The Geeta (Part 3)

૪૧. આપણે સદનસીબ કે કમનસીબ ?

શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ગીતાજીના ઉપદેશ દ્વારા માનવ જીવનને શ્રેષ્ઠ બનાવવાનો  રાજમાર્ગ આપણને ચીંધ્યો છે. ઉપરના પ્રશ્નનો જવાબ ઝટ મળે તેમ છે. પરમાત્માએ ચીંધેલા માર્ગે ચાલીએ તો સદનસીબ અને એ માર્ગે ન ચાલીએ તો કમનસીબ. કહેવાય છે કે અમૃત અને ઝેરમાં એક સમાન ગુણ છે કે, એ અજાણતાં પીવો તો પણ એની અસર થાય છે. અમૃત અજાણતાં પીવો તો પણ અમર બની શકાય. ઝેર, સમજી વિચારીને, આપઘાત કરવા પીવો કે અજાણતાં પીવો તો પણ તેની ભયાનક અસર જીવલેણ બની શકે. એ જ રીતે ગીતાજી આપણા જીવનને સુધારવા વાંચીએ કે સાધારણ વાંચન રુપે વાંચીએ તો પણ એની સારી અસર જરુર થાય. ગીતાજી ગહન છે એમ માનીને વાંચવાનું ટાળીએ તો જીવન ન સુધરે. કેમ કે એ વિશ્વનું શ્રેષ્ઠ પુસ્તક છે.  
આપણા વિદ્વાન લેખક શ્રી દિનકરભાઈ જોષીએ “ટચલી આંગળીએ ગોવર્ધન” નામના તેમના પુસ્તકમાં (ભાગ-1)માં લખ્યું છે કે વિદ્વાન માણસો પણ વર્તમાન સમય માટે હંમેશાં બળાપો વ્યક્ત કરતા હોય છે. હત્યાઓનો કોઈ સુમાર નથી, બળાત્કારો સ્વાભાવિક થઈ ગયા છે, જીવન અતિશય દુષ્કર થતું જાય છે વગેરે ફરિયાદો સામાન્ય છે. આવા સમયમાં જીવવા માટે પોતાને કમનસીબ માને છે. સૌ બીજાને સુધારવા ઈચ્છે છે. પરંતુ પોતાની જાતને સુધારવાનું કોઈ વિચારતું નથી. કોઈએ બહુ સરસ કહ્યું કે “બીજાની નાની નાની ભૂલો આપણને મોટાં ફળ જેવી દેખાય છે, અને આપણી મોટી ભૂલો, બીલોરી કાચથી પણ દેખાતી નથી.” એક અંગ્રેજ વિદ્વાને કહયું કે “દુનીયાના તમામ ભ્રષ્ટાચારી માણસોને તમે સુધારી ન શકો. પરંતુ એ સંખ્યામાંથી એક ભ્રષ્ટાચારીને ઓછો કરવાનું સામર્થ્ય તમારામાં છે, એ હકીકત છે.”
આપણા વિદ્વાન હાસ્યકાર શ્રી શહાબુદ્દીનભાઈ રાઠોડે તેમના એક કાર્યક્રમ દરમ્યાન બહુ સરસ વાત કરી કે “ ઈતિહાસમાંથી માણસે એટલું જ શીખવાનું છે કે ઈતિહાસમાંથી માણસ કાંઈ જ શીખ્યો નથી. ” આ ફક્ત હસાવવા પુરતી જ વાત નથી પરંતુ આપણા જીવનની નરી વાસ્તવિકતા છે. મોગલ સલ્તનત કે મરાઠાઓનું પતન અંદરોઅંદરના કુસંપને કારણે થયું. ભારતના રજવાડાંઓના આંતરિક કલહને કારણે જ તેનો લાભ ઉઠાવીને અંગ્રેજોએ આપણા દેશ પર 200 વર્ષ શાસન કર્યું. ઈતિહાસમાં નોંધાયેલી આ ઘટનાઓમાંથી જો આપણે કાંઈક શીખ્યા હોત તો જુદા જુદા રાજકીય પક્ષોના આગેવાનો એકબીજાના પગ ખેંચવાને બદલે સંપીને જનતાના કલ્યાણ માટે પ્રયત્ન કરતા હોત.
ધર્મની સાવ સીધી સરળ વ્યાખ્યા “બીજાને ઉપયોગી થવું,” એટલી વાત બધા સમજે તો હિંદુ મુસ્લીમોનાં કોમી તોફાનો ન થાય, બાબરી મસ્જીદ ભાંગવાના બનાવો ન બને. તપાસ પંચ પાછળ કરોડો રુપીઆ ખર્ચીને પણ કોઈ સુખદ ઉકેલ આવવાનો નથી. આવા અહેવાલોનો ફક્ત રાજકીય ઉપયોગ જ થાય છે. આવાં તપાસ પંચ નો શું અર્થ ?  ઈ સ. 2002માં ગોધરામાં એક ધર્મના 60 નિર્દોષ માનવીઓને જીવતાં સળગાવી દેવાયાં. તેના પ્રતિકાર રુપે બીજા ધર્મનાં 1000 નિર્દોષ માનવીઓને મારી નાખવામાં આવ્યાં. પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એવું પુરવાર કરવા નિર્દોષ માનવીઓનાં બલિદાન જરુરી છે ? વાત આટલેથી અટકતી નથી. નિર્દોષ માનવીઓની હત્યા બાદ તેમના પરિવાર વિષે આપણે કોઈ વિચારીએ છીએ ? તેમની માનસિક યાતનાનું શું ? તેમના જીવન નિર્વાહનું શું ? આવું પાગલપન આપણે સૌ છોડી ન શકીએ ? ભારત – પાકીસ્તાનના ભાગલા વખતે થયેલી ભયાનક હિંસા, ઈતિહાસમાં નોંધાયેલી ઘટના, આનું વરવું ઉદાહરણ છે. હિંસા અને અહિંસા નો  સાચો અર્થ  આપણે ક્યારે સમજશું ?
ગીતાજીના 17મા અધ્યાયમાં 14મા શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને અહિંસાને શારીરિક તપ કહીને અહિંસાનો મહિમા ગાયો છે. એ તો ગીતાજી વાંચીએ તો જ સમજાય. જો આપણે સૌ અહિંસાનો સાચો અર્થ સમજીએ તો કેટલા બધા નિર્દોષ માનવીઓનાં ખૂન થતાં અટકે ? ગીતાજી ગહન છે, એમ કહીને આપણે તે ન વાંચીએ તો પણ મહાત્મા ગાંધીજીના જીવન સંદેશને અનુસરીને, અહિંસાને જીવનમાં ઉતારીએ તો, ધર્મને નામે રેડાતું લોહી અટકાવી શકીએ. બુધ્ધ, ઈસુ અને મહાવીર સ્વામીનો અવતાર ગણાતા મહાત્મા ગાંધીજીનું જીવન એ તો તાજો ઈતિહાસ છે. પરંતુ આપણે તેમાંથી કાંઈ શીખ્યા નથી. ખરી કરુણતા તો એ છે કે આપણે કાંઈ શીખવા માગતા જ નથી.
અનેક મહાત્માઓ આપણા જીવનને ઇજ્વળ બનાવવા  ધાર્મિક કથાઓ કરે છે. એ કથાઓ ઉત્તમ હોય છે પરંતુ આપણે એ કથાઓમાં, વિશાળ સમિયાણા, ભપકો, ઠાઠમાઠ,  એ બધાથી આકર્ષાઈને જઈએ છીએ. કીડીયારું ઉભરાય તેવી માનવમેદની હોય છે, પરંતુ જીવનને ઉજ્વળ બનાવે તેવી કોઈ વાત આપણને સ્પર્શતી નથી. કેટલાક કહેવાતા ધર્મગુરુઓ જનતાની આ ધર્મ ઘેલછાનો લાભ લઈ પુષ્કળ ધન ભેગું કરે છે, જમીનો  ખરીદે છે, વધુને વધુ આશ્રમો સ્થાપે છે. અભણ લોકોને આકર્ષવા, મંત્રેલું પાણી કે માદળીયાં આપી છેતરવાના વિવિધ પ્રયત્નો કરે છે. ક્યારેક અભણ સ્ત્રીઓને ભોળવીને તેમના શીલભંગ જેવી ગંદી અને અત્યંત હીન કક્ષાની પ્રવૃત્તિઓ આચરે છે. આવા કહેવાતા ધર્મગુરુઓને રાજકીય પીઠબળ હોવાથી, તેમ જ પુરાવાને અભાવે, તેમની સામે કાંઈ થતું નથી. આપણે સમાજને ક્યાં લઈ જવા માગીએ છીએ એજ સમજાતું નથી.
 ગીતાજી પુરેપુરાં ન સમજાય તો વાંધો નહીં પરંતુ અંગત સ્વાર્થ તજવો, ક્રોધ તજવો, ઈચ્છાઓ તજવી જેવી, સામાન્ય વાતો સમજીએ તો પણ જીવન ઉજ્વળ બને, તેને માટે કોઈ કહેવાતા ધર્મગુરુ પાસે જવાની જરુર નથી. ખુદ પરમાત્માએ જીવનને ઉત્તમ બનાવવાની, સમાજ માટે અત્યંત ઉપકારક વાતો આપણને કહી છે. પણ ગીતાજી ગહન છે, એટલે આપણને તે ન સમજાય એવું સરસ બહાનું આપણે ગોતી કાઢ્યું છે. આપણે શાંતિ જોઈએ છે, જીવનમાં ક્યાંય શાંતિ નથી તેવી ફરિયાદ પણ કરીએ છીએ, પરંતુ અશાંતિ આપણે છોડવી નથી. પ્રયત્ન કર્યા વિના ધન મળે, પ્રયત્ન કર્યા વિના શાંતિ મળે તો સારું, એવી વાહિયાત વિચારસરણીને કારણે જ આપણને બીજા લોકો છેતરે છે, છેતરાયા પછી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી.
એકવાર એક રાજાને ગુરુ ગોરખનાથ સાથે ધનનો મોહ, તેમ જ ભોગ વિલાસ છોડી જનતાનું કલ્યાણ કરવા બાબત ચર્ચા થઈ. રાજાએ કહ્યું: “આપની વાત સાચી છે, પરંતુ એ છોડવાનો કોઈ સરળ ઉપાય બતાવો.” જવાબમાં ગુરુ ગોરખનાથ મહેલના એક થાંભલાને વળગીને બૂમ પાડવા લાગ્યા. “આ થાંભલો મને વળગ્યો છે, મને છોડતો નથી.” રાજાને હસવું આવ્યું. કહે: “ગુરુજી થાંભલો આપને નથી વળગ્યો, આપ થાંભલાને વળગ્યા છો. આપ એને છોડી દ્યો.” ગુરુજીએ સમજાવ્યું: “રાજન્ ! તમે ધનના મોહ અને ભોગવિલાસને વળગ્યા છો. એને છોડવાની કોશિષ કરશો તો એ છૂટી જશે. જનતાનું કલ્યાણ કરવાની તમારી ફરજ છે, એ ફરજ સારી રીતે બજાવશો તો મનને શાંતિ પણ મળશે.” રાજાને વાત સમજાઈ ગઈ. ગીતાજીમાં બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે: “અશાંતસ્ય કુત: સુખમ્ ?” અશાંત માનવીને સુખ મળતું નથી.
આપણે આપણી જાતને સુધારવી પડે. રસ્તો કઠિન છે એટલે ક્યારેક આપણે ગબડી પડીએ, ફરીથી ઉઠવાનો પ્રયત્ન કરીએ. પરમાત્માની મદદ માગીએ. એ બહુ દયાળુ છે. તેમનો હાથ એ જરુર લંબાવશે. સૂરદાસજીની પ્રાર્થના ભૂલવા જેવી નથી.
“તેરી નગરીયાકી કઠિન ડગરીયા, ચલત ચલત ગિર જાઉઁ મૈં,
એક બાર પ્રભુ હાથ પકડ લો, એક બાર પ્રભુ હાથ પકડ લો.........”

