The Geeta (Part 1)

પ્રારંભિક

શ્રીકૃષ્ણ: શરણં મમ  "
(શ્રીમદ્ ભગવદ્ ગીતાજી)
આત્મીય સ્વજનશ્રી,
આપના હૃદયમાં વિરાજમાન પરમ કૃપાળુ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનને પ્રણામ કરું છું.
જીવનને ઉજ્વળ પંથે લઈ જનાર, શ્રીમદ્ ભગવદ્ ગીતાજી વિષે આપણે જેટલું ચિંતન મનન કરશું, તેટલું આપણું જીવન ઉજ્વળ થશે, તેમાં કોઈ સંદેહ નથી. કોઈપણ ધર્મમાં માનનાર, કોઈપણ સંપ્રદાયના અનુયાયી, દેશ કે વિદેશમાં રહેવાવાળા, સ્ત્રી કે પુરુષ, જેમને પોતાનું જીવન ઉજ્વળ અને ઉન્નત બનાવવું છે, તે ગીતાજીનું ચિંતન કરી શકે છે. તેને માટે સાચી લગની જોઈએ. ગીતાજીના 700 શ્લોક કંઠસ્થ કરવાની કોઈ જરુર નથી. જેટલું સમજાય તેટલું આચરણ કરીએ, તે પુરતું છે. 
(1)

શ્રીકૃષ્ણ દર્શન ---

શ્રીકૃષ્ણ જીવન સંદેશ -
સદાય આનંદમાં રહો. સૌના પ્રત્યે અનન્ય પ્રેમ રાખો. ત્યાગી, ઉદાર અને  ક્ષમાશીલ બનો.
ગીતા સંદેશ -
કર્મયોગ  -  નિષ્કામ કર્મ કરવું જોઈએ. એટલે કે, કોઈ પણ કાર્ય અંગત સ્વાર્થની દ્રષ્ટિથી ન કરવું જોઈએ. લાભ-ગેરલાભ, યશ- અપયશ, અથવા જય-પરાજયની પરવા કર્યા વિના પોતાની ફરજ અનુસાર કર્મ કરવું જોઈએ.સમાજનું કલ્યાણ થશે.
જ્ઞાનયોગ  - સૌમાં પરમાત્મા વિરાજમાન છે, એમ સમજીને માતા-પિતા, ભાઈ-બહેન,પતિ-પત્ની, બાળક -- પરિવારના તમામ સભ્યો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. પરિવારમાં કાયમી શાંતિ રહેશે.
ભક્તિયોગ - દુનીયાની સંપૂર્ણ ઉપાધિ છોડીને, પરમાત્માને સંપૂર્ણ આત્મસમર્પણ કરવું જોઈએ. આપનું આત્મકલ્યાણ થશે. સારા દેખાવું જરુરી નથી, પરંતુ સારા બનવું જરુરી છે.
(પારિવારિક શાંતિ, સમાજ શાંતિ, વિશ્વશાંતિ વગેરેની વાતો કરવાથી કાંઈ નહીં વળે. ગીતાજીને કંઠસ્થ કરવાથી કે માત્ર નિયમિત પઠન કરવાથી પણ કાંઈ નહીં વળે. જ્યાં સુધી આપણે સૌ, આપણું જીવન ન સુધારીએ, તેમ જ પરમાત્માએ દર્શાવેલા માર્ગ પર ચાલીને, નિષ્કામ કર્મ ન કરીએ, સૌ સાથે સારો વ્યવહાર ન કરીએ અને પરમાત્માને આત્મસમર્પણ ન કરીએ, ત્યાં સુધી જીવનમાં કોઈ પરિવર્તન નહીં થાય. જેટલું સમજાય તેટલું આચરણ કરીએ, એ બહુ મહત્વપૂર્ણ છે.)
(2)
પરમાત્માની સાચી પૂજા કરવા માટે, ખૂબ પ્રેમપૂર્વક અને સંપૂર્ણ નિષ્કામ ભાવે-
(1) દર ત્રણ મહિને નિયમિત રુપે રક્તદાન કરવા માટે વિનમ્ર વિનંતિ --
  1. કોઈ માને બચાવશો તો               -   તેનાં બાળકો પણ બચી જશે. 
  2. કોઈ ઘરના મોભીને બચાવશો તો    -    તેનો પરિવાર બચી જશે.
  3. કોઈ બાળકને બચાવશો તો           -   તેનાં માતા પિતા બચી જશે.
  4. કુદરત બહુ ઉદાર છે. આપે આપેલું રક્ત આપને ત્રણ મહિનામાં પાછું મળી જશે. આપને કોઈ નુકશાન નહીં થાય.
(2) મૃત્યુ બાદ આંખની રાખ કરવી ઠીક નથી. ચક્ષુદાન કરવા માટે વિનમ્ર વિનંતિ -કોઈ અંધ માનવીના જીવનમાં પ્રકાશ ફેલાઈ જશે.
(3) કોઈ ભૂખ્યા માનવીને ભોજન કરાવવું, અન્નદાન તથા કોઈ ફુટપાથ પર સૂનારા, ઠંડીથી પરેશાન માનવીને ધાબળો ઓઢાડવો, નવાં ન આપી શકીએ તો જુનાં વસ્ત્ર આપવાં, વસ્ત્રદાન પણ ઉત્તમ સેવા છે. પરમાત્મા માત્ર મંદિરની મૂર્તિમાં જ નથી, પરંતુ બહાર પણ છે, એ વાત ભૂલવી ન જોઈએ.
(4) માત્ર સ્વયંનું નહીં પરંતુ સૌનું કલ્યાણ થાય, એવા પ્રયત્નો કરતા રહેવું એ માનવ ધર્મ છે.
-------------------------------------------------
(3)

**  શ્યામનું શરણું  **
 હું તો તુજ શરણું ઈશ ! યાચું, યાચું શ્યામ હે !
હું તો તુજ શરણું ઈશ ! યાચું ...

તુજ દર્શનની હું અભિલાષી, કાં ન મળે અવિનાશી ?
હૃદય ચક્ષુથી તને નીરખવા, મન ગંગા તલસાતી,
હું તો તુજ શરણું ઈશ ! યાચું,

હરિ ! તુજ પંથે પળતાં મુજને, કોઈ ન રોકી શકે છે,
જીવન પંથ મારો છે ન્યારો, મારી લાજ તને છે,
હું તો તુજ શરણું ઈશ ! યાચું,
( સ્વ. પ.પૂ. માતુશ્રી પ્રેમીલાબહેન રચિત )
-------------------------------------------------
 (4)



ગીતાજી વિષે વિચારશું ? ”
- અજ્ઞાત
-------------------------------------------------
(5)
***  અર્પણ  ***
પરમ કૃપાળુ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન
તથા
સ્વ.પ.પૂ.પિતાશ્રી સૂર્યશંકરભાઈ      -      સ્વ.પ.પૂ. માતુશ્રી પ્રેમીલાબહેન
   સ્વ.પ.પૂ. બહેનશ્રી ચંદ્રિકાબહેન       -       સ્વ.પ.પૂ. બહેનશ્રી મંદાકિનીબહેન
સ્વ.પ.પૂ. પિતાશ્રી નટવરલાલભાઈ   -      સ્વ.પ.પૂ. માતુશ્રી ચંદ્રિકાબહેન 

યશ કે ધનની કોઈ અપેક્ષા વિના જ, આ નાનકડું પુસ્તક,
આપ સૌના પવિત્ર ચરણે અર્પણ કરતાં અમે સૌ,
ખૂબ આનંદનો અનુભવ કરીએ છીએ.
જીવનમાં ક્યારેય પણ,
અજાણતાં અમે કરેલી ભૂલો બદલ અમને ક્ષમા કરજો.
આપની અખંડ કૃપા અને આપના આશીર્વાદ અમે કાયમ અનુભવીએ છીએ.
- આપનો સદૈવ ઋણી અજ્ઞાત પરિવાર
શ્રીકૃષ્ણ: શરણં મમ - શ્રીકૃષ્ણ: શરણં મમ - શ્રીકૃષ્ણ: શરણં મમ 
-------------------------------------------------
(6)
***   ઋણ સ્વીકાર   ***
 અ.સૌ. વીણા,
ચિ. ચૈતન્ય, ચિ.અ.સૌ. પ્રીતિ, ચિ. નુપૂર, ચિ. ભૈરવી,
ચિ.અ.સૌ. જાહ્નવી, ચિ. વિશ્વેશભાઈ, ચિ. રાધા, ચિ. ઓમ,
ચિ. હિમાંશુ, ચિ.અ.સૌ. ચૌલા, ચિ. જ્યોત ...

પરમાત્માએ મને ખૂબ સુંદર તેમ જ સુગંધી પુષ્પો  આપ્યાં છે.
પરમ કૃપાળુ પરમાત્માની અખંડ કૃપાથીતમે સૌ
સદાય હસતાં ખીલતાં રહો, એવી પરમાત્માને
પ્રાર્થના કરું છું. તમારે સૌ માટે હું, અત્યંત
ગૌરવ અને અવર્ણનીય આનંદ,
કાયમ અનુભવું છું. તમારા
સૌના અનન્ય સ્નેહથી
જ હું ઉજળો છું.

 સ્નેહનું ઋણ શબ્દોથી ન ચૂકવી શકાય,
એટલે એવી વ્યર્થ કોશિષ કરવી ઉચિત નથી.
તમારા સૌના સહયોગથી જ લખાયેલું, આ નાનકડું
પુસ્તક, નાનકડી ભેટ રુપે તમે સૌ પ્રેમથી સ્વીકાર કરજો.
-------------------------------------------------
 (7)
તેજપુંજનાં દર્શનની ઝંખના
( જન્માષ્ટમી )

ઘનઘોર મેઘલી રાત હતી એ, આઠમની અધરાત હતી એ,
સકલ વિશ્વનું તિમિર હરવા, ' પ્રભુ પધાર્યા ' રાત હતી એ,
 મારે તો મધરાત હજી છે, આઠમ નહીં પણ અમાસની છે,
કૃષ્ણ વિનાની કાજળકાળી, મારા દિલમાં રાત હજી છે,
સૂર્ય ઉગતાં, રાત જશે ને, દિવસ થશે એ વાત નક્કી છે,
તેજપુંજ ! તમે વ્હેલા આવો, કૃષ્ણ વિના આ આંખ સૂની છે ...
-------------------------------------------------
(8)
 તેજસ્વી શીતળ સૂર્ય- પ.પૂ પિતાશ્રી સૂર્યશંકરભાઈ
 સદા સૌને ચ્હાવું, ભૂલી જઈ સૌ દોષ પરના,
પડે જો સહેવું તો સહન કરવું, હા, જલી જવું,
હશે કેવાં શીળાં, મધુર કિરણો, તાત ! ઉજળાં !
ન જોયાં, કાં દૈવે તિમિર ભરીયું બાલ્ય વયમાં ? ....
................
ઉજ્વળ પ્રેમજ્યોત પ.પૂ.માતુશ્રી પ્રેમીલાબહેન

સહ્યાં કેવાં કષ્ટો, જનની ! અમ કાજે જગતમાં,


જલીને તેં પોતે, અમ જીવનમાં તેજ ભરીયાં,

શીળી કેવી છાયા !, અખિલ જગનું હેત સઘળું,

નિહાળ્યું છે માતા ! તમ હૃદયમાંથી જ વહેતું ....
..............
પાવનકારી ગંગામૈયા પ.પૂ. બહેનશ્રી મંદાકિનીબહેન

આંખો તારી અમી નિતરતી, હૈયું સ્નેહે દ્રવેલું,

ભાઈ કાજે તન મન, સહુ છેક વિસારી દીધું,


કિંતુ બહેની ! મુજ સમ અરે, ક્રૂર કોઈ ન દીઠો,

જેણે તારા કુમળી કળી શા, દેહને દાહ દીધો ....
................

