  • તમે કોઈ શબ્દની સાથે એના જેવો અર્થ ધરાવતા બીજા શબ્દો વિશે પણ સર્ચ કરવા માગો, તો તમારા શબ્દની આગળ ~ આ નિશાની મૂકી દો (કી-બોર્ડ પર જરા મથશો ત્યારે આ નિશાની મળશે! એસ્કેપની નીચે હશે).
  • ગૂગલની પહેલી જ વિન્ડોમાં આંધળૂંકિયાં કરવાને બદલે, ગૂગલની સ્પેશિયલાઇઝ્ડ સર્ચનો ઉપયોગ કરી શકાય. જેમ કે, બ્લોગ, બૂક, સ્કોલર, કેટેલોગ્સ, કોડ, ડિરેક્ટરી, ફાઇનાન્સ, ઇમેજીસ, ન્યૂઝ, પ્રોડક્ટ... વગેરે ગૂગલની સ્પેશિયલ સર્વિસનો લાભ લેશો તો તમને જોઈતા રિઝલ્ટની વધુ નજીક પહોંચશો.
  • સર્ચના શબ્દની આગળ મૂવી: કે મ્યુઝિક: મૂકવાથી જે તે બાબત વિશે જ ગૂગલ સર્ચ કરશે. અગાઉ સાયબરસફરના એક વાચકમિત્રે જણાવ્યા અનુસાર, અંગ્રેજીમાં મૂવી: અમદાવાદ લખીને સર્ચ કરશો તો જુદાં જુદાં થિયેટરમાં ચાલતી ફિલ્મના શો અને સમયની યાદી મળશે!
  • એ જ રીતે, કોઈ શબ્દની આગળ ડિફાઇન: મૂકવાથી ઇન્ટરનેટ પરની ડિક્સનરીઝમાંથી એ શબ્દના અર્થ તારવીને ગૂગલ તમારી સમક્ષ મૂકશે.
  • તમે કોઈ ચોક્કસ પ્રકારની ફાઈલ શોધતા હો તો, શબ્દની સાથે ફાઇલટાઇપ: લખી દો. જેમ કે ગુજરાત ફાઇલટાઇપ: પીપીટી લખીને સર્ચ કરવાથી ગુજરાત વિશેનાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન્સ મળશે.