૪૨. સ્થિતપ્રજ્ઞ માનવી

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના બીજા અધ્યાય સાંખ્યયોગમાં શ્લોક નં. 54 થી 72માં અર્જુન સાથે સ્થિતપ્રજ્ઞ વિષે ખૂબ જ ઉત્તમ ચર્ચા કરી છે. આ અંગે આપણે પ્રકરણ (9) પેજ નં. 25-26-27 માં સવિસ્તર વિચારેલ છે. કોઈ એક સજ્જનને લાગ્યું કે આ લક્ષણો તો સ્વાભાવિક રીતે જ ખૂબ ઉત્તમ છે. પરંતુ જીવનમાં તેનું આચરણ શક્ય છે કે કેમ ? કોઈ માનવી સંપૂર્ણ રીતે સ્થિતપ્રજ્ઞ હોઈ શકે કે કેમ ?
શ્રી સ્વામી શિવાનંદ જ્ઞાનયજ્ઞ નિધિ, દિવ્ય જીવન સંઘ, અમદાવાદ દ્વારા પ્રકાશિત “અમૃતધારા” નામના પુસ્તકમાં આમુખમાં (પેજ નં. V) આ અંગે બહુ સરસ લખ્યું છે કે – એકવાર વૃંદાવનમાં શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ ગીતાજીનો ભક્તિયોગ સમજાવતા હતા ત્યારે કોઈ સજ્જને પૂછ્યું કે “શું ભક્તનાં આવાં લક્ષણો કળિયુગમાં શક્ય બને ?” એક ક્ષણના યે વિલંબ વગર સ્વામીજી મહારાજે કહ્યું હતું: “અરે ! યહ તો કુછ ગીને ચુને લક્ષણ હૈં... હમારે સ્વામી ચિદાનંદજી મહારાજ તો બહુગુની હૈ.. અનેક ગુનોંકે ધની હૈ !”
 
આવો જ પ્રસંગ લખનૌમાં શ્રીમત્ સ્વામી ચિન્મયાનંદજી મહારાજના ગીતાજ્ઞાન યજ્ઞમાં બનેલો. કોઈએ પૂછ્યું- “શું સ્થિતપ્રજ્ઞ માનવી સંભવી શકે ? ગુસ્સા વગરના કોઈ માનવીને આપે કદી જોયા છે ?” સ્વામી શ્રી ચિન્મયાનંદજી મહારાજનો પ્રત્યુત્તર હતો – “જી હા ! સ્થિતપ્રજ્ઞ સંભવી શકે. મેં તેમને જોયેલા, અનુભવેલા છે.  શિવાનંદ આશ્રમ હૃષિકેશના પરમાધ્યક્ષ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ સ્થિતપ્રજ્ઞ છે. તેમને ગુસ્સે થતા કદીયે જોયા-સાંભળ્યા નથી.”
ગીતાજીના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની વાત, બારમા અધ્યાયમાં પરમ ભક્તનાં લક્ષણોની વાત અને ચૌદમા અધ્યાયમાં ત્રિગુણાતીત માનવીનાં લક્ષણોની વાત એક જ છે. ફક્ત જુદા જુદા શબ્દો છે. સ્થિતપ્રજ્ઞ, પરમ ભક્ત કે ત્રિગુણાતીત એ એકબીજાના પર્યાય છે. એટલે બીનજરુરી ગુંચવાવાની જરુર નથી
સ્થિતપ્રજ્ઞ દુખમાં ઉદ્વિગ્ન ન થાય અને તેને સુખની સ્પૃહા હોતી નથી.   સ્વામીશ્રી ચિદાનંદજી મહારાજ પરમ સંન્યાસી હતા એટલે કે તેમને સુખની કોઈ સ્પૃહા ન હતી. “અમૃતધારા” પુસ્તક તેમના જીવન પ્રસંગો પર આધારિત છે.  એ વાંચતાં એમ ચોક્કસ કહી શકાય કે સ્વામીશ્રી ચિદાનંદજી મહારાજ દુખથી ખૂબ જ વિચલિત થઈ જતા. તો એમને સ્થિતપ્રજ્ઞ કેમ કહેવા ? કાંઈક વિચિત્ર લાગે તેવી વાત છે. નીચેના પ્રસંગોએ પરમ પૂજ્ય સ્વામીજી ખૂબ જ વ્યથિત થઈ ગયાનું વર્ણન છે
 
(1) ગંગાજીને કિનારે કોઈ રક્તપિતના રોગીને જુએ એટલે ખૂબ વ્યથિત થઈ જાય. તેને પોતાના ખભે બેસાડી આશ્રમમાં લાવે. તેના ઘા ધુવે. પાટાપીંડી કરી તેને પ્રેમથી જમાડે. આમ દરરોજ સારવાર કરે.
 
(2) કોઈ અકસ્માતને કારણે એક કૂતરું ઘવાયું. તેને જોઈને પરમ પૂજ્ય સ્વામીજી
     વ્યથિત થઈ ગયા. બીજું કોઈ વાહન તેને ફરી ન કચડે એટલે તેના ફરતા   
     પથ્થરો ગોઠવી  તેના રક્ષણની વ્યવસ્થા પોતે કરી. તેની સારવાર કરવા
     આશ્રમમાંથી એક ડોક્ટરને લઈ આવ્યા. પશુ ચિકિત્સાલયમાં વધુ સારી 
     સારવાર થાય પરંતુ રખડતાં કૂતરાંની કોઈ સારવાર નહીં કરે તેમ વાત થતાં 
     પોતાના ભગવાં વસ્ત્રનો ટુકડો ફાડી કૂતરાને ગળે બાંધ્યો. કૂતરાને સાચવીને
     પશુ ચિકિત્સાલયમાં લઈ જવા અને “સ્વામી ચિદાનંદજીનો પાળેલો કૂતરો છે
     અને તેની સારવારનો ખર્ચ આશ્રમ આપશે” તેમ કહેવા માણસોને સૂચના 
     આપી.
 