૧. પરમ તત્ત્વ

શ્રીકૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને ગીતાજીનો ઉપદેશ આપેલો એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા વિષે આપણે કંઈ વિચારીએ તે પહેલાં ગીતાગાયક શ્રીકૃષ્ણ ભગવાનનું મધુર જીવન દર્શન કરવું ખૂબ જરૂરી છે. શ્રીકૃષ્ણ વિના ગીતાજીની વાત કરવી નિરર્થક છે. મહાભારતની અદભૂત કથાને જ અમુક લોકો કાલ્પનિક માને છે. તેથી મહાભારતની કથાના એક પાત્ર એવા શ્રીકૃષ્ણ ભગવાનના અસ્તિત્વ વિષે જ શંકાશીલ છે.
આપણા વિદ્વાન લેખક શ્રી દિનકરભાઈ જોષીએ તેમના પુસ્તક ‘‘શ્રીકૃષ્ણં વંદે જગદગુરુમ્’’માં આવી શંકા નિર્મૂળ કરવા સરસ વાત લખી છે. સામાન્ય માનવીને થોડાં વર્ષોથી થોડા લોકો ઓળખતા હોય છે અને તેના પ્રત્યે પૂજ્યભાવ બહુ જ ઓછા લોકોને હોય છે. જ્યારે શ્રીકૃષ્ણને હજારો વર્ષોથી, કરોડો લોકો ઓળખે છે અને કરોડો લોકો ખૂબ પ્રેમ અને શ્રદ્ધાથી તેમની પૂજા કરે છે. એ જ બતાવે છે કે સામાન્ય માનવીનું અસ્તિત્વ ટૂંકજીવી છે અને શ્રીકૃષ્ણ ભગવાનનું અસ્તિત્વ જ સાચું છે.
ફૂલોની સુગંધ અદ્રશ્ય છે, શીતળ પવનની લહેર અદ્રશ્ય છે, તેજસ્વી વસ્તુઓનું તેજ અદ્રશ્ય છે, પરમ આનંદ અદ્રશ્ય છે, તેમ છતાં આ તમામના અસ્તિત્વનો ઇન્કાર થઈ શકે તેમ નથી. એ જોઈ ન શકાય, પણ અનુભવી શકાય. પરમાત્મા અદ્રશ્ય છે, પણ એનું અસ્તિત્વ શંકાથી પર છે.
ગુલાબમાં રહેલી સુગંધની જેમ શ્રીકૃષ્ણ પણ અદ્રશ્ય હોવા છતાં તેમને શોધનારા લોકો છે. શીતળ પવનની મીઠી લહેર જેવો એમનો અદભુત સ્પર્શ પામવા અનેક લોકો આતુર છે. ગાઢ અંધકારમાં પણ એ પરમ જ્યોતિર્મય તેજપુંજની એકાદ ઝલક નિહાળવા તલસનારા છે. શ્રીકૃષ્ણના સ્મરણ દ્વારા પરમ આનંદની મધુરતા માણવા અનેક લોકો ઝંખે છે. એનાં સાક્ષાત્ દર્શન શક્ય ન હોય તો છેવટે સ્વપ્નમાં એની ઝાંખી થાય એવું ઇચ્છનારા છે અને ધ્યાન દ્વારા સમાધિ અવસ્થામાં શ્રીકૃષ્ણનાં દર્શન પામવાની કોશિશ કરનારા છે. આમ અનેક લોકો શ્રીકૃષ્ણને પરમ તત્ત્વ માને છે એમ કહી શકાય.
શ્રીકૃષ્ણ ભગવાનના અદભુત પરમ તત્ત્વને પિછાણનારા કોઈ વિદ્વાન ભક્ત કવિએ બહુ સુંદર શ્લોક દ્વારા સ્તુતિ કરી છે કેઃ
‘‘બંસી વિભૂષિત કરાત્, નવનીરદ આભાત્,
પૂર્ણેન્દુ સુંદર મુખાત્, અરવિંદ નેત્રાત્,
પીતામ્બરાત્, અરુણબિંબફલ અધરોષ્ઠાત્,
કૃષ્ણાત્, પરમ કિમ અપિ તત્ત્વમ્, અહમ્ ન જાને.’’
‘‘જેમના હાથમાં બંસી શોભી રહી છે તેવા, સુંદર વાદળો જેવી ઘનશ્યામ કાંતિવાળા, પૂર્ણ ચન્દ્ર સમાન સુંદર મુખવાળા, કમળની પાંખડી જેવાં નેત્રોવાળા, પીતાંબર ધારણ કરનારા, ઊગતા સૂર્યના લાલ રંગ જેવા સુંદર ઓષ્ઠદ્વયવાળા શ્રીકૃષ્ણ ભગવાન સિવાય કોઈ પરમ તત્ત્વ છે કે કેમ તે હું જાણતો નથી’’.
પરમ તત્ત્વ કોને કહેવાય ? શ્રી ચૈતન્ય મહાપ્રભુની પ્રેમભક્તિને અનુસરનાર ‘‘ઇસ્કોન સંપ્રદાય’’ના વિદ્વાન ધર્મપ્રવર્તક શ્રી ભક્તિવેદાંત સ્વામીએ તેમના ‘‘કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર’’ પુસ્તકમાં બહુ સરસ રીતે આ વાત સમજાવી છે. લક્ષ્મી, શક્તિ, કીર્તિ, સૌંદર્ય, શાણપણ અને ત્યાગ આ છએ ઐશ્વર્યોનો જેમાં સુભગ સમન્વય હોય એ ‘‘પરમ તત્ત્વ’’.
સામાન્ય માનવીમાં ઉપરોક્ત છ ઐશ્વર્યોમાંથી કદાચ એકાદ કે બે ઐશ્વર્યો જોવા મળે. કોઈ શ્રીમંત હોય અને શક્તિશાળી પણ હોય પરંતુ ઉદાર ન હોય. કોઈ વિદ્વાન હોય પણ નિરભિમાની ન હોય. કોઈ શૂરવીર હોય, ઉદાર હોય, પણ વિદ્વાન ન હોય. કોઈ સત્તાધીશ હોય પણ ત્યાગી ન હોય, પરંતુ શ્રીકૃષ્ણ જીવન દર્શન આ છએ ઐશ્વર્યોના સુભગ સમન્વયને પ્રગટ કરે છે. સામાન્ય જીવનમાં આવો સમન્વય ક્યાંય જોવા મળતો નથી એ વાસ્તવિકતા આપણે સૌએ સ્વીકારવી જ રહી.
(૧) દ્વારિકાધીશ હોવા છતાં સત્તાના અહંકારથી પર અને અત્યંત સંપત્તિવાન હોવા છતાં ધનથી નિર્લેપ રહીને, નિર્ધન સુદામાનો અદભુત સત્કાર કરનાર શ્રીકૃષ્ણ.
(૨) પરમ શક્તિશાળી હોવા છતાં અને કંસ, શિશુપાલ, જેવા દુષ્ટોના સંહારક હોવા છતાં, પોતાને અજાણતાં બાણ મારનાર જરા પારધીને ‘‘તું નિષ્પાપ છે, તારું કલ્યાણ થાઓ’’ કહેનાર ક્ષમાશીલ શ્રીકૃષ્ણ.
(૩) પરમ તેજસ્વી અને જ્ઞાનવાન હોવા છતાં પોતાને જ અનુસરવાનો દુરાગ્રહ ન રાખી, અર્જુનને ગીતાના અદભુત ઉપદેશ પછી, પોતે વિચાર કરીને યોગ્ય લાગે તે નિર્ણય કરવા કહેનાર નિરાભિમાની શ્રીકૃષ્ણ.
(૪) પરમ સૌંદર્યવાન હોવા છતાં સંપૂર્ણ નિષ્કલંક ચારિત્ર્ય ધરાવનાર શ્રીકૃષ્ણ.
(૫) મહાભારત યુદ્ધમાં થનાર સંભવિત વિનાશ અટકાવવાના છેલ્લા પ્રયાસરૂપે, પોતે દ્વારિકાધીશ હોવા છતાં શાંતિદૂત તરીકે જવાનું અપ્રતિમ શાણપણ દાખવનાર શ્રીકૃષ્ણ.
(૬) કંસનો વધ કર્યા બાદ મથુરાનું રાજ્ય મળે તેમ હતું, પરંતુ તેનો ત્યાગ કરીને ઉગ્રસેનને સોંપનાર તથા ભૌમાસુરનો વધ કરી તેનું રાજ્ય, તેના પુત્ર ભગદત્તને સોંપનાર પરમ ત્યાગી શ્રીકૃષ્ણ.
ઉપરોક્ત છ બાબતો શ્રીકૃષ્ણ ભગવાન પરમાત્મા છે તે સાબિત કરવા પૂરતી છે જ, તેમ છતાં નીચેની બાબતો ‘‘શ્રીકૃષ્ણ ભગવાન પરમાત્મા છે જ’’ એ નિઃશંક રીતે સિદ્ધ કરે છેઃ
(૧) માટી નથી ખાધી, એમ કહેવા છતાં માતા યશોદાજીએ પરાણે મોઢું ખોલાવતાં, મુખમાં વિશ્વદર્શન કરાવતા શ્રીકૃષ્ણ.
(૨) કૌરવોની રાજ્યસભામાં પોતે હાજર ન હોવા છતાં અદ્રશ્ય રીતે દ્રૌપદીની શીલરક્ષા કરીને ‘‘શ્રીકૃષ્ણ સર્વવ્યાપક છે’’ એવું પુરવાર કર્યું.
(૩) ભયાનક યુદ્ધ અટકાવવા શાંતિદૂત તરીકે જનાર શ્રીકૃષ્ણને કેદ પકડવાની દુર્યોધને યોજના બનાવેલી. પોતાને કેદ પકડવાનો પ્રયત્ન કરી જોવા એક પડકારરૂપે, કૌરવોની રાજ્યસભામાં વિરાટ રૂપ દર્શન કરાવતા શ્રીકૃષ્ણ.
(૪) મહાભારત યુદ્ધની શરૂઆત વેળાએ અર્જુનને મહાકાળના સ્વરૂપનો ખ્યાલ આપવા વિશ્વરૂપ દર્શન કરાવતા શ્રીકૃષ્ણ.
(૫) શ્રીમદ્ ભગવદ્ ગીતા દ્વારા શ્રીકૃષ્ણ ભગવાને જાતે વર્ણવેલું પરમેશ્વર વિષેનું તત્ત્વજ્ઞાન અને ‘‘હું સર્વમાં વ્યાપેલો છું અને સઘળું મારામાં સમાયેલું છે’’ એવું અદભુત કથન.
(૬) ‘‘જીવનમાં મેં સદાય સત્યનું આચરણ કર્યું હોય તો આ બાળક સજીવન થાઓ’’ કહેનાર શ્રીકૃષ્ણે ઉત્તરાના મૃત બાળકને સજીવન કરી તેઓ પરમ સત્યવાદી છે એવું પુરવાર કર્યું.
શ્રીકૃષ્ણ ભક્તિને મધુર રસની ઉપમા આપી ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાએ ગાયું છે કેઃ
‘‘એ રસનો સ્વાદ શંકર જાણે, જાણે શુકદેવ જોગી રે,
કંઈ એક જાણે વ્રજની ગોપી, ભણે નરસૈંયો ભોગી રે.’’
એ અત્યંત સુમધુર, વિરલ અને પરમ તત્ત્વ શ્રીકૃષ્ણ ભગવાનને કોટિ કોટિ વંદન કરીને ધન્યતા અનુભવીએ. પરમ તત્ત્વ વિષે કાંઈક વિચારીને પછી ગીતાજી વિષે વિચારીએ.

૨. પરમ તત્ત્વ - એક કે અનેક

શ્રીકૃષ્ણ ભગવાન પરમ તત્ત્વ છે, પરમાત્મા છે એ લેખ નં. (૧)માં આપણે જોયું. કરોડો માનવી દેવાધિદેવ મહાદેવજીની ઉપાસના કરે છે, કરોડો માનવી ભગવાન શ્રીરામને પરમ આદર્શ તત્ત્વ તરીકે પૂજે છે, કરોડો માનવી ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરે છે અને કરોડો માનવી શક્તિનાં વિવિધ સ્વરૂપોની સાધના કરે છે. તો શું પરમ તત્ત્વો અનેક છે?
હિન્દુ ધર્મગ્રંથોમાં, પરમાત્મા એક જ છે એવું ભારપૂર્વક કહેવાયું છે, છતાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય એવી ત્રણ પરિસ્થિતિને અનુલક્ષીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવાં ત્રણ સ્વરૂપની કલ્પના કરી છે, તેમાં પણ વિષ્ણુ ભગવાનના દશ અવતારની જુદી જુદી કથાઓ છે, જેમાં શ્રીરામ અને શ્રીકૃષ્ણ મુખ્ય અવતાર છે. આમ પરમાત્મા એક જ હોવા છતાં અનેક સ્વરૂપે ભાસે છે. આ વાતને ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાએ બહુ જ સરળ ભાષામાં સમજાવી છેઃ
‘‘વેદ તો એમ વદે, શ્રુતિ, સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિષે ભેદ ન હોયે,
ઘાટ ઘડ્યા પછી, નામરૂપ જુજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’’
પરમાત્માનાં સ્વરૂપ અનેક છે, પરમ તત્ત્વ તો એક જ છે.
દેવોના દેવ, દેવાધિદેવ મહાદેવ પરમ કલ્યાણકારી શિવ રૂપે અનેક મંદિરોમાં પૂજાય છે. એ સંહારકર્તા પણ છે અને પરમ મંગલકારક પણ છે. વ્યાઘ્રચર્મ, ચિતાભસ્મ, રુંડમાળા અને સર્પને ધારણ કરનારા, એ રૌદ્ર સ્વરૂપની જટામાં, પાવનકારી ગંગામૈયા સમાયેલાં છે અને શીતળ ચંદ્રરેખા પણ છે. જેમના ત્રીજા નેત્રમાં, સમગ્ર વિશ્વને ભસ્મીભૂત કરવાની શક્તિ ધરાવનાર અગ્નિજ્વાળા છે, એ જ મહાદેવજીનાં બીજાં બે નેત્રો સ્નેહધારા વર્ષાવતાં અમૃતકુંભ સમાન છે. એક જ સ્વરૂપમાં સંહારક અને ચૈતન્યકારક બે વિરોધાભાસી શક્તિઓનો અદભુત સમન્વય ધરાવતું પરમ તત્ત્વ એટલે ભગવાન શિવ.
‘‘શિવ મહિમ્ન સ્તોત્ર’’માં એક શ્લોકમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે કેઃ
‘‘ત્રયી સાંખ્યં યોગઃ પશુપતિમતં વૈષ્ણવમિતિ,
પ્રભિન્ને પ્રસ્થાને પરમિદંમદઃ પથ્યમિતિ ચ,
રુચિનામ્ વૈચિત્ર્યાદ્, રુજુકુટિલ નાના પથજુષામ્,
નૃણામ્ એકો ગમ્યસ્ત્વમસિ પયસામ્ અર્ણવ ઇવ.’’
જ્ઞાન માર્ગ, પાશુપત (શૈવ) સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય વગેરે અનેક વિભિન્ન સંપ્રદાયો તો ફક્ત જુદી જુદી રુચિને કારણે જ વિભિન્ન છે. અનેક નદીઓનો પ્રવાહ જુદા જુદા માર્ગે વહેતો હોય છે, પરંતુ અંતે તો એક જ સમુદ્રને મળે છે, એમ આપણે ગમે તે સંપ્રદાયમાં માનતા હોઈએ તો પણ અંતિમ ધ્યેય તો પરમાત્માને પામવાનું જ હોવું જોઈએ.
ભગવાન શ્રીરામનું જીવનદર્શન પરમ આદર્શથી ભરેલું છે. સંજોગોનો અજાણતાં શિકાર બની, પતિતા મનાતાં, અહલ્યા શીલારૂપ થઈ ગયાં હતાં. ભગવાન શ્રીરામે તેમનો ઉદ્ધાર કર્યો તેવી રામાયણમાં કથા છે. વિરલ વ્યક્તિત્વ ધરાવનાર પરમ તત્ત્વ જ આ કરી શકે. ભગવાન શ્રીરામે પોતાના અંગત જીવનમાં, પોતે જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ હોવા છતાં રાજગાદીને બદલે વનવાસ મળ્યો તો પણ વિના વિરોધે, પરિસ્થિતિને પ્રેમથી સ્વીકારી લીધી. વનવાસ દરમિયાન પણ સામાન્ય નાવિક ગુહરાજા સાથે તેમનો પ્રેમભર્યો વર્તાવ અને અત્યંત ગરીબ વૃદ્ધ ભીલ નારી શબરીના પ્રેમભર્યા આતિથ્યનો સ્વીકાર કરનાર પરમ તત્ત્વ જ હોઈ શકે. અનેક અસુરોને સંહારનાર પરમ શૌર્યવાન હોવા છતાં નબળા લોકો માટે એ કરુણામય છે. સંહારક અને મંગલકારી બે વિરોધાભાસી શક્તિઓનો અદભુત સમન્વય ધરાવતા શ્રી રામ, મહાદેવજીથી જુદા નથી. ફક્ત સ્વરૂપ જુદાં છે.
મારા અભ્યાસકાળ દરમિયાન ગુજરાતીના શિક્ષકશ્રીએ સમાસ વિષે શીખવતાં બહુ સરસ વાત કરીઃ
ભગવાન શ્રીરામે લંકા જતાં પહેલાં દરિયાકિનારે મહાદેવજીના શિવલિંગની સ્થાપના કરી પૂજન કર્યું. આ શિવલિંગનું નામ શું રાખવું ? એની રસપ્રદ ચર્ચા થઈ.
(૧) ભગવાન શ્રીરામે કહ્યું : - ‘‘રામના ઈશ્વર, તે રામેશ્વર.’’ (ષષ્ઠી તત્પુરુષ સમાસ)
(૨) મૂર્તિમાંથી અવાજ આવ્યોઃ - ‘‘રામ જેના ઈશ્વર છે, તે રામેશ્વર’’ (બહુવ્રીહિ સમાસ )
(૩) ત્યાં ઉપસ્થિત ઋષિઓએ કહ્યું- ‘‘રામ અને ઈશ્વર, તે રામેશ્વર’’ (દ્વંદ્વ સમાસ )
આ વાત નાનકડી છે, પણ એનું મહ્ત્વ ઘણું છે. ઘણી વાર વિભિન્ન સંપ્રદાયોના અનુયાયીઓ પોતે જે સ્વરૂપનું પૂજનઅર્ચન કરે છે તે જ શ્રેષ્ઠ છે બીજું કોઈ સ્વરૂપ નહીં, એમ માનતા હોય છે. પરંતુ પરમાત્માના બે વિભિન્ન સ્વરૂપમાં કેટલી બધી વિનમ્રતા છે, એ વિચારવા જેવું છે. મતમતાંતરનું મહત્વ નથી, કોઈ પણ સ્વરૂપે પરમાત્માને પામવા એ મહત્વનું છે.
શ્રી તુલસીકૃત રામાયણના બાલકાંડમાં મહાદેવજી શ્રીરામનાં દર્શન કરી પ્રસન્ન થયા, તેથી માતા સતી ભવાનીને આશ્ચર્ય થયું તેનું સુંદર વર્ણન છેઃ
‘‘સતી સો દશા શંભુકી દેખી, ઉર ઉપજા સંદેહુ બિશેષી,
શંકર જગતવંદ્ય જગદીશા, સુર, નર, મુનિ સબ નાવત શિષા,
તિન્હ નૃપસુતહિ કીન્હ પ્રણામા, કહી સચ્ચિદાનંદ પરધામા,
ભએ મગન છબિ તાસુ વિલોકી, અજહું પ્રીત ઉર રહતી ન રોકી.’’
તેવી જ રીતે લંકાકાંડમાં શ્રીરામે શિવલિંગની સ્થાપના કરી પૂજન કર્યું તેનું સુંદર વર્ણન છે. ભગવાન શ્રીરામે કહ્યું છે કેઃ
‘‘જેને શંકર પ્રિય હોય અને મારો દ્રોહ કરે અથવા તો જે શંકરનો દ્રોહી હોય અને મારો ભક્ત થવા ઇચ્છે તે બંને અયોગ્ય છે.’’ વળી બહુ સરસ વાત કરી કેઃ
‘‘હોઈ અકામ, જો છલ તજી સેઇહી, ભગતિ મોરી તેહી શંકર દેઇહી,
મમકૃત સેતુ જો દર્શન કરિહી, સો બિનુ શ્રમ ભવસાગર તરિહી.’’
જે નિષ્કામ થઈને, છળ તજીને, શ્રી રામેશ્વર ભગવાનને સેવશે, તેને શંકર મારી ભક્તિ આપશે. નિષ્કામ ભક્તિનો મહિમા રામાયણમાં વર્ણવ્યો છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ નિષ્કામ ભક્તિનો મહિમા સવિશેષ વર્ણવ્યો છે એ નોંધવા જેવું છે.
ઉમામહેશ, સીતારામ અને રાધાકૃષ્ણ એ પ્રકૃતિ અને પુરુષનું ઐક્ય સૂચવે છે. પરમ તત્ત્વની શક્તિ, પરમ તત્ત્વથી જુદી હોઈ જ ન શકે. શક્તિ સ્વરૂપે મા અંબાજી, ગાયત્રીજી, લક્ષ્મીજી વગેરે અનેક સ્વરૂપોની સાધના અનેક લોકો કરે છે તેમાં કશું અયોગ્ય નથી. શક્તિમાન અને શક્તિ અલગ નથી, એટલું જો સમજાઈ જાય તો મનમાં કોઈ પણ ભેદભાવ ન રહે. આપણને ગમતા કોઈ પણ સ્વરૂપનું પૂજન, અર્ચન, સ્મરણ અખૂટ શ્રદ્ધાથી ભરેલું હોવું જોઈએ, અંધશ્રદ્ધાથી ભરેલું નહિ એ મહત્વનું છે. પરમાત્મા પ્રત્યેના અનન્ય પ્રેમથી નિષ્કામ ભાવે ભજીએ તે શ્રદ્ધા અને બીજાના કહેવાથી કે કાંઈક મેળવવાની લાલચથી પ્રભુને ભજીએ તે અંધશ્રદ્ધા.
ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ૧૦ વિભૂતિયોગમાં કહ્યું છે કેઃ
રુદ્રાણામ્ શંકરશ્ચાસ્મિ - રુદ્રોમાં હું શંકર છું (ગીતા ૧૦ - ૨૩ )
રામઃ શસ્ત્રભૃતામ્યહમ્ - શસ્ત્રધારીઓમાં હું રામ છું. (ગીતા ૧૦ - ૩૧ )
આમ શ્રીકૃષ્ણ ભગવાન, શ્રીમહાદેવજી અને શ્રીરામ ભગવાન એક જ છે. આપણને જે સ્વરૂપ ગમે તેની ઉપાસના કરીએ. જુદાં જુદાં સ્વરૂપના વાદવિવાદમાં ઊતર્યા વિના કે કોઈ પણ સ્વરૂપની ટીકા કર્યા વિના સંપૂર્ણ નિષ્કામ ભાવે પરમાત્માનું પૂજનઅર્ચન કરીએ. આપણને કાંઈક ન સમજાય તો કોઈ સંતને પૂછીએ, કદાચ એ શક્ય ન હોય તો એવી પળોજણમાં પડ્યા વિના આપણને ગમતા ભગવાનનું સ્મરણ કરીએ તો જીવનમાં જરૂર શાંતિ મળશે.