(3) કોઈ ઉત્સવ પ્રસંગે શોભા માટે કોઈ થોડાક છોડ લઈ આવ્યું. કામની વ્યસ્તતાને લીધે છોડને પાણી પાવાનું રહી જતાં છોડ મુરઝાવા લાગ્યા. પોતાની શારિરીક અશક્તિને લીધે પરમ પૂજ્ય સ્વામીજી જાતે પાણી પાઈ ન શક્યા. પરંતુ આ ઘટનાથી વ્યથિત થઈને સ્વામીજીએ પોતે પાણી પીવાનું બંધ કર્યું. આ વાતની જાણ થતાં શિષ્યોએ તરત ફુલછોડને અને પરમ પૂજ્ય સ્વામીજીને ગંગાજળ પાયું
સૌમાં પરમાત્માને જોનાર અને બીજાના દુખે દુખી થનાર વિરલ માનવી એવા, પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજને સ્થિતપ્રજ્ઞ કહેનાર પૂજ્ય સ્વામીશ્રી અખંડાનંદજી અને સ્વામીશ્રી ચિન્મયાનંદજીની  વાત માનવી પડે તેવી છે ને !
          શ્રી સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી બ્રહ્માનંદજીએ સંતની બહુ સરસ વ્યાખ્યા સમજાવી છે --
          સંત પરમ હિતકારી જગતમાંહીં સંત પરમ હિતકારી....
 
          ત્રિગુણાતીત, તીરથ તન, ત્યાગી, રીત જગતસે ન્યારી

          પરમ કૃપાલુ, સકલ જીવન પર, હરિ સમ સબ દુખ હારી...

          પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી,

          ‘બ્રહ્માનંદ’ સંતનકી સોબત, કરત હૈ પ્રગટ મુરારી......જગતમાંહી સંત
 
“અમૃતધારા” એ ફક્ત પરમ પૂજ્ય સ્વામીશ્રી ચિદાનંદજી મહારાજનાં વખાણ કરવા લખાયેલું પુસ્તક નથી. સંત કેવા હોય ? કેવા સંત સમાજનું કલ્યાણ કરી શકે ? સ્વકલ્યાણ નહીં પરંતુ સૌના કલ્યાણ માટે સતત પરિશ્રમ અને ચિંતન કરનાર માનવી જ સર્વશ્રેષ્ઠ છે. એ સમજાવતું પુસ્તક છે. એમને તમે સ્થિતપ્રજ્ઞ કહો, પરમ ભક્ત કહો, ત્રિગુણાતીત કહો કે પરમ સંત કહો. આવા અદ્વિતિય પરમ સંત જ આપણને પ્રભુદર્શન કરાવી શકે.
 
સ્વામીશ્રી રામકૃષ્ણ પરમહંસ સૌમાં પરમાત્માનાં દર્શન કરતા. શ્રી નરેન્દ્રનાથે (સ્વામી શ્રી વિવેકાનંદજીએ) પહેલી મુલાકાત વખતે પૂછ્યું: “તમે પરમાત્માનાં દર્શન કર્યાં છે ? મને કરાવી શકશો ?” સ્વામીજીએ સહજ ભાવે કહ્યું: “હા બેટા ! જેમ તને જોઉં છું, એમ પરમાત્માને જોઉં છું. તારી ઉત્કટ ઝંખના હશે તો તને પણ દર્શન થશે.” સ્વામીશ્રી વિવેકાનંદજીએ પરમાત્માનાં દર્શન પોતે કર્યાની વાત શિકાગોના પ્રવચનમાં કરી જ છે.
 
પરમ સંત શ્રી નરસિંહ મહેતા હરિજનોના આમંત્રણથી  હરિજનવાસમાં ભજનો ગાવા ગયા. ઢેઢ, ભંગી જેવા તુચ્છકારભર્યા શબ્દોને સ્થાને તેમને હરિજન કહી તેમનું બહુમાન કર્યું. આજે 500 વર્ષ પછી હરિજનોની સ્થિતિ કેટલી સુધરી છે એ આપણે સૌ જાણીએ છીએ. એક પરમ સંતના આશીર્વાદ કેવો ચમત્કાર કરી શકે એ વર્ણન કરવાની જરુર નથી.

૪૩. “વંદે માતરમ્” ગાવું કે ન ગાવું ?