૩. પરમ તત્ત્વની વિશેષતા

શ્રીકૃષ્ણ ભગવાન અને અન્ય માનવીમાં શો ફેર ? એ સમજવા મહાભારતના અન્ય પાત્રો વિષે વિચારીએ. ‘‘શ્રીકૃષ્ણ ભગવાન’’ના વિરલ પાત્ર સિવાય બાકીનાં તમામ પાત્રોમાં કાંઈક ને કાંઈક ખૂટે છે એ આપોઆપ સ્પષ્ટ થઈ જશે અને પરમ તત્ત્વની મહત્તા સમજાઈ જશે.
મહાભારતમાં શ્રીકૃષ્ણ ભગવાન પછીનું કોઈ અત્યંત આદરણીય પાત્ર હોય તો એ છે ભીષ્મ પિતામહ. પવિત્ર ગંગામૈયાના એ પનોતા પુત્ર, પિતાના સુખ ખાતર આજીવન બ્રહ્મચર્ય પાળવાની ભીષ્મ પ્રતિજ્ઞા લેવાને કારણે જ ‘‘ભીષ્મ’’ કહેવાયા. હસ્તિનાપુરના રાજ્ય સિંહાસનને આજીવન વફાદાર રહેવાની પ્રતિજ્ઞા પણ તેમણે લીધી હતી, પરંતુ શાસકના અવિચારી કૃત્ય વખતે પણ મૌન રહેવું ઉચિત ન ગણાય તેમ છતાં હસ્તિનાપુરની રાજ્યસભામાં જ દુર્યોધનની સૂચના અનુસાર દુઃશાસન દ્વારા દ્રૌપદીના વસ્ત્રહરણની અત્યંત હીન અને અયોગ્ય ઘટનાને તેઓ રોકી ન શક્યા. દ્રૌપદીનું રક્ષણ કરવાને બદલે તેઓ ફક્ત પોતાની પ્રતિજ્ઞાને જ વળગી રહ્યા. મહાભારતના યુદ્ધ સમયે શ્રીકૃષ્ણ ભગવાને પણ શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા લીધેલી તેમ છતાં પાંડવોનું રક્ષણ કરવા, પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરીને પણ, તેઓ રથનું પૈડું હાથમાં ઉપાડીને ભીષ્મ પિતામહને મારવા ધસી ગયા હતા. ‘‘રથચરણપાણિ’’ની આ કથા મહાભારતના એક સુંદર પ્રસંગ રૂપે આલેખાયેલી છે.
અનેક યુદ્ધોમાં મહારથીઓને ધૂળ ચાટતા કરનાર મહાનુભાવ, દ્રઢ નિશ્ચયી, અત્યંત શૂરવીર અને પ્રતિભાશાળી હોવા છતાં, એક નિઃસહાય નારીની લાજ બચાવવા શસ્ત્ર ન ઉઠાવી શક્યા. કોઈ અજાણી સ્ત્રીની લાજ પણ બચાવવી જોઈએ, જ્યારે દ્રૌપદી તો તેમની પૌત્રવધૂ હોવાથી તેમની દીકરી સમાન હતી. તેમ છતાં પોતે પરમ વિદ્વાન તથા અધર્મ અને અન્યાયને રોકવા સમર્થ હોવા છતાં નિષ્ક્રિય રહ્યા. કોઈ પણ ભોગે નારીની શીલરક્ષા કરવી જ જોઈએ એવું ઉત્તમ જ્ઞાન હોવા છતાં તેમની નજર સમક્ષ બનતા હીન બનાવને રોકવા તેઓ કંઈ કરી ન શક્યા. ફક્ત માથું ઢાળીને બેસી રહ્યા. જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન રાજ્યસભામાં હાજર ન હતા તો પણ અદ્રશ્ય રહીને દ્રૌપદીનાં ચીર પૂરીને તેમણે તેના શીલની રક્ષા કરી. શ્રીકૃષ્ણ ભગવાન સર્વવ્યાપી અને સર્વ શક્તિમાન છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે.
આચાર્ય દ્રોણ પણ શૂરવીર, વિદ્વાન અને પ્રતિભાશાળી હતા. ભૂતકાળમાં દ્રુપદ રાજાએ, એક શ્રીમંત રાજવી અને ગરીબ બ્રાહ્મણ વચ્ચે મિત્રતા ન હોઈ શકે એમ કહી તેમનું અપમાન કરેલું. પરિણામે અંગત દ્વેષથી પીડાતા આચાર્ય દ્રોણે કૌરવોનો રાજ્યાશ્રય સ્વીકાર્યો. અર્જુનને શસ્ત્રવિદ્યા શીખવી, તેના દ્વારા દ્રુપદરાજાને હરાવી, બંદીવાન બનાવ્યા ત્યારે તેમનો અહંકાર સંતોષાયો. પોતાનો પ્રિય શિષ્ય અર્જુન ધનુર્વિદ્યામાં શ્રેષ્ઠ રહે તેટલા માટે એકલવ્યને પોતે કોઈ જ વિદ્યા શીખવી ન હતી છતાં કહેવાતા ગુરુ તરીકે ગુરુદક્ષિણાને નામે એકલવ્યનો અંગૂઠો માગતાં તેઓ અચકાયા ન હતા. દ્રૌપદીના ચીરહરણના હીન બનાવ વખતે તેઓ રાજ્યસભામાં હાજર હતા.
દ્રૌપદી તેમના દુશ્મનની દીકરી હતી તો પણ એની શીલરક્ષા કરવાની તેમની નૈતિક ફરજ હતી. દુર્યોધન અને દુઃશાસનના ગુરુ તરીકે તેઓ આ હીન બનાવને રોકી શક્યા હોત. સમજાવટથી ન માને તો પોતે શસ્ત્રવિદ્યાના નિષ્ણાત હોવાથી શસ્ત્રો ઉઠાવી શક્યા હોત, પરંતુ તેમણે કંઈ કર્યું નહિ, ફક્ત મૂક પ્રેક્ષક બની રહ્યા. તેમને તો કોઈ પ્રતિજ્ઞાનું પણ બંધન ન હતું. આમ તેઓ કોઈ મહાનુભાવ નહિ, પણ લાચાર માનવી હતા. દ્રોણ અને દ્રુપદની મિત્રતા, સુદામા અને શ્રીકૃષ્ણ ભગવાનની મિત્રતા સાથે સરખાવવા જેવી છે. શ્રીકૃષ્ણ ભગવાનની મહત્તા આપોઆપ સમજાઈ જશે.
યુધિષ્ઠિર તો ધર્મરાજા કહેવાતા, પણ જુગારમાં પોતાની પત્નીને હોડમાં મૂકવાનું અવિચારી અને અઘટિત પગલું તેમણે ભર્યું. દ્રૌપદીની માનહાનિ માટેની સંપૂર્ણ જવાબદારી તેમની જ હતી. જુગારમાં ધન, રાજ્ય અને પોતાના ભાઈઓને હોડમાં મૂકી બધું હારી ગયા પછી પણ દ્રૌપદીને હોડમાં મૂકવાની શકુનિની અત્યંત હીન કક્ષાની માગણી તેમણે કેમ સ્વીકારી તે સમજાય તેમ નથી. એ જમાનામાં જુગાર સામાન્ય રમત ગણાતી હોય તો પણ પત્નીને હોડમાં મૂકવાની વાતને સામાન્ય ન ગણાય. કોઈ પણ સમજદાર વ્યક્તિ આવું પગલું ન ભરે. આવા બેજવાબદાર અને અવિચારી માનવીને ધર્મરાજા કહેવા એ ધર્મની મશ્કરી કરવા જેવું છે. વળી સત્યપ્રિય ગણાતા છતાં યુદ્ધમાં ગુરુ દ્રોણને શસ્ત્રો મુકાવવા ‘‘નરો વા કુંજરો વા’’ મનમાં કહીને અશ્વત્થામા મરાયો છે તેવી વાત કરી અર્ધસત્ય બોલ્યાનો સંતોષ માની અસત્ય બોલ્યા. આમ યુધિષ્ઠિર સામાન્ય માનવી જ હતા.
ભીમ, અર્જુન, સહદેવ અને નકુળ અત્યંત પરાક્રમી હતા છતાં મોટા ભાઈના અયોગ્ય આચરણને રોકી ન શક્યા. પત્નીને જુગારમાં હોડમાં ન મુકાય એવો વિરોધ કોઈએ ન કર્યો. મોટા ભાઈ સામે ન બોલાય એ માનમર્યાદા સારી છે, પણ આવા સમયે પણ ન બોલાય એ ફક્ત નબળાઈ સૂચવે છે. પરિણામે પાંચે પાંડવો અત્યંત શૂરવીર હોવા છતાં દાસત્વના હીન ખ્યાલથી પોતાની પત્નીનું રક્ષણ ન કરી શક્યા એ નિર્વિવાદ છે.
મહારથી કર્ણ મહાદાનેશ્વરી, અત્યંત તેજસ્વી અને સમર્થ યોદ્ધા હોવા છતાં ફક્ત દુર્યોધનની મિત્રતાને કારણે દ્રૌપદીનાં ચીરહરણ વખતે એ ઘૃણાજનક અને કરુણ પ્રસંગને અટકાવી ન શક્યા. પ્રતાપી હોવા છતાં મિત્રના અયોગ્ય કાર્યમાં સાથ આપનાર અને એક નારીની ભરસભામાં લાજ લૂંટાતી જોઈ રહેનારને મહાદાનેશ્વરી હોવા છતાં મહાન ન કહેવાય.
ધૃતરાષ્ટ્ર, શકુનિ અને દુર્યોધન તો રાજ્યલોભને કારણે કાવાદાવા કરવામાં તથા પાંડવોને મારી નાખવાના કે તેમનું રાજ્ય પડાવી લેવાના પ્રયત્નો કરવામાં મશગૂલ હતા જ, પરંતુ મોટા ભાઈની અયોગ્ય આજ્ઞા પણ પાળવી જ જોઈએ એ બિનજરૂરી હોવા છતાં દુઃશાસને દ્રૌપદીનાં ચીરહરણનો પ્રયત્ન કરી પોતાની અધમતાનું પ્રદર્શન કર્યું. સત્તાથી અંધ બનેલો માનવી કેટલી બધી હદ સુધી અધમ થઈ શકે એ વાત આ બધા ખલનાયકોએ આ કલંકકથા દ્વારા પુરવાર કરી.
શ્રીકૃષ્ણ સિવાય, મહાભારતની કથા પ્રતિભાશાળી માનવીઓનાં મૌન, શૂરવીરોની નિર્બળતા, ખલ રાજપુરુષોની કુટિલતા અને દુરાચારીની અધમતાની કથા છે. કાળને સમયનું કોઈ બંધન નથી એટલે આ કથા કોઈ ચોક્કસ સમયની નથી. યુગે યુગે મહાભારત સર્જાય છે, એટલે દરેક યુગમાં શ્રીકૃષ્ણની જરૂર છે જ.
‘‘હે અર્જુન ! જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મ ફેલાય છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. સજ્જનોનું રક્ષણ કરવા, દુષ્ટોનો સંહાર કરવા અને ધર્મની પુનઃ સ્થાપના કરવા યુગે યુગે હું જન્મું છું.’’ એમ કહેનાર શ્રીકૃષ્ણ ભગવાનના અવતરણનો શુભ દિવસ એ જન્માષ્ટમી. એ ભક્તિ, પ્રેમ અને ત્યાગનું પર્વ છે, શ્રીમદ્ ભગવદ્ ગીતાને સમજવા અને આચરણમાં મૂકવાનું પર્વ છે, જન્માષ્ટમીની ઉજવણી વિષે કાંઈક વિચારીએ.