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના સાતમા અધ્યાયમાં શ્લોક નં. 4માં કહ્યું છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્દિ અને અહંકાર - એમ આઠ પ્રકારે વહેંચાયેલી મારી આ પ્રકૃતિ છે. દશમા અધ્યાયમાં પરમાત્માના સાકાર અને નિરાકાર બંને સ્વરુપનું વર્ણન છે. શ્રીકૃષ્ણ ભગવાન, શ્રીરામ, મહાદેવજી, દેવર્ષિ નારદ, સપ્ત ઋષિ, વગેરે સાકાર સ્વરુપો, તેમજ સૂર્ય, ચંદ્ર, વાયુ, હિમાલય, સાગર, ગંગાજી, વગેરે નિરાકાર સ્વરુપો એ બધાં જ એક જ પરમાત્માનાં વિવિધ સ્વરુપો છે. આમ પૃથ્વી, ધરતી કે ધરા એ પરમાત્માનું જ નિરાકાર સ્વરુપ છે.
શ્રી બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાય નામના સજ્જને ભારત ભૂમિને, ધરતીમાતા રુપે વંદન કરતું સુંદર ગીત લખ્યું. એ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે આપણા દેશે સ્વીકાર્યું. એ ઉત્તમ ગીતનો ભાવાર્થ સમજવાને બદલે તેને ધાર્મિક વિવાદનું રુપ આપી કોઈ મુસ્લીમ કમિટીએ એ ગીત ન ગાવાનો મુસ્લીમોને આદેશ આપતો ફતવો બહાર પાડ્યો. ધર્મ ન સમજનારા, કેટલાક ધર્મઝનુની માનવીઓનો આ અયોગ્ય ફતવો અનેક મુસ્લીમ વિદ્વાનોએ વખોડી કાઢ્યો. આ લેખ પણ એ અણસમજુ નાદાન માનવીઓની ટીકા કરવા લખાયો નથી. મુસ્લીમો અલ્લાહના નિરાકાર સ્વરુપની બંદગી કરે જ છે, તો અલ્લાહનું જ નિરાકાર સ્વરુપ ધરતીમાતાને વંદન કરવામાં સંકોચ કે સંકુચિતતા શા માટે ?
ઉપરોક્ત સુંદર ગીત ધરતીમાતાને વંદન કરવા લખાયું છે. જે ધરતીમાંથી ઉગતું અન્ન, આપણા પરિવારનું પોષણ કરે છે, જે ધરતી પર વહેતી નદીઓ આપણને, જીવન માટે અનિવાર્ય પાણી આપે છે, જે ધરતી પરથી વહેતો પ્રાણવાયુ  આપણને જીવન આપે છે – એ પવિત્ર ધરતીમાતાનો આભાર માનવા, તેના ઋણ સ્વીકાર રુપે, તેને વંદન કરવા આ ગીત લખાયું છે. એ ધરતીમાતા ભારતમાતા હોઈ શકે, પાકિસ્તાનની ભૂમિ હોઈ શકે, અમેરિકાની ભૂમિ હોઈ શકે, ચીનની ધરતી હોઈ શકે કે કોઈપણ પ્રદેશની ધરતી હોઈ શકે. એ ધરતી પર ક્યો ધર્મ પાળતા લોકો રહે છે ? એ વાતને કોઈ જ નિસ્બત નથી.
પ્રાચીન કાળથી માનવ જાતની સંસ્કૃતિ નદીઓને કિનારે જ વિકસી છે. નદીમાં વહેતું પવિત્ર જળ તમામ માનવી માટે ઉપકારક છે, કેમકે જળ વિના જીવન શક્ય નથી. એટલે તો નદીઓને લોકમાતા કહેવામાં આવે છે. ધરતીમાતાની જેમ લોકમાતા નદીઓ પણ આપણા વંદનની અધિકારી છે. આ ઉપકારકતાની મહત્વની વાત સમજ્યા વિના ધર્મને નામે કોઈ, નદીને વંદન કરવાની વાતનો વિરોધ કરે, તો એ મૂર્ખ માનવી ટીકાને પાત્ર નથી પણ દયાને પાત્ર છે. કેમકે એ અજ્ઞાની છે. અજ્ઞાન હોવું એ ખરાબ નથી. પહેલાં તેમણે પોતાનું અજ્ઞાન દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. પણ પોતાના અજ્ઞાનનો ફેલાવો કરવા ફતવા બહાર પાડે તે અયોગ્ય છે. આવા અજ્ઞાની લોકો સમજતા પણ નથી અને સમજવા માગતા પણ નથી.  
 એક વિદ્વાને બહુ સરસ વાત કરી છે કે “જે ધરતી તમને પવિત્ર ન લાગતી હોય,  તેના પર ઉભવાનો તમને અધિકાર નથી.” એ જ રીતે “જે નદીનું જળ તમને ઉપકારક ન લાગતું હોય તે જળ તમારે પીવું ન જોઈએ.”  જે મુસ્લીમો ભારતમાં શાંતિથી રહેવા માગતા હોય તેઓ અહીં શાંતિથી રહે, તેમનો મુસ્લીમ ધર્મ આનંદથી પાળે. તેમાં કોઈએ બીનજરુરી દખલ ન કરવી જોઈએ. પરંતુ જેમને ભારતની ધરતી પોતાની ન લાગતી હોય તેમને ભારતમાં રહેવાનો અધિકાર નથી. ભારતની ધરતી પર વહેતી, જે નદીમાંથી તેમને પીવાનું પાણી મળતું હોય, તે પાણી તેમણે પીવું ન જોઈએ. ભારતભૂમિ  પર વહેતા પવનમાં શ્વાસ ન લેવો જોઈએ.
હિન્દુ ધર્મની એક વિશેષતા સૌએ નોંધવા જેવી છે. તેમાં સૂર્ય, હિમાલય, સાગર, નદીઓ, વૃક્ષો જેવાં તમામ ઉપકારક તત્વોને  દેવ માની, પૂજા તથા વંદનનાં અધિકારી માનેલ છે. કરોડો વર્ષથી પ્રકાશતા સૂર્યદેવ વિના જીવન શક્ય નથી. સૂર્યના તેજથી કોણ અજાણ હશે ? તેની ગરમીથી જ સાગરના પાણીમાંથી વરાળ બને છે, જે વરસાદ રુપે સમગ્ર દુનિયાને પાણી પુરું પાડે છે, તમામ વનસ્પતિ સૂર્યને આભારી છે, તમામ સ્થળચર, જળચર અને ખેચર -- માનવી, પશુ, પંખી એમ સંપૂર્ણ સજીવ જીવસૃષ્ટિનું અસ્તિત્વ સૂર્યને આભારી છે. આ સનાતન સત્ય સામાન્ય માનવી તો ઠીક પણ મહાવિદ્વાન વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે. અન્ય ધર્મના લોકો સૂર્યને દેવ માને કે ન માને તે બાબત ગૌણ છે, પરંતુ હિન્દુ ધર્મ સૂર્યને દેવ ગણે છે, માટે સૂર્યનો બહિષ્કાર કરવો એમ કહેનારા લોકોને મૂર્ખ જ ગણવા પડે.
ધરતીમાતાને હિંદુઓ મા કહે છે. ધરતીમાંથી મળતી રેતી, માટી, ચૂનો વગેરેમાંથી બનતી સીમેન્ટમાંથી આપણાં ઘર બને છે. ધરતીમાંથી મળતા કોલસામાંથી વીજળી બને છે. તેમાંથી નીકળતા ખનીજમાંથી, સાયકલ, સ્કૂટર, મોટર બને છે. ધરતીને મા માનવાનો ઈન્કાર કરનાર મૂર્ખ માનવીએ આ તમામ વસ્તુઓ વાપરવી ન જોઈએ.
હિન્દુ ધર્મમાં માતાને પરમાત્માનું સ્વરુપ માનવામાં આવે છે. “मातृ देवो भव”  માત્ર હિન્દુ જ નહીં પણ મુસ્લીમ, શીખ, પારસી, ઈસાઈ કોઈપણ ધર્મ પાળતી માતા પરમાત્માનું જ સ્વરુપ છે. તેની પૂજા કરવી જ જોઈએ. અનેક કષ્ટ વેઠીને આપણને જન્મ આપનાર, ત્યારબાદ આપણી અનન્ય કાળજી લઈ ઉછેરનાર, માની સેવા કરવાની આપણી ફરજ છે. તેને બદલે તેને વૃધ્ધાશ્રમમાં કોઈની દયા પર છોડી દેવાનું ધૃણાસ્પદ પગલું – ઉપકારક તત્વને દેવ માનવાની ઉત્તમ હિન્દુ પરંપરામાં ન માનવાની હીન વિચારસરણીનું પરિણામ છે. માત્ર મા જ નહીં પરંતુ બહેન, દિકરી, પત્ની, ભાભી, એ તમામ સ્વરુપો માનાં જ પવિત્ર સ્વરુપો છે. પરસ્ત્રીને માત સમાન ગણવાનું કહેનાર હિન્દુ ધર્મને સમજ્યા વિના, આવા બેહુદા ફતવા બહાર પાડનાર માનવીઓ જ, ભારત પાકિસ્તાનના ભાગલા વખતે અનેક નિર્દોષ બહેનોની ઈજ્જત લુંટવાનું  ભયાનક કામ કરી શકે.
ભારતમાં શાંતિથી રહેનારા મુસ્લીમોને તેમના જ્ઞાન અને અનુભવના આધારે, રાષ્ટ્રપતિનો દેશનો સર્વોચ્ચ હોદ્દો, ઉપરાષ્ટ્રપતિપદ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશનું પદ વગેરે મળેલાં છે. પાકિસ્તાનમાં મુસ્લીમ ધર્મમાં માનતા સમાજમાં આવી કોઈ પરંપરા છે ખરી ? અન્ય કોઈપણ ધર્મમાં રહેલાં સારાં તત્વો સ્વીકારવાની વિચારસરણી, આવા અણસમજુ ધર્માંધ લોકો ક્યારેય સ્વીકારશે ખરા ? અહીં તો આતંકવાદમાં માનનારા, નિર્દોષોનાં ખૂન કરનારા, સંસદ પર હુમલો કરનારાને ફાંસી આપવાનો વિરોધ કરનારા બેજવાબદાર લોકો, અભણ મુસ્લીમોને ગેરમાર્ગે દોરવા વાહીયાત ફતવા બહાર પાડે છે.
પવિત્ર મુસ્લીમ ધર્મનો વિરોધ નથી. દરેક ધર્મ પવિત્ર છે. દરેક ધર્મને માન આપવું જોઈએ. ધર્મ એટલે જ બીજાને મદદરુપ થવું. મુસ્લીમ ધર્મ પાળતા સજ્જનો, તેમના ધર્મબંધુઓને નિરક્ષરતામાંથી બહાર કાઢે, તેમની ગરીબી દૂર કરવા સાચા અને સારા પ્રયત્નો કરે, ગુન્હાખોરી ઘટાડે, ખૂન કે બળાત્કાર જેવા કોઈ ગુના મુસ્લીમો ન આચરે. આતંકવાદ અને ધર્મઝનુન કાયમ માટે છોડે. બહેનોને તેમના સમાજમાં માનભર્યું સ્થાન મળે, આવાં પગલાં લેવાય તે મુસ્લીમ સમાજની સાચી સેવા ગણાશે. બીજા ધર્મની નિંદા કરવી, તેમ જ અન્ય ધર્મ પાળનાર પ્રત્યે નફરત ફેલાવી તેમની હત્યાઓ  કરવાની કટ્ટરપંથી વિચારધારા સમગ્ર સમાજ માટે ભયાનક છે. દરેક સાચા મુસ્લીમ ભાઈઓએ આ વાત શાંતિથી વિચારવી જરુરી છે.