૪. જન્માષ્ટમીની ઉજવણી - ૧

શ્રીકૃષ્ણ ભગવાન, આ નામ જ એવું મધુર છે કે હજારો વર્ષ વીતી જવા છતાં આજે પણ એની મધુરતા લોકમાનસ પર ગજબ છવાયેલી છે. ‘‘શ્રીકૃષ્ણમ્ વંદે જગદ્ ગુરુમ્’’ નામના પુસ્તકમાં આપણા વિદ્વાન લેખક શ્રી દિનકરભાઈ જોષીએ બહુ સરસ વાત લખી છેઃ- સેંકડો વર્ષોથી, સેંકડો લેખકોએ, સેંકડો પુસ્તકો શ્રીકૃષ્ણ જીવન દર્શન વિષે લખ્યાં છે અને હજીએ લખાતાં જ રહેશે.- કેમ કે એ નામની મધુરતા જ કંઇંક અનેરી છે. એટલે તો પુષ્ટિમાર્ગના પ્રણેતા મહાપ્રભુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ સુંદર પંક્તિઓ લખી છેઃ
‘‘અધરં મધુરં, વદનં મધુરં, નયનં મધુરં, હસિતં મધુરં,
હૃદયં મધુરં, ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરં.’’
શ્રીકૃષ્ણની મધુર છબી લોકોનાં હૃદયમાં એવી સરસ રીતે કોતરાઈ ગઈ છે કે લોકો પોતાનો પ્રેમ, પોતાનો આનંદ, પોતાની ભક્તિ વ્યક્ત કરવા દર વર્ષે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરે છે.
સામાન્ય રીતે શહેરના જુદા જુદા ચોકમાં, જુદા જુદા પ્રસંગોને અનુરૂપ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓ મૂકવામાં આવે છે. ક્યાંક ભવ્ય કટઆઉટ્સ મુકાય છે. શોભાયાત્રા ગોઠવાય છે, જે શહેરના જુદા જુદા માર્ગો પર ફરી શ્રીકૃષ્ણ ભક્તિનો સંદેશ ફેલાવે છે.
જન્માષ્ટમી નિમિત્તે આપણે અપવાસ કરી, (અપવાસ એટલે દૂર બેસવું અને ઉપવાસ એટલે- નજીક બેસવું --- એટલે કે આપણે પ્રભુથી દૂર રહી ) પ્રભુને પ્રસન્ન કરવા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ ફરાળ (ફલાહાર નહીં) રૂપે આરોગી, આપણા શરીરમાં રહેલા ભગવાનને ખુશ કર્યાનો આનંદ માણીએ છીએ. સાંજે મેળામાં આનંદ માણવા જવાનું, રાત્રે શહેરના જુદા જુદા ભાગમાં ભભકાદાર રોશની કરેલી હોય તે જોવા જઈએ અને છેલ્લે હવેલીમાં કે અન્ય મંદિરમાં રાત્રે ૧૨ વાગ્યે, હૈયેહૈયું દળાય એવી ભીડમાં પણ ધક્કામુક્કી વચ્ચે પરમાત્માનાં દર્શન કરી ધન્યતા અનુભવીએ અને પીડિતોના ઉદ્ધારક જન્મી ચૂક્યા છે એ આશ્વાસન સાથે ઘેર જઈ સૂઈ જઈએ. બસ, જન્માષ્ટમી ઊજવાઈ ગઈ.
આ થઈ આપણી ચીલાચાલુ ઉજવણી. એમાં ભક્તિ છે, આનંદ છે, ઉલ્લાસ છે, ઉમંગ છે, કળા છે, ઘણું બધું છે, છતાં કાંઈક ખૂટે છે. જેનો જીવનસંદેશ ફેલાવવા શોભાયાત્રા યોજી એનો સંદેશ આપણે સમજ્યા છીએ?
શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતા દ્વારા નિષ્કામ કર્મયોગનો સંદેશ જગતને આપ્યો. ગીતાના બીજા અધ્યાયના શ્લોક નં. ૪૭માં કહ્યું કે, ‘‘કર્મ પૂરતો જ તારો અધિકાર છે, તેમાંથી નીપજતા ફળની તારા અધિકારની વાત નથી, અમુક ફળ મને મળો એવી આસક્તિ ન રાખ.’’ તેમ જ ૧૭મા અધ્યાયના શ્લોક નં. ૨૦ દ્વારા સાત્વિક દાનની વ્યાખ્યા સમજાવતાં કહ્યું કે, ‘‘પોતા ઉપર ઉપકાર ન કરનારા તથા બદલો ન વાળી શકે એવાને, આશા વિના જે દાન અપાય તેને સાત્વિક દાન કહ્યું છે.’’
જન્માષ્ટમીના શુભદિને શ્રીકૃષ્ણ ભગવાન પ્રસન્ન થાય એવું, અંગત સ્વાર્થ વિનાનું, કોઈ નિષ્કામ કર્મ આપણે કર્યું ? દુનિયાના દરેક ગરીબ માનવીને મદદ કરવા આપણે અસમર્થ છીએ, પણ એકાદ ભૂખ્યા માનવીને થોડુંક અન્ન તો આપી શકીએ ને !. કોઈને નવાં વસ્ત્રો કદાચ ન આપી શકીએ, પણ એકાદ જૂનું વસ્ત્ર તો આપી શકીએ ને !. કદાચ એટલું પણ ન કરી શકીએ તો પણ ફૂટપાથ પર સૂતેલા માનવીને જોઈ, આવા હતભાગી લોકોનાં દુઃખ દૂર કરવા પરમાત્માને સાચા અંતરથી પ્રાર્થના તો કરી શકીએ ને !.
વળી છઠ્ઠા અધ્યાયના ૩૦મા શ્લોકમાં તો ગજબ વાત કહી દીધીઃ
‘‘યો મામ્ પશ્યતિ સર્વત્ર, સર્વં ચ મયિ પશ્યતિ,
તસ્યાહં ન પ્રણશ્યામિ, સ ચ મે ન પ્રણશ્યતિ.’’
‘‘જે મને સર્વત્ર જુએ છે અને સર્વમાં હું જ છું તેમ જુએ છે તે મનુષ્ય માટે હું અદ્રશ્ય રહેતો નથી અને તે મારાથી અદ્રશ્ય રહેતો નથી.’’ જો આ એક જ શ્લોક બરાબર સમજીએ તો પરમાત્મા બધામાં વ્યાપેલા છે એટલે હું કોઈનું દુઃખ દૂર ન કરી શકું તો કાંઈ નહિ, પણ મારાથી કોઈનું અહિત કરાય નહિ, કોઈને છેતરાય નહિ, કોઈને દુઃખ થાય એવું વર્તન કરાય નહિ, કોઈની પાસેથી લાંચ મગાય નહિ એટલું જરૂર સમજી શકીએ. હું મારું આચરણ વધુ ને વધુ સારું કરું, મારી ફરજ વધુ ને વધુ સારી રીતે બજાવું એવો શુભ સંકલ્પ જન્માષ્ટમીને દિવસે કરીએ તો જન્માષ્ટમીની ઉજવણી સાર્થક ગણાય.
જન્માષ્ટમીએ સુંદર સુગંધી પુષ્પો પ્રભુનાં ચરણકમળમાં ધરીને આનંદ અનુભવીએ, પરંતુ સાથોસાથ એ શુભદિને રક્તદાન દ્વારા આપણું થોડુંક લોહી, પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં કોઈક અજાણ્યા દરદીનું કલ્યાણ થાય એવી શુભ ભાવનાથી, પ્રભુચરણે ધરીએ તો પરમ આનંદનો અનુભવ કરી શકીએ. નિષ્કામ કર્મ રૂપે પ્રભુની સાચી પૂજા કરી ગણાય અને પરમ આનંદ રૂપે પ્રભુનાં દર્શન કરી શકાય.
રક્તદાન કરવા માટે શ્રીમંત હોવું જરૂરી નથી. સામાન્ય તંદુરસ્તી સારી હોય તેવાં કોઈ પણ સ્ત્રી કે પુરુષ કોઈ જાતના ડર વિના દર ત્રણ મહિને સ્વૈચ્છિક રક્તદાન કરી શકે. શરીરમાં લોહી બનવાની પ્રક્રિયા કુદરતી રીતે ચાલતી રહે છે તેથી હકીકતમાં આપણે કાંઈ જ ગુમાવતા નથી. ઉલ્ટું નવું લોહી બનવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વઘે છે. જરૂર છે ફક્ત બીજાને ઉપયોગી થવાની શુભ ભાવનાની. તમારા રક્તદાનથી કોઈ ઘરનો મોભી બચી જાય તો તમે ફક્ત એક માનવીને નથી બચાવતા, પરંતુ તેના કુટુંબને બચાવો છો. તેવી જ રીતે તમારા રક્તદાનથી કોઈ માતાને મોતના મુખમાંથી ઉગારી લ્યો તો માત્ર એક માતા નથી ઊગરી જતી પણ તેનાં વહાલસોયાં સંતાનોને તમે નમાયાં થતાં બચાવી લો છો. રક્તદાન દ્વારા કોઈ બાળકને બચાવી શકીએ તો તેનાં માબાપનું જીવન શૂન્ય થતું બચી જાય. આપણું થોડુંક લોહી કોઈ બુઝાતા દીપકને નવજીવન આપે એનો આનંદ પરમ આનંદ જ હોય ને ! એ જ સાચી પ્રભુની પૂજા છે.
મૃત્યુ પામનાર પ્રિય સ્વજન પ્રત્યે અપાર સ્નેહ હોય તો પણ કોઈ વ્યક્તિ પોતાના સ્વજનની આંખોને ડાબલીમાં સાચવી રાખતું નથી. જેને જોયા જ કરવાનું મન થાય એવી સુંદર અને લાગણી ભરી આંખોને મૃત્યુ બાદ અવારનવાર જોવા માટે કોઈ શો કેઇસમાં સાચવતું નથી. સ્નેહ અને સૌંદર્યના પ્રતીક સમી આંખો કાં તો અગ્નિમાં બળીને રાખ થાય છે અથવા માટીમાં મળી જાય છે. જન્માષ્ટમીના પવિત્ર દિવસે ચક્ષુદાનનો શુભ સંકલ્પ કરીએ તો આપણા મૃત્યુ બાદ કોઈક અંધ વ્યક્તિને આપણી આંખ મળે અને જીવનભર અંધકારમાં રહેવાને બદલે તેને અજવાળું મળી જાય.
રક્તદાનમાં સોય ખૂંચે એટલી વેદના બીજા માટે ખમવાની હોય છે, જ્યારે ચક્ષુદાનમાં તો મૃત્યુ પછી આંખ કાઢવાની હોય છે એટલે સાધારણ વેદના ભોગવવાનો પણ પ્રશ્ન નથી. વળી સંકલ્પ કર્યા પછી તરત મૃત્યુ થઈ જશે એવો ડર રાખવાની કોઈ જરૂર નથી. જરૂર છે ફક્ત બીજાને ઉપયોગી થવાની શુભ ભાવનાની. રક્તદાન કે ચક્ષુદાન પુણ્ય કમાવવાની ગણતરીથી કરવું નહિ, પરંતુ નિષ્કામ ભાવનાથી પ્રભુની પૂજારૂપે જ કરવું જોઈએ.
પીડિતોના ઉદ્ધારક શ્રીકૃષ્ણ ભગવાન મંદિરમાં જન્મ્યા નથી. એ તો કારાવાસના અંધકારમાં જ જન્મ્યા છે. આપણા સ્વાર્થી મનના અંધકારમાં જે દિવસ બીજાને ઉપયોગી થવાની શુભ ભાવના જાગશે અને આપણે સામાજિક ફરજ રૂપે નિયમિત રક્તદાન તેમ જ ચક્ષુદાનનો શુભ સંકલ્પ કરીશું તે દિવસ જન્માષ્ટમી હશે. આપણા હૃદયમાં પ્રભુ અવતરી ચૂક્યા હશે.