૪૪. પરમ શાંતિ

શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્  ભગવદ્ ગીતાજીમાં "પરમ શાંતિ" અનુભવવાના શ્રેષ્ઠ માર્ગ આપણને ચીંધ્યા છે. સ્વાર્થ તજવો, ક્રોધ તજવો, ઈચ્છાઓ તજવી, સુખ, દુ:ખને સમાન ગણવાં, લાભ-ગેરલાભ, જય-પરાજય, સફળતા-નિષ્ફળતા વગેરે જીવનનાં તમામ દ્વંદોમાં સમાન ભાવ રાખી તેનાથી વિચલિત ન થવું. આ બધું આપણે અગાઉ વાંચ્યું છે, પરંતુ તે પુરતું નથી. જીવનની મંઝીલનો ઉત્તમ માર્ગ હોવા છતાં, તે માર્ગ પર ચાલીએ નહીં તો મંઝીલ સુધી ન પહોંચાય. ગીતાજી દુનીયાનું શ્રેષ્ઠ પુસ્તક છે, પરંતુ તે ફક્ત વાંચવાથી કે ગોખવાથી પરમ શાંતિ ન મળે. આવું જ, શ્રીમદ્ ભાગવત, રામાયણ, વેદો, ઉપનિષદો કે અન્ય કોઈ પણ ઉત્તમ ગ્રંથ માટે કહી શકાય.
આવું જ ગુરુ માટે પણ કહી શકાય. ગુરુ પરમ જ્ઞાનવાન હોય, આત્મ સાક્ષાત્કાર કરી શક્યા હોય તો પણ તે તેમના તમામ શિષ્યોને આત્મ સાક્ષાત્કાર ન કરાવી શકે. સદગુરુ પરમહંસ સ્વામી શ્રી રામકૃષ્ણદેવજીને ઘણા અનુયાયી હતા. પરંતુ તેમાંથી એક જ શિષ્ય સ્વામી શ્રી વિવેકાનંદજીને સાક્ષાત્કાર કરાવી શક્યા. આમ કેમ ? ગુરુ સમર્થ હોય પરંતુ શિષ્યની લાયકાત પણ અત્યંત મહત્વની છે. રેડીઓ અથવા ટેલીવીઝન ટ્રાન્સમીશન સીસ્ટમ સરસ હોય, સાથોસાથ રેડીઓ અથવા ટેલીવીઝન રીસીવીંગ સીસ્ટમ પણ સરસ હોવી જોઈએ. આપણો રેડીઓ કે ટેલીવીઝન ખરાબ હોય તો પહેલાં તેને સુધારવું પડે. તેમાં શું ખામી છે તે શોધી કાઢવું જોઈએ અને તે દૂર કરવા સક્રિય કોશિષ કરવી જોઈએ. સ્વામી શ્રી વિવેકાનંદજી આત્મ સાક્ષાત્કાર કરી શક્યા કેમ કે તેઓ પોતે એક બહુ જ ઉચ્ચ કોટિના સાધક હતા.
મહારાષ્ટ્રના શ્રી જી.કે.પ્રધાન નામના સજ્જને ઈંગ્લીશ ભાષામાં લખેલ પુસ્તક  "Towards The Silver Crest of The Himalayas" નો શ્રી ગુલાબરાય મંકોડી નામના સજ્જને કરેલો ગુજરાતી અનુવાદ "હિમગિરિ શિખરોનો આધ્યાત્મિક સાદ" નામનું ઉત્તમ પુસ્તક ખાસ વાંચવા લાયક છે. તેમાં શ્રી ગુરુદેવ તરીકે જેમનો ઉલ્લેખ છે, તેમણે પણ પુસ્તક તથા ગુરુ વિષે આવો અભિપ્રાય વ્યક્ત કરેલ છે. પુસ્તક વાચવાથી કે ગોખવાથી પરમ શાંતિ ન મળે. પુસ્તક સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગી થઈ શકે. તે આપણું જ્ઞાન વધારે, આપણી માહિતીમાં ઉમેરો થાય પરંતુ પરમ શાંતિ ન મળે.
પુસ્તકમાં લખેલ જ્ઞાનનો અનુભવ કરવાનો પ્રયત્ન આપણે પોતે કરવો પડે. ગીતાજીમાં જે કાંઈ ઉત્તમ ઉપદેશ છે તે અનુસાર, આપણે સ્વાર્થ છોડવો પડે, ક્રોધ છોડવો પડે, ઈચ્છાઓ તજવી પડે, જીવનનાં દ્વંદોમાં સમાન ભાવ કેળવવા પ્રયત્ન કરવો પડે. ગીતાજીમાં બહુ જ ઉત્તમ જ્ઞાન છે, તે નિ:સંદેહ છે પરંતુ ગીતાજી વાચવાથી કે ગોખવાથી આત્મ સાક્ષાત્કાર ન થાય. પરમ શાંતિ એ બહુ જ ઉચ્ચ કોટિનો અનુભવ છે, શ્રી ગુરુદેવના શબ્દોમાં કહીએ તો -  " પરમ શાંતિ એ ભેટ સ્વરુપે આપવાની કે લેવાની વસ્તુ નથી. વ્યક્તિએ પોતે જ અનુભવ કરવો પડે અને અનુભવ એ અનુભવ છે,." એનું વર્ણન ન કરી શકાય.
તેવી જ રીતે ગુરુ પણ માર્ગદર્શન કરી શકે પરંતુ તે માર્ગે શિષ્યએ પોતે ચાલવું પડે. ગુરુ પ્રેરણા આપી શકે પરંતુ આત્મ સાક્ષાત્કાર ન કરાવી શકે. આત્મ સાક્ષાત્કાર એ પરમ શાંતિનું જ બીજું નામ છે. "હિમ ગિરિ શિખરોનો આધ્યાત્મિક સાદ" આપેલ છે. તે બહુ ઉત્તમ છે. પુસ્તકમાં પેઈજ નંબર 32 થી 37 માં શ્રી ગુરુદેવનું પ્રવચન
તેમણે એક બહુ સરસ વાત કરી કે એક સભાખંડમાં બધાં અંદરો અંદર વાત કરતાં હોય તો વાતાવરણ ઘોઘાટ ભર્યું બની જાય. બધાં બીજાંને શાંતિ રાખવા કહે અને ઘાંટા પાડવા માંડે તો શાંતિ ન સ્થપાય. તેને બદલે જો દરેક વ્યક્તિ પોતે જ શાંત થઈ જાય તો તરત જ શાંતિ સ્થપાઈ જાય. સમાજમાં બીજાને સુધરવાનું કહેવાને બદલે આપણે સુધરવાની જરુર છે. આ વાત બધાએ સમજવાની જરુર છે. જો સૌ પોતપોતાની જાતને સુધારે તો સમાજ આપોઆપ સુધરશે.
શ્રી ગુરુદેવે એવી જ એક બીજી બહુ સરસ વાત કરી. જો સભાગૃહમાં કોઈ અન્ય સાધનોને કારણે ઘોંઘાટ થતો હોય, અને આપણને અશાંતિ લાગતી હોય તો ઘોંઘાટ ઉત્પન્ન કરતાં સાધનોને દૂર કરવાં જોઈએ આપણા જીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ એ બધાં અશાંતિ ઉભી કરનારાં સાધનો છે. એ આપણે જાણીએ છીએ. ધીમે ધીમે તેને એક એક કરીને આપણા જીવનમાંથી દૂર કરીએ તો પરમ શાંતિનો અનુભવ આપણે કરી શકીએ. આ વાત તો શ્રીકૃષ્ણ ભગવાને આપણને ગીતાજીમાં સમજાવેલી જ છે.
શ્રી ગુરુદેવે કહ્યું છે કે – "તમારાં સુખ અને શાંતિમાં બાધાઓ ઉભી કરવા માટે તમે પોતે જવાબદાર છો. અને એટલે જ તે દૂર કરવાની ક્ષમતા પણ તમારા પોતાના હાથમાં જ છે, માટે મહેરબાની કરીને , ગુરુ અંગે માથાફોડ કરો નહિ અને બીજાને અનુસરવાનું છોડો."
વળી ગુરુ અંગે તેમણે કહ્યું કે આજે તો જીવનની વિટંબણાઓ અને ચિંતાઓમાંથી મુક્તિ કે રાહત મેળવવા કાજે જ ગુરુની શોધ ચાલે છે. એક ગુરુ ઈચ્છેલી રાહત ન આપી શકે તો બીજા ગુરુની શોધ ચાલે છે. આર્થિક કે ભૌતિક રાહત મેળવવા એક ગુરુ પાસેથી બીજા ગુરુ --
અને બીજા પાસેથી ત્રીજા ગુરુ પાસે જવું, એવું ચાલે છે. ગુરુ કોઈ બેંક નથી, જે તમારા આર્થિક કોયડા ઉકેલ્યા કરે. એ જ રીતે ગુરુ કોઈ સત્તા નથી જે તમારા ભૌતિક કોયડા ઉકેલ્યા કરે.
ગુરુ એ કોઈ ધંધો કે વ્યવસાય નથી. જો કોઈ ગુરુ તમારા કોઈપણ કોયડા ઉકેલી આપવાની વાત કરે તો સમજવું કે સત્ય શું છે તે તેઓ જાણતા નથી. આવા ધંધાદારી ગુરુથી દૂર રહેવું વધુ હિતકારક છે. એક અજ્ઞાની બીજાને જ્ઞાન શી રીતે આપી શકે ? શ્રી ગુરુદેવે ભારપૂર્વક કહ્યું છે કે – "તમારાં સુખ અને શાંતિમાં બાધાઓ ઉભી કરવા માટે તમે પોતે જવાબદાર છો. અને એટલે જ તે દૂર કરવાની ક્ષમતા પણ તમારા પોતાના હાથમાં જ છે, માટે મહેરબાની કરીને , ગુરુ અંગે માથાફોડ કરો નહિ અને બીજાને અનુસરવાનું છોડો."
આચાર્ય શ્રી રજનીશજીએ તેમના પુસ્તક  "ભજ ગોવિન્દમ્ મૂઢમતે" માં (પેજ નંબર 43-44)માં બહુ સરસ વાત લખી છે કે – "તમે કહો છો, મેં ગુણોને પ્રાપ્ત કરી લીધા છે, મેં કેટલી પ્રાર્થનાઓ કરી, કેટલી પૂજા કરી, કેટલા દીપ પ્રગટાવ્યા, કેટલી અગરબત્તીઓ ફુંકી મારી, કેટલાં ફુલ તારાં ચરણોમાં ધર્યાં, કેટલા ઉપવાસ કર્યા, કેટલાં ધ્યાન કર્યાં, કેટલું તપ –બધું કરી ચૂક્યો, પણ તું ન આવ્યો." બસ, એમાં જ તમારો અહંકાર ઘોષણા કરી રહ્યો છે. આપણે માનીએ છીએ કે – "મેં આટલું બધું કર્યું, એટલે મારામાં યોગ્યતા આવી ગઈ છે, હું પરમ શાંતિ મેળવવાને પાત્ર થઈ ગયો છું. જેમણે કાંઈ નથી કર્યું, એમને તું મળ્યો છે, તો મને કેમ નહીં ? મને અન્યાય થઈ રહ્યો છે." આવો દાવો કરવો એ પણ અહંકારની નિશાની છે.
મેં યોગ્યતા મેળવી લીધી છે, એમ માનવાને બદલે સંપૂર્ણ શૂન્ય બની જાઓ, વિચારવિહિન બની જાઓ. "ધ્યાન રાખજો, પરમાત્મા ઉતરે છે કેવળ તમારી શૂન્યતામાં, જ્યારે તમે પરિપૂર્ણ શૂન્ય બની જશો ત્યારે ક્ષણભર વાર નથી લાગતી. અહીં તમે શૂન્ય થયા અને પરમાત્મા ઉતર્યો. આ બંને ઘટનાઓ એક સાથે સર્જાય છે."
આપણે પોતે માની લઈએ કે મેં ખૂબ ધ્યાન કર્યું છે, પરંતુ એ પરિપૂર્ણ ન હોય. ગીતાજીમાં છટ્ઠા અધ્યાય 'આત્મસંયમયોગ' માં, પરમ શાંતિ મેળવવાના પ્રયત્નને અભ્યાસ કહ્યો છે, તે અભ્યાસ એટલે કે ધ્યાન, ઉપાસના, આરાધના, સાધના જે કહો તે, વિચારવિહીન બનવાની પ્રક્રિયા છે. સંપૂર્ણ વિચારવિહીન બનનારને "પરમ શાંતિ" મળે જ. એ તો શ્રીકૃષ્ણ ભગવાનનું કથન છે, એટલે શંકાથી પર છે. પરમાત્માનાં દર્શન થશે કે નહીં એવી અવઢવમાં પડ્યા વગર, સતત ધ્યાન કરવું જરુરી છે. ખેતરમાં જુદે જુદે ઠેકાણે 8-10 ફુટ ઉંડા ખાડા ગાળવાથી પાણી ન મળે પરંતુ એક જ જગ્યાએ ખૂબ ઉંડો કૂવો ગાળીએ તો પાણી ચોક્કસ મળે. સતત નિયમિત ઉંડું ધ્યાન કરી વિચારવિહીન બનશું તો પરમ શાંતિ રુપે પરમાત્માની કૃપા અવશ્ય મળશે જ, એ નિર્વિવાદ છે. પછી કાંઈ મેળવવાનું નહીં રહે.