૫. જન્માષ્ટમીની ઉજવણી - ૨

શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રાગટ્યદિન ચીલાચાલુ રીતે ઊજવવાને બદલે એટલે કે ફક્ત આપણા આનંદને ધ્યાનમાં રાખીને ઊજવવાને બદલે, બીજાના જીવનમાં આનંદ પ્રગટાવી શકાય તે રીતે ઊજવીએ તો સ્વાભાવિક રીતે જ પરમાત્મા પ્રસન્ન થાય.
રક્તદાન તથા ચક્ષુદાન એ તનથી થતી ઉત્તમ સેવા હોવા છતાં અને સેવાની ભાવના હોવા છતાં ક્યારેક એ શક્ય નથી બનતી. કોઈ અન્ય બીમારી, શારીરિક દુર્બળતા કે મોટી ઉંમરને કારણે ડોક્ટરો રક્તદાન કરવાની ના પાડે છે. એવી જ રીતે આંખની કોઈ તકલીફ કે અન્ય બીમારીને કારણે ક્યારેક ચક્ષુદાન પણ શક્ય નથી બનતું. વળી મૃત્યુ કેવા સંજોગોમાં થશે, ક્યાં થશે? એ તો કોઈને ખબર નથી. શુભ સંકલ્પ હોય તો પણ અમુક સંજોગોમાં ચક્ષુદાન શક્ય ન બને તો સેવા કરવા શું કરવું ? નિરાશ થવાની જરૂર નથી. પરમાત્માની પૂજા કરવાના અનેક રસ્તા છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાર બે જ શબ્દોમાં વર્ણવવાનું કોઈ કહે તો ‘‘નિષ્કામ કર્મ’’ શબ્દો દ્વારા વર્ણવી શકાય. ‘‘નિષ્કામ કર્મ’’ કોને કહેવાય એ જેમણે પોતાના આચરણ દ્વારા સમાજને સમજાવ્યું છે એવા પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય સદ્ ગુરુશ્રી રણછોડદાસજી મહારાજ, મહાત્મા ગાંધીજી, પરમ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ વગેરે મહાનુભાવોનાં જીવન વિષે જાણવું જોઈએ. આપણે તેમના જેવા મહાન ન થઈ શકીએ તો વાંધો નહિ, પરંતુ તેમના ચીંધેલા માર્ગે થોડુંક ચાલીએ તો પણ પરમાત્મા જરૂર પ્રસન્ન થાય.
પરમ સંત શ્રી રણછોડદાસજી મહારાજે ભૂખ્યાને અન્ન આપવા માટે બિહારમાં દુષ્કાળ રાહત કેમ્પ શરૂ કરેલો તેનું વર્ણન કરતું ‘‘માનવ દ્રષ્ટિ’’ નામનું પુસ્તક દરેકે વાંચવા જેવું છે. દરરોજ પાંત્રીસ હજાર માણસોને જમાડવામાં આવતા. છ મહિના કેમ્પ ચાલ્યો. અનેક ગરીબ પુરુષોને ધોતી અને સ્ત્રીઓને સાડી આપવામાં આવ્યાં. જેમની પોતાની પાસે ધન ન હતું એવા એક પવિત્ર સંતે નિઃસ્વાર્થભાવે સેવાની જ્યોત પ્રગટાવી. તેમણે અનેક નેત્રયજ્ઞો કર્યા અને તન, મન, ધનથી દરિદ્રનારાયણની સેવા કરવા જનસમાજને ઉપદેશ આપ્યો. તેમના ઉપદેશ અનુસાર શ્રીમંત વ્યક્તિ યથાશક્તિ ધનનું દાન કરે, શ્રીમંત ન હોય તે પોતાના મોજશોખમાં થોડો કાપ મૂકીને સિનેમાની એકાદ ટિકિટ જેટલું કે સિગારેટના એકાદ પાકીટની કિંમત જેટલું દાન કરે, કાંઈ દાન ન આપી શકે તે તનથી શક્ય હોય તેટલી સેવા કરે, જેમ કે દુષ્કાળ રાહત કેમ્પમાં રસોઈ બનાવવી, ભૂખ્યાને પ્રેમથી જમાડવાનું કામ કરવું અને એ પણ શક્ય ન હોય તે મનથી પ્રભુની પ્રાર્થના કરી બીજાનું ભલું ઇચ્છે.
મહાત્મા ગાંધીજીના જીવનથી તો આપણે સૌ પરિચિત છીએ. અનેક યાતનાઓ વેઠીને, સંપૂર્ણ અહિંસક રીતે ભારતને આઝાદી અપાવનાર એ વિશ્વવંદ્ય વિભૂતિનું નામ દુનિયામાં અમર થઈ ગયું. દેશના ગરીબ લોકોને પહેરવા પૂરતાં વસ્ત્રો ન મળતાં હોય તો મારે સંપૂર્ણ સાદાઈથી જ જીવવું જોઈએ એમ માનનાર એ મહાનુભાવે જિંદગીભર ટૂંકી પોતડી પહેરી એટલે તો તેમને લોકોએ પ્રેમથી ‘‘મહાત્મા’’ કહ્યા. બુદ્ધ, ઈશુ અને મહાવીર સ્વામીનો અવતાર ગણાતા એ મહાત્મા સત્ય, અહિંસા અને પ્રેમના સાચા ઉપાસક હતા. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઊંડો અભ્યાસ કરી તેઓ ‘‘નિષ્કામ’’ બન્યા. ભારતનું સર્વોચ્ચ પદ તેમને સહેલાઈથી મળે તેમ હતું, પરંતુ તેમણે તે ન સ્વીકાર્યું. ગીતાના અનાસક્તિ યોગ વિષે લખનારે તેનું આચરણ કર્યું.
એવી જ રીતે પરમ પૂજ્ય રવિશંકરદાદાએ કોઈ આર્થિક લાભ કે યશ મેળવવાની અપેક્ષા વિના અનેક અભણ અને ગરીબ માનવીઓની સેવા કરી. અનેક તકલીફો વેઠી ગામેગામ પગપાળા ફરીને, ચોરીને સ્વાભાવિક ગણતા માનવીઓને સુધારવા શું શું કર્યું એ તો ‘‘માણસાઈના દીવા’’ પુસ્તક વાંચીએ ત્યારે જ સમજાય. કોઈ સાધારણ માનવીના મૃત્યુ પ્રસંગે પણ કોઈ હાસ્યલેખ ન લખે, પરંતુ આપણા વિદ્વાન હાસ્યલેખક શ્રી બકુલભાઈ ત્રિપાઠીએ હાસ્યલેખ દ્વારા તેમની અનોખી શૈલીમાં આ અસામાન્ય ‘‘મૂઠી ઊંચેરા માનવી’’ને ભવ્ય અંજલિ આપતાં લખેલું કેઃ ‘‘દરરોજ એક મહારાજ મરી જાય તો નિશાળમાં કાયમ રજા પડી જાય તો કેવી મજા પડે !’’ એવી બાળસુલભ વાતનો મા જવાબ આપે છેઃ ‘‘બેટા ! ગુજરાતમાં એટલા મહારાજ નથી. પરમ પૂજ્ય રવિશંકરદાદા એક જ મહારાજ હતા, જે નિષ્કામ સેવક હતા.’’
લશ્કરના જવાનો, સ્વામીનારાયણ સંપ્રદાયના અનેક અનુયાયીઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનેક કાર્યકરો, અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો કુદરતી આફત વખતે દરિદ્રનારાયણની સેવા દ્વારા નારાયણની સેવા કરે છે. ૧૯૭૯ની મોરબીની જળ હોનારત, ૧૯૯૮નું કંડલા બંદર પર ત્રાટકેલું વાવાઝોડું અને ૨૦૦૧માં કચ્છમાં ભીષણ તારાજી સર્જનાર ભૂકંપ જેવી કુદરતી આફતો વખતે આ સૌ નામી, અનામી સજ્જનોએ કોઈ યશની કે આર્થિક લાભની આશા વિના, ફક્ત સેવાની ભાવનાથી કરેલી સેવા ખૂબ જ પ્રશંસનીય અને નોંધપાત્ર છે એ નિર્વિવાદ છે. જન્માષ્ટમીને દિવસે આપણે પણ આવી નિઃસ્વાર્થ સેવા કરવાનો સંકલ્પ કરીએ તો કેવું સારું.
ભાવનગરના સુપ્રસિધ્ધ ભક્તકવિ શ્રી દુલાભાઈ કાગે બહુ સરસ પંક્તિઓ લખી છેઃ
‘‘ધરે થાળ પૂજારી ત્યાં બેઉ સમે,
વ્હાલો એકલો એકલો કેમ જમે?
એવું દીનદયાળુને કેમ ગમે ?
મારા ઠાકોરની જુઓ પાછળથી, ભૂખ્યાં પ્રેત સમાં કોઈ હાથ ધરે,
જેનાં ભૂખથી પેટ પતાળ પૂગ્યાં, મને મંદિરમાં નજરે ઇ તરે.’’
આપણે જે કાંઈ જમીએ તે પ્રભુને ધરીને તેમના પ્રસાદ રૂપે જમીએ એ શુભ ભાવનાથી પ્રભુને મંદિરે તથા ઘરમાં થાળ ધરાતો. પ્રભુને એકલા એકલા જમવું ગમતું નથી એટલે પ્રભુએ જે કાંઈ આપણને આપ્યું છે તેમાંથી થોડુંક અન્ન ભૂખ્યાં માનવીને તથા ગાય, કાગડા અને કૂતરાંને આપીને પછી આપણે જમવાની પ્રથા હતી. એ પ્રથા હવે બહુ ઓછા ઘરમાં રહી હશે. સૌમાં પ્રભુને જોવાની પવિત્ર ભાવના સભર એ ઉત્તમ પ્રણાલી ભુલાઈ ગઈ. આપણે વધુ પડતા સ્વાર્થી થઈ ગયા. પરમાત્માની અસીમ કૃપાથી આપણને બે ટંક નિરાંતે જમવા મળે છે, પરંતુ એવા કેટલાય અભાગી માનવીઓ છે જેમને બે ટંક પૂરું જમવાનું મળતું નથી એ ભૂલવું ન જોઈએ. આળસુ માણસોને મફત ભોજન કરાવવાની જરૂર નથી, પણ મહેનતકશ માનવીને કે વૃદ્ધ, અશક્ત લાચાર માનવીને ભીખ માગવી ન પડે એવું થવું જોઈએ.
વળી આપણું પોતાનું મકાન હોય કે ભાડે રહેતા હોઈએ તો પણ આપણા ઉપર નાની કે મોટી છત હોય છે, ચાર દીવાલ હોય છે. જે ટાઢ, તડકો અને વરસાદથી આપણું રક્ષણ કરે છે. બીજી બાજુ અનેક હતભાગી માનવીઓને શિયાળામાં કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર, ટૂંટિયું વાળીને સૂવું પડે છે. ઉનાળામાં ધગધગતી સડકો પર ખુલ્લા પગે ચાલવું પડે છે અને ધોધમાર વરસતા વરસાદમાં ક્યાં જવું એ વિચાર મૂંઝવે છે.
પથ્થરની મૂર્તિ માટે આપણે આરસનાં મંદિરો બંધાવીએ છીએ, પરંતુ જીવતાજાગતા ભગવાનને માટે આપણે કશું ન કરી શકીએ? આરસમાંથી કંડારેલી અને સોને મઢેલી પ્રભુની મૂર્તિનાં દર્શન કરી આપણે ધન્યતા અનુભવીએ છીએ, પરંતુ જીવતા મનુષ્યોને ફૂટપાથ પર સૂતેલાં જોઈને આપણે વ્યગ્રતા અનુભવતા નથી. ભારતમાં બંધાતાં અનેક ભવ્ય મંદિરો જોતાં ધનની કમી નથી. મંદિરો બંધાય તેમાં કશું ખોટું નથી, પરંતુ વિશાળ મંદિરોમાં આવા માનવીઓને આશરો મળે, કોઈને ફૂટપાથ પર સૂવું ન પડે એવી કોઈક યોજના, સંતો, મહંતો અને પ્રજાના આગેવાનો વિચારે તો કેવું સારું ! પરમાત્મા મંદિરની બહાર પણ છે એ આપણે ક્યારે વિચારીશું ?

૬. યુદ્ધ ન કરવું કે કરવુ?