૪૫. ગુજરાતનાં પાવન તીર્થો

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના 17મા અધ્યાયમાં ઉત્તમ દાન વિષે બહુ સુંદર વાત કરી છે. “દાન આપવું એ ફરજ છે, તેવી બુધ્ધિથી, બદલો મળવાની આશા રાખ્યા વગર, યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને જે દાન આપવામાં આવે છે તે સાત્વિક દાન કહેવાય છે.” પરમાત્માએ કહેલી વાત બહુ શાંતિથી વિચારીને જ દાન આપવું જોઈએ.
સંસ્કૃતમાં એક બહુ સરસ શ્લોક છે –
“परोपकाराय विभाति सूर्य:, परोपकाराय वहन्ति नद्य:,
परोपकाराय फलन्ति वृक्ष:, परोपकारश्च सदैव कार्य...”
સૂર્ય નારાયણ, નદીઓ, વૃક્ષો વગેરે કોઈ અંગત સ્વાર્થ વિના જ, ફક્ત પરોપકાર માટે જ કાર્ય કરે છે, તેવી જ રીતે માનવીએ પણ પોતાના અંગત સ્વાર્થ વિના પરોપકાર કરતા રહીને પોતાનું જીવન જીવવું જોઈએ, એ જ ઉત્તમ જીવન છે. શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં “નિષ્કામ કર્મ”ઉપર ખૂબ ભાર દીધો છે. વળી પરોપકાર કરવા માટે શ્રીમંત હોવું જરુરી નથી. પોતાની મર્યાદાનો ખ્યાલ રાખીને, થોડુંક દાન શુભ ભાવનાથી કરતા રહેવું જોઈએ. દાન ક્યાં કરવું, એ ખાસ વિચારણા માગી લે છે. ગમે ત્યાં દાન કરવું, એ ધનનો વિનાશ હોઈ શકે.
          ભારતમાં મંદિરો ઘણાં છે, નવાં બાંધવાની જરુર નથી. તેમ જ ધનથી છલકાતાં મંદિરોને વિશેષ છલકાવવાની જરુર નથી. પરમાત્મા માત્ર મંદિરમાં વિરાજતા નથી, તે મંદિરની બહાર પણ છે, એ ભૂલવું ન જોઈએ.
         આપણા જીવનમાં કોઈ ને કોઈ શુભ પ્રસંગો આવતા જ રહે છે. સુપુત્ર તથા સુપુત્રીનો જન્મ, તેમનાં લગ્ન, યજ્ઞોપવિત, મકાનનું વાસ્તુ, પરિવારના દરેક સભ્યનો જન્મ દિવસ વગેરે અનેક પ્રસંગો ગણાવી શકાય. એ શુભ પ્રસંગને આપણા આનંદ પુરતો સીમીત રાખવાને બદલે બીજાના જીવનમાં પણ આનંદ ફેલાય તેવું કંઈક કરીએ તો પરમાત્માની કૃપા જરુર અનુભવી શકીએ. આવા શુભ પ્રસંગે આપણે જે કાંઈ ખર્ચ કરવાનું વિચારીએ, તેમાં થોડી કરકસર કરીને થોડીક રકમ અન્યના કલ્યાણના શુભ હેતુથી દાન સ્વરુપે આપવામાં આવે એ બહુ જરુરી છે. મંદિરોમાં દાન કરવું જરુરી નથી પરંતુ મંદિર જેવાં જ પાવન તીર્થધામ સમાન અમુક સંસ્થાઓ ગુજરાતમાં છે, તે સંસ્થાઓ વિષે થોડું જાણીએ. તેમને આપણા ઘરના શુભ પ્રસંગોએ થોડું શક્તિ અનુસાર દાન મોકલીએ તો પરમાત્માની સાચી પૂજા થાય. અલબત્ત! આ લખાણથી પ્રેરાઈને નહીં પરંતુ આવાં તીર્થધામોની માહિતી મેળવી, કે અનુકૂળતાએ મુલાકાત લઈને, શુભ ભાવનાથી કાંઈક દાન કરીએ તો એ ઉત્તમ દાન ગણાય.
(1)જુનાગઢના ઉચ્ચ ખાનદાન કુટુંબમાં જન્મેલ શ્રીમતિ પુષ્પાબહેન મહેતાએ 1937માં “વિકાસગૃહ”નામની સંસ્થા પાલડી, અમદાવાદમાં સ્થાપી, તે આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 26 વર્ષની યુવાન વયે વિધવા થયા પછી તેમણે સમાજ સેવાનો રાહ અપનાવ્યો. વિધવા તથા પતિ કે પરિવાર દ્વારા ત્યજાએલી મહિલાઓને આ સંસ્થા આશ્રય આપે છે. સાચી પ્રેમની હુંફ આપે છે. તેમને જરુરી શિક્ષણ આપી પગભર કરવા કોશિષ કરે છે. માતા સાથે આવેલ બાળકોની અહીં વાત્સલ્ય સાથે માવજત કરાય છે. તેમનામાં ઉમદા સંસ્કારોનું સિંચન કરાય છે. અહીં આશ્રય લેતી કેટલીક મહિલાઓને પરેશાન કરવા, કેટલાંક અસામાજીક તત્વો તેનો કબજો મેળવવા પ્રયત્ન કરે છે. સંસ્થા તેમને કાયદાકીય રક્ષણ પુરું પાડે છે. સમજાવટથી જો સમાધાન શક્ય હોય તો, તેવા ઉમદા પ્રયત્નો પણ કરવામાં આવે છે. પરમ પૂજ્ય પુષ્પાબહેનના 1988માં નિધન પછી પણ આ સંસ્થા ઉત્તમ સેવા કાર્ય કરે છે. સ્વ. પરમ પૂજ્ય પુષ્પાબહેને વૈધવ્ય પછી જીવનભર કાળી સાડી પહેરી. તેમના અંગત જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓને કોઈ સ્થાન ન હતું. જીવનના અંત સુધી નિષ્કામ ભાવે સેવા કરનાર આ મહાન મહિલાનું જીવન ખૂબ જ સાદું હતું. “વડલાનાં વાવેતર”નામના પુસ્તકમાં પરમ પૂજ્ય પુષ્પાબહેન તથા વિકાસગૃહ વિષે સવિસ્તર માહિતી લખાયેલી છે. તેમણે વિકાસગૃહ ઉપરાંત વઢવાણમાં વિકાસ વિદ્યાલય તથા જુનાગઢમાં શિશુમંગલ નામની સંસ્થાઓ સ્થાપી.
(2)સ્વ. પરમ પૂજ્ય પુષ્પાબહેનનાં ભત્રીજી શ્રીમતિ અરુણાબહેન દેસાઈએ પણ,પૂજ્ય પુષ્પાબહેને વઢવાણમાં સ્થાપેલ “વિકાસ વિદ્યાલય”નામની સંસ્થાનું સુકાન 1945થી સંભાળી અવિરત સેવા કાર્ય કરેલ છે. ત્યા પણ વિકાસગૃહની જેમ જ વિધવા તેમ જ ત્યક્તાઓને આશ્રય આપવામાં આવે છે. આ પાવન તીર્થની મુલાકાત લેતાં એક અજબ દ્રશ્ય જોવા મળ્યું. કેટલીક નિર્દય માતાઓ,સમાજની નિંદાના ડરથી, અનૈતિક સંબંધોને કારણે જન્મેલ બાળકોને અહીં છોડી જાય છે. આવાં નાનાં નાનાં નિર્દોષ શિશુઓને અહીં ખૂબ જ સ્નેહપૂર્વક ઉછેરવામાં આવે છે. સંસ્થાની બહેનો તેમની ખૂબ કાળજી રાખે છે. ઘોડીયામાં ઝુલતાં નિર્દોષ ભૂલકાંઓને હસતાં જોઈ પરમાત્માનાં દર્શન કર્યાનો આનંદ અનુભવ્યો. તેમની કાળજી લેનાર બહેનોને અભિનંદન આપતાં તેમણે કહ્યું – “આ સંસ્થાએ અમને આમ જ પ્રેમપૂર્વક ઉછેર્યાં છે, એટલે અમે વિશેષ સેવા કરીએ છીએ, એવું અમને લાગતું નથી.”પરમ પૂજ્ય અરુણાબહેનના નિધન પછી પણ આ સંસ્થાએ ઉત્તમ સેવાની પરંપરા ચાલુ રાખી છે. પરમ પૂજ્ય અરુણાબહેનના જીવનમાં પણ વૈભવને કોઈ સ્થાન ન હતું.  તેઓ પણ ખૂબ સાદાઈથી જીવ્યાં. જીવનના અંત સુધી નિષ્કામ ભાવે સેવા કરતાં રહ્યાં. વિકાસગૃહ કે વિકાસ વિદ્યાલયમાં કોઈ મંદિર નથી પરંતુ પરમાત્માનું અસ્તિત્વ અહીં અનુભવી શકાય છે. પરમાત્મા માત્ર મંદિરમાં જ નથી પરંતુ મંદિરની બહાર પણ છે એ પરમ સત્ય અહીં અનુભવવા જેવું છે.