શ્રીકૃષ્ણ ભગવાન મહાભારતનું સંભવિત યુદ્ધ અટકાવવા, તેઓ રાજાઓ કરતાં પણ શ્રેષ્ઠ હોવા છતાં શાંતિદૂત તરીકે હસ્તિનાપુર ગયા. યુદ્ધથી થનાર ભયંકર જાનહાનિ અને સંપત્તિના નુકસાન બાબત અનેક રીતે સમજાવવા છતાં દુર્યોધન ન સમજ્યો. પાંડવોને તેમના હક્ક અનુસાર અડધું રાજ્ય તો ઠીક, પાંચ ગામ આપવાની પણ તેણે સ્પષ્ટ ના પાડી.
અરે! સોયની અણી જેટલી જમીન પણ પાંડવોને નહિ આપું, તેવો હુંકાર કર્યો. એટલું જ નહિ, પણ શ્રીકૃષ્ણ ભગવાનને કેદ પકડવા સૈનિકોને હુકમ કર્યો, પરિણામે શ્રીકૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરી, પોતાને કેદ કરવાનો પ્રયત્ન કરી જોવા પડકાર ફેંક્યો. દુર્યોધન ઝંખવાણો પડી ગયો. મહાભારતનું ભયાનક યુદ્ધ છેવટે અનિવાર્ય બની ગયું. આપણા વિદ્વાન લેખક શ્રી ગૌતમ શર્માએ લખેલા પુસ્તક ‘‘વિષ્ટિકાર શ્રીકૃષ્ણ’’માં આ પ્રસંગનું બહુ સરસ વર્ણન છે.
એ જમાનામાં યુદ્ધ પ્રસંગે કોઈ રાજવી મદદ માગે તો ના પડાતી નહિ એટલે દુર્યોધને શ્રીકૃષ્ણ ભગવાનને કેદ પકડવાની ધૃષ્ટતા કર્યા પછી પણ મહાભારતના સંભવિત યુદ્ધ સમયે પોતાને મદદ કરવાની માગણી કરવા તે કોઈ શરમસંકોચ વિના દ્વારિકા ગયો. એ જ સમયે અર્જુન પણ તે જ હેતુથી દ્વારિકા ગયેલા. બંનેની વાત સાંભળી શ્રીકૃષ્ણ ભગવાને બંનેને મદદ કરવાની હા પાડી, પણ એક શરત કરી કે એક પક્ષે હું અને બીજે પક્ષે યાદવોની સેના રહેશે. વળી હું મહાભારતના યુદ્ધ દરમિયાન શસ્ત્ર ગ્રહણ નહિ કરું. પહેલાં અર્જુન માગણી કરે, એમ નક્કી કર્યું. દુર્યોધને કમને હા પાડવી પડી.
અર્જુને બે હાથ જોડી ખૂબ નમ્રતાથી કહ્યું ‘‘પ્રભુ ! આપ અમારે પક્ષે રહો.’’
શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને ફરીથી વિચારવા કહ્યું ‘‘અર્જુન ! હું તો શસ્ત્રવિહોણો જ રહેવાનો છું.’’
અર્જુને ફરીથી ખૂબ નમ્રતાથી કહ્યું ‘‘પ્રભુ ! આપ અમારી સાથે રહો, એથી વિશેષ કોઈ અપેક્ષા નથી.’’
યાદવોની સેના મળવાથી દુર્યોધન ખુશ થઈને વિદાય થયો. પછી અર્જુને શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યું:
‘‘પ્રભુ ! એક નાનકડી વિનંતિ કરું? યુદ્ધ દરમિયાન આપ મારા સારથિ બનો, એવી મારી પ્રાર્થના છે.’’ શ્રીકૃષ્ણ ભગવાને કારણ પૂછતાં અર્જુને કહ્યું ‘‘યુદ્ધ દરમિયાન કાંઈ મૂંઝવણ થાય તો આપનું માર્ગદર્શન મેળવી શકું અને યુદ્ધ દરમિયાન મારું મૃત્યુ થાય તો અંતિમ સમયે આપનાં દર્શન કરી શકું. જીવનની અંતિમ પળ સુધી આપ મારી પાસે હો એમ ઇચ્છું છું.’’
અર્જુનની ભક્તિભરી વિનમ્ર પ્રાર્થના પ્રભુએ સ્વીકારી.
ઉપરના તમામ પ્રસંગો શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના ઉદભવ માટે મહત્વના છે. જો શાંતિદૂત શ્રીકૃષ્ણ ભગવાનની વાત માનીને દુર્યોધને પાંડવોને તેમનો વાજબી રાજ્યભાગ આપ્યો હોત તો મહાભારત યુદ્ધનો પ્રશ્ન જ ન રહેત અને ગીતાજીનો પ્રસંગ ન બનત. શ્રીકૃષ્ણ ભગવાનની મદદ માગતી વખતે અર્જુને યાદવોની નારાયણી સેના માગી હોત તો પણ શ્રીકૃષ્ણ ભગવાનની અનુપસ્થિતિમાં ગીતાજીનો પ્રસંગ ન બનત. અર્જુને ભક્તિભાવે શ્રીકૃષ્ણ ભગવાનને સારથિ બનવાની વિનંતિ ન કરી હોત કે એ કર્યા પછી પણ શ્રીકૃષ્ણ ભગવાને કોઈ પણ કારણે એ વિનંતી નકારી હોત તો પણ ગીતાજીનો પ્રસંગ ન બનત.
સુંદર ચાર શ્વેત અશ્વો જોડેલા રથને શ્રીકૃષ્ણ ભગવાન યુદ્ધ માટે તૈયાર ઊભેલાં બે સૈન્યો વચ્ચે લાવીને ઊભો રાખે છે, ત્યારે બંને પક્ષે પોતાના અંગત સ્વજનોને જોઈને, અર્જુન વિષાદથી ઘેરાઈ જાય છે અને કહે છેઃ ‘‘હે શ્રીકૃષ્ણ ! પૂજા કરવા યોગ્ય વડીલોને હણીને હું રાજ્ય મેળવવા ઇચ્છતો નથી, તેથી હું યુદ્ધ નહીં કરું.’’ ત્યારે ‘‘યુદ્ધ ન કરવું કે કરવું’’ એ મહત્વના વિષય પર શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને જે ઉપદેશ આપ્યો તે શ્રીમદ્ ભગવદ્ ગીતા.
શ્રીકૃષ્ણ ભગવાને સમજાવ્યું ‘‘હે અર્જુન ! આત્મા અમર છે, તેથી ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ કે અન્ય કોઈને તું હણવાનો નથી, જો શરીરની દ્રષ્ટિએ વિચારતો હો તો શરીર તો નાશવંત છે જ, તું યુદ્ધ નહીં કરે તો પણ એ નાશ પામવાના છે, જો યુદ્ધમાં તારું મૃત્યુ થશે તો સ્વર્ગ પામીશ અને જીતીશ તો રાજ્ય પામીશ. યુદ્ધ નહીં કરે તો લોકો તને કાયર માનશે, તારી અપકીર્તિ થશે, જે યોગ્ય નથી. આમ બધી રીતે વિચાર કરતાં યુદ્ધ ન કરવા કરતાં યુદ્ધ કરવું એ જ તારે માટે હિતાવહ છે. એટલું જ નહીં પણ તમારો પાંડવોનો અધિકાર છીનવીને કૌરવોએ તમને અન્યાય કર્યો છે, ભીષ્મ, દ્રોણ, કર્ણ વગેરે તેમને સાથ આપે છે. અન્યાય સહન કરવો એ કાયરતા છે, અધર્મ છે, એની સામે લડવું જ જોઈએ.’’