(3)ભુજનાં શ્રીમતિ અનુબહેન ઠક્કર પણ ગજબ સેવામૂર્તિ હતાં. પોતે અકિંચન હતાં પણ સેવાની ગજબ ધૂનને કારણે તેમના ગુરુની આજ્ઞા અનુસાર,વડોદરા નજીક વાઘોડીઆ તાલુકામાં ગોરજ નામના એક નાનકડા ગામની સીમમાં ઉજ્જડ સ્થળે, તેમણે બાજુના ગામનાં નાનાં નાનાં બાળકોને ભેગાં કરી તેમને નવરાવવાનું, તેમનાં માથાં ઓળી દેવાનું, તેમના નખ કાપી આપવાનું, જેવાં નાનાં નાનાં કામથી સેવાની શરુઆત કરી. સેવાની સુગંધ પ્રસરતાં થોડી થોડી મદદ મળવા લાગી. તેમણે બાલમંદિરની સ્થાપના કરી. પછી શાળા, માધ્યમિક શાળા, હાઈસ્કૂલ વગેરેની સ્થાપના થઈ. બહેરાં મૂંગાં બાળકો માટે અલગ શાળા સ્થાપી. તેમને રહેવા માટે સુંદર સગવડોવાળી હોસ્ટેલ સ્થપાઈ. ત્યાર પછી વૃધ્ધાશ્રમની સ્થાપના કરી. વયોવૃધ્ધ વડીલોની અહીં ખૂબ કાળજી રખાય છે. આજુબાજુનાં ગામડાંના રહીશોની સગવડ માટે હોસ્પીટલ સ્થપાઈ. વડોદરાથી નિષ્ણાત ડોક્ટરો આવીને પોતાની સેવાઓ આપે છે. સેવાની અપ્રતિમ સુગંધના શ્રેષ્ઠ પરિપાક રુપે અહીં “કૈલાશ કેન્સર હોસ્પીટલ”ની સ્થાપના થઈ. કેન્સરના દર્દીઓની વિના મૂલ્યે શ્રેષ્ઠ સારવાર થાય છે. દર્દી અને તેના એટેન્ડન્ટને વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા છે.
     પરમ પૂજ્ય અનુબહેને લગ્ન નહોતાં કર્યાં, પરંતુ સંન્યાસિનીની જેમ ભગવાં વસ્ત્રો પહેરતાં. તેમનું અંગત જીવન સાદાઈ ભર્યું હતું. એક અકિંચન નારી સેવાની ધગશથી શું કરી શકે ? એ ચમત્કાર જગતને બતાવી, સેવા કરતાં કરતાં પરમાત્માની પરમ જ્યોતમાં ભળી ગયાં. મુનિ આશ્રમ નામે પ્રખ્યાત એ સ્થળ આજે પણ સેવાની જ્યોતથી ઝગમગે છે.
(4)પ્રાત:સ્મરણીય સંત પરમ પૂજ્ય રણછોડદાસજી બાપૂએ, પોતે અકિંચન હોવા છતાં,સમાજના સહકારથી, બિહારના દુષ્કાળ વખતે રાહત કેમ્પ શરુ કરી, દરરોજ 35000 માણસોને છ મહિના સુધી પ્રેમપૂર્વક જમાડ્યાં. પૂર્ણાહૂતિ પ્રસંગે પુરુષોને ધોતી અને બહેનોને સાડી આપવામાં આવ્યાં. પુરુષોને ડ્રાઈવીંગની તાલીમ આપી જેથી દુષ્કાળ પછી તેમને કામ મળી શકે.
     આ પવિત્ર સંતની પ્રેરણાથી રાજકોટમાં આંખની હોસ્પીટલ સ્થાપવામાં આવેલ છે. અહીં મોતીયાનાં ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવે છે. નિષ્ણાત સેવાભાવી ડોક્ટરો દ્વારા આંખના બીજા રોગની પણ સારવાર કરવામાં આવે છે. જરુરી મલમ, આંખનાં ટીપાં વગેરે મફત અપાય છે. મોતીયાના ઓપરેશન પછી, ગોગલ્સ અને ત્યાર બાદ એક મહિના પછી જરુરી ચશ્માં મફત અપાય છે. દર્દી તથા તેના એટેન્ડન્ટ માટે સાત્વિક ભોજનની મફત સુવિધા છે.
(5)પરમ પૂજ્ય પુષ્પાબહેનના માર્ગદર્શન નીચે, -- હળવદમાં શ્રી રેવાશંકર પ્રગતિ ગૃહ, જુનાગઢમાં શિશુમંગલ, ( તથા પ્રભાસપાટણ-વેરાવળમાં તેની શાખા રુપે ), રાજકોટમાં શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ, જામનગરમાં શ્રી કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહ, ભાવનગરમાં શ્રી તાપીબાઈ રણછોડદાસ ગાંધી વિકાસગૃહ, અમરેલીમાં શ્રી જડાવલક્ષ્મી રામજીભાઈ કામાણી વિકાસગૃહ વગેરે જુદા જુદા સજ્જનોએ ઉમદા સેવા ભાવનાથી સ્થાપેલ આવી સંસ્થાઓ છે. જ્યાં સમાજના અત્યાચારથી પીડિત મહિલાઓ તેમ જ બાળકોને સાચા અર્થમાં આશ્રય આપવામાં આવે છે. આ આશ્રય પણ કામચલાઉ નહીં પરંતુ તેઓ ભણીગણીને સ્વમાનભેર જીવનમાં સ્થિર થાય, પગભર થઈને હિમ્મતભેર જીવનની સમસ્યાઓનો સામનો કરી શકે ત્યાં સુધીનો હોય છે. આ કોઈ નાનુંસુનું કામ નથી.
     દહેજના રુપમાં થોડુંક ધન મેળવવા, કોઈ નિર્દોષ કન્યાને જીવતી સળગાવવાનું કામ  સહેલું છે, પરંતુ એમાં બહાદુરી નથી. કોઈનું સતત અપમાન કરી, મેણાંટોણાં કે શારીરિક ત્રાસ આપી, આંસુ પડાવવાનું કામ સહેલું છે, એમાં કાંઈ અઘરું નથી, પરંતુ આવા સતત ત્રાસથી મૃતપ્રાય બનેલ કોઈ નિરાધાર અસહાય નારીનાં આંસુ લુછવાનું, તેને સ્વમાનભેર જીવતાં શીખવવાનું, તેના જીવનમાં આનંદ ફેલાવવાનું કામ અત્યંત અઘરું છે. તે પણ એકાદ વ્યક્તિ નહીં પરંતુ હજારો નિરાધાર નારીઓનાં જીવનનું પરિવર્તન, કોઈ જ જાતના અંગત સ્વાર્થ વિના કરવું, એ અદભૂત કામને બીરદાવવા શબ્દો ઓછા પડે. આવાં તમામ મહાનુભાવોને શત શત પ્રણામ કરી, તેમના કાર્યમાં આપણે સૌએ યથાશક્તિ યોગદાન આપવું જ જોઈએ. આપણો અંગત સ્વાર્થ તજી, આવું પવિત્ર યોગદાન આપણે ક્યારે આપશું ?
આપણે શ્રીમંત છીએ એવું આપણું અહમ્ સંતોષવા કે સમાજમાં આપણી પ્રતિષ્ઠા વધે એટલા માટે, ક્યારેક દાન કરીએ છીએ. પરંતુ એ શ્રીકૃષ્ણ ભગવાનના ઉપદેશ અનુસાર નિષ્કામ કર્મ હોતું નથી. આપણા નામની તક્તી સંસ્થામાં મુકાય, લોકો આપણી વાહ વાહ કરે એટલી અપેક્ષા મનમાં જરુર છુપાયેલી હોય છે. આપણે દાનેશ્વરી છીએ, એવું આપણું અભિમાન સંતોષાય એવી કોશિષ કરીએ છીએ. ઉપરોક્ત મહાન મહિલાઓ તથા પરમ સંતે પોતાનું જીવન પરમાત્માને ચરણે ધરી દીધું. બીજાના જીવનમાં આનંદ પ્રગટાવવા એમણે પોતાના આનંદને ગૌણ માન્યો. એમની નિસ્વાર્થ સેવા માટે અભિનંદનના શબ્દો ઓછા પડે. બીજાના જીવનમાં સુગંધ ફેલાવવા, એમણે કાંટાળા માર્ગની પરવા ન કરી. એમના જેટલું ઉચ્ચ કક્ષાનું જીવન ન બનાવી શકીએ, પણ તેમના કાર્યને આગળ ધપાવવા કાંઈક નાનકડું યોગદાન આપી શકીએ, એ પણ નિષ્કામ સેવા છે. સ્વાર્થી જીવન તો સહુ જીવે, તેમાં કાંઈ વિશેષતા નથી, એને પશુજીવન કહી શકાય. નિષ્કામ ભાવે બીજાના જીવનમાં આનંદ પ્રગટાવવાને જ સાચું માનવજીવન કહી શકાય.
*****

 ૪૬. ઉપસંહાર

શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનનો વિષાદ દૂર કરવા ગીતાજીનો ઉપદેશ આપ્યો. આમ ગીતાજીની શરુઆત 'અર્જુન વિષાદ યોગ'થી થાય છે. લેખ નં. ૬ - 'યુદ્ધ ન કરવું કે કરવું?' થી શરુ કરી લેખ નં. ૩૨માં 'અહીં ગીતાજી પૂર્ણ થાય છે.' તેવી નોંધ છે. (પેજ નં. ૯૪) ગીતાજી એટલો બધો ગહન ગ્રંથ છે કે તેને મર્યાદિત પાનામાં સમાવી શકાય નહીં. તેના વિષે જેમ વધુ વિચારીએ તેમ નવું નવું સુઝે. બાકીના લેખ એ રીતે લખાયેલા છે. એક મિત્રે દિપાવલી નજીક હોવાથી ગીતાજીના અનુસંધાનમાં દિપાવલી અને નૂતન વર્ષ વિષે લખવા સૂચવ્યું આવો કોઈ ઉલ્લેખ ગીતાજીમાં નથી. પરંતુ પરમાત્માએ જે સુઝાડ્યું તે લખ્યું.
દિપાવલી એ પ્રકાશનું પર્વ છે. પ્રકાશ એ પરમાત્માનું નિરાકાર સ્વરુપ છે. એટલે દિપાવલી એ પરમાત્માની આરાધના કરવાનું પર્વ છે. જીવન નિર્મળ બનાવી, પરમાત્માનું આરાધન કરીએ તો આપણું જીવન પ્રકાશમય બની જાય. તે દિવસ લક્ષ્મીપૂજનનું તો ખાસ મહત્વ છે. લક્ષ્મી વિના જીવનનિર્વાહ મુશ્કેલ બની જાય. જીવનમાં બંનેનું ખૂબ મહત્વ છે. પ્રમાણિક પણે પરિશ્રમથી ધન મેળવીને પરિવાર માટે તેમ જ યથાશક્તિ સમાજ માટે તેનો સદ્ઉપયોગ કરીએ તો એ લક્ષ્મી પૂજન મંગલકારી બની રહે.
નૂતન વર્ષે આપણા જીવનનું સરવૈયું તપાસવાની વાત છે. સરવૈયું કાઢીએ તો જ નફા- નુકશાનની ખબર પડે. રુપીઆ જીવન માટે જરુરી છે, પરંતુ એ સર્વસ્વ નથી. ધન કરતા જીવન સવિશેષ મૂલ્યવાન છે. આર્થિક નુકશાન ન થાય તેની જેટલી દરકાર આપણે રાખીએ છીએ તેથી વિશેષ કાળજી જીવનમૂલ્યોને નુકશાન ન થાય તેની રાખીએ તો, અને સૌનું હિત થાય તેવા પ્રયત્ન કરીએ તો, સમાજની કાયાપલટ થઈ જાય.
આજના કહેવાતા ગુરુઓ અધમતાની હદ ઓળંગી રહ્યા છે. સમાજને સુધારવાનું, સંસ્કારી બનાવવાનું મહત્વનું કામ જેમણે કરવાનું છે, તેઓ નરાધમ બની ગયા છે. બે-ચાર શિક્ષકોને સજા થાય એ પુરતું નથી. ધન તરફની આંધળી દોટ અને અસંસ્કારી શિક્ષકોને છાવરતા રાજકારણીઓ સુધરે તો જ એ શક્ય બને. આવાં અસામાજીક તત્વો સમાજમાંથી જ આવે છે. નરાધમ શિક્ષકોને ખૂબ કડક સજા થાય, અને અસામાજિક રાજકારણીઓને પ્રજા ન ચૂંટે તો જ સમાજનો સડો સાફ થાય.
લેખ નં. ૬માં બે વાત મહત્વની છે. (૧) અન્યાય સહન કરવો એ કાયરતા છે, અધર્મ છે. એની સામે લડવું જ જોઈએ. (૨) દરેક માનવીને એક છુપો દુશ્મન હોય છે. એ દુશ્મન એટલે આપણું પોતાનું મન. તેની સામે યુદ્ધ કરવું અત્યંત જરુરી છે. હું ગીતાજી બહુ સમજ્યો નથી, એટલે આ બંને બાબતોનો ગીતાજીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કેમ તે ખ્યાલ નથી. આ બંને બાબતો વિષેનું મારુંઅજ્ઞાન મને મુંઝવતું હતું. પરમાત્માની કૃપાથી એ બંને પ્રશ્નોનો સુખદ ઉકેલ મળી જતાં અત્યંત આનંદ અનુભવું છું.
આપણા વિદ્વાન લેખક શ્રી ગૌતમભાઈ શર્માના પુસ્તક 'વિષ્ટિકાર શ્રીકૃષ્ણ' માં પેજ નં. ૩૫૧ પર અન્યાય બાબત બહુ સ્પષ્ટ વાત છે. શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે પાંડવ અને કૌરવોનો આ કલહ માત્ર પ્રતીક જ છે. ધર્મ...સહનશીલ ધર્મ જે અન્યાયને સહ્યે જ ગયો છે એણે હવે અધર્મ સાથે યુદ્ધ કરવું જ રહ્યું.
આપણા વિદ્વાન લેખક શ્રી હરીન્દ્રભાઈ દવેના પુસ્તક 'આનંદપુરુષ શ્રીકૃષ્ણ'માં પેજ નં. ૨૮ પર મન સાથેના યુદ્ધ બાબત સરસ વર્ણન છે. મહાભારત યુદ્ધ પુરું થયા પછી સ્વજનોને હણવા બાબત યુધિષ્ઠિર વિષાદ અનુભવે છે. ખુદ ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરને આશ્વાસન આપે છે કે સ્વપ્નમાં મળેલ ધનની જેમ મારા સો પુત્રોનો નાશ થયો. એટલે શોક તો મને થવો જોઈએ. તેમ છતાં યુધિષ્ઠિરનો વિષાદ શમતો નથી. ત્યારે પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે
યચ્ચ તે દ્રોણભીષ્માભ્યાં યુદ્ધમાસીદરિદમ્
મનસા એકેન યોદ્ધવ્ય તત્ તે યુદ્ધમુપસ્થિતમ્
"હે શત્રુદમન ! તમે દ્રોણ કે ભીષ્મ સાથે કર્યું હતું એ જ યુદ્ધ આજે તમારી સામે આવ્યું છે. પરંતુ આ યુદ્ધ મનસા - મનથી (મન સાથે - મન સામે ) લડવાનું છે અને એકેન - એકલાએ જ લડવાનું છે. ભીમ કે અર્જુનનું શૌર્ય પણ એ યુદ્ધ લડવા માટે નકામું છે." શ્રીકૃષ્ણ ભગવાને આ વાત આપણને સૌને કહી છે. જીવનમાં આવતાં દુખ, આર્થિક નુકશાન, પરાજય, નિષ્ફળતા, શોક વગેરે સામે નિર્ભય બનીને લડવું જોઈએ.
ઉપરોક્ત બંને વાત શ્રીકૃષ્ણ ભગવાને કહી છે. એટલે ગીતાજીની આ લેખમાળા મેં લખી નથી પરંતુ પરમાત્માએ લખાવી છે, એ સિદ્ધ થતાં હું સ્વાભાવિક રીતે આનંદ અનુભવું છું. આ કોઈ ભ્રમ કે અતિશયોક્તિ નથી પરંતુ નિર્ભેળ સત્ય છે.
'આનંદપુરુષ શ્રીકૃષ્ણ'માં પેજ નં. ૨૯ પરની નાનકડી વાત બહુ જ ગજબ છે
"કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનીયા તજી દે તોય માણસ ક્યારેય ત્યજાયેલો હોતો નથી . દુનીયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાયનો રહેતો નથી." - જગતનિયંતાને મારી એટલી જ પ્રાર્થના છે કે - "હે શ્રીકૃષ્ણ ભગવાન ! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઈચ્છું છું. મારો હાથ ઝાલશો ને, પ્રભુ ?
*************