‘‘અન્યાયનો પ્રતિકાર કરવો એ તારું કર્તવ્ય છે. યુદ્ધમાં જીતીશ કે હારીશ, રાજ્ય મળશે કે મૃત્યુ થશે, યશ મળશે કે અપયશ મળશે એવા કોઈ જ ફળની આશા વગર સંપૂર્ણ નિષ્કામ ભાવે કર્મ કરવું જરૂરી છે. આમ કરવાથી તને કોઈ દોષ નહીં લાગે. માટે સંપૂર્ણ વિચાર કરીને યુદ્ધ કરવા માટે તું ઊભો થા.’’ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને ઉપર મુજબનો ઉપદેશ આશરે પાંચ હજાર વર્ષ પહેલાં મહાભારતના રણમેદાન પર આપેલો, પરંતુ આજે પાંચ હજાર વર્ષ પછી જ્યારે આપણે કોઈ સામે લડવાનું નથી ત્યારે આપણને એ ઉપદેશ શું ઉપયોગી છે?
ગીતાજીનું મહત્વ આ જ છે. એ સમયથી પર છે. એ ઉપદેશ ફક્ત અર્જુન માટે નથી, કોઈ ક્ષત્રિય માટે નથી, કોઈ ચોક્કસ ધર્મના લોકો માટે નથી, કોઈ ચોક્કસ દેશના લોકો માટે નથી. સ્ત્રી, પુરુષ, નાત, જાત, ધર્મ કે દેશ એવા કોઈ જ વાડા વિના, સમયના કોઈ જ બંધન વિના, સદા સર્વદા ઉપયોગી એવો એ ઉપદેશ છે. અન્યાય ક્યારેય સહન ન કરવો, કોઈનો અન્યાય સહન ન કરવો, ગૌરવથી માથું ઊંચું રાખીને જ જીવવું, યુદ્ધ કરવાની જરૂર પડે તો યુદ્ધ પણ કરવું, સામનો કરવા જતાં કદાચ મૃત્યુ થાય તો પણ હસતાં હસતાં મૃત્યુ પામવું, એ જ જીવનનો પરમ ધર્મ છે. આવો ખુમારી ભર્યો સંદેશ, ખુદ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાને સમગ્ર જગતને આપ્યો છે.
યુદ્ધ કરવું એટલે હથિયાર લઈને જ લડાઈ કરવી એવું જરૂરી નથી. અન્યાયનો જ્યાં જે રીતે વિરોધ કરવો જરૂરી લાગે તે રીતે વિરોધ કરવો જોઈએ. એમ કરવા જતાં કોઈને ખરાબ લાગશે, આર્થિક નુકસાન થશે, બદલી થઈ જશે, નોકરી જશે, અપયશ મળશે, લોકો શું કહેશે એવું બધું ન વિચારાય. અતિ વિચારમાંથી જ નબળાઈ જન્મે છે. આપણી વાત સાચી હોવી જોઈએ અને સત્યને માટે કોઈ પણ ભોગ આપવાની આપણી તૈયારી હોવી જોઈએ.
દુનિયામાં આપણો કોઈ દુશ્મન ન હોય, કોઈ આપણને પરેશાન ન કરતું હોય તો યુદ્ધ કરવાનો પ્રશ્ન જ ન રહે, પરંતુ દરેક માનવીને એક છૂપો દુશ્મન હોય જ છે, એ દુશ્મન એટલે આપણું પોતાનું મન. તે સતત આપણું પતન થાય, એવા પ્રયત્ન કર્યા જ કરે છે, પરંતુ આપણને પતન ગમે છે એટલે આંખ મિંચામણાં કરીએ છીએ. આપણા મન સાથે અવિરામ યુદ્ધ કરીને, આપણી ખામીઓ આપણે જ દૂર કરી શકીએ.
એક કવિએ બહુ સરસ લખ્યું છેઃ
‘‘ફરિસ્તેસે બહેતર હૈ ઇન્સાન બનના, મગર ઇસમેં પડતી હૈ મહેનત જ્યાદા.’’
પોતાના અવગુણો સામે લડીને માનવી બનવું બહુ અઘરું છે. યુદ્ધ કર્યા વિના હાર સ્વીકારી લેવાની શ્રીકૃષ્ણ ભગવાને ના પાડી છે એટલે આપણે પણ આપણા મન સાથે યુદ્ધ કરવું જ જોઈએ. કદાચ થાકી જઈએ તો પરમાત્માની મદદ માટે તેમને શરણે જવું જોઈએ. આપણા મનના બેકાબૂ ઘોડાને વશ કરવા તેની લગામ શ્રીકૃષ્ણ ભગવાનને સોંપી દેવી જોઈએ. પરમાત્મા ચોક્કસ મદદ કરશે.

૭. અવિનાશી આત્મા

શ્રીકૃષ્ણ ભગવાનના પરમ ભક્ત શ્રી નરસિંહ મહેતા પરમ તત્ત્વજ્ઞાની હતા. એ તત્ત્વજ્ઞાન સ્કૂલ કે કોલેજમાંથી મેળવેલું પોપટિયું જ્ઞાન ન હતું, એ તો પરમ ભક્તિમાંથી પ્રગટેલું પરમ જ્ઞાન હતું. એમણે આત્મા વિષે ગજબ કહ્યું
‘‘જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જુઠ્ઠી.’’
આત્માને ઓળખ્યા વિનાની બધી સાધના નિરર્થક છે. આત્માને તો કોઈએ જોયો નથી. એ શું છે, એ કોઈ જાણતું નથી તો એને કઈ રીતે ઓળખવો ? ગીતાજીના બીજા અધ્યાય સાંખ્યયોગમાં શ્રીકૃષ્ણ ભગવાને આત્મા વિષે બહુ સરસ સમજાવ્યું છેઃ
‘‘ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ,
અજોનિત્યઃ શાશ્વતોયં પુરાણો, ન હન્યતે હન્યમાને શરીરે.’’ (ગીતા ૨ - ૨૦ )
‘‘આત્મા જન્મતો નથી કે મરતો નથી, તે અગાઉ ન હતો કે હવે પછી નહિ હોય તેવું નથી. આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત, પુરાતન છે. શરીરનો નાશ થવા છતાં પણ આત્મા મરતો નથી. હે અર્જુન ! આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. આત્મા સર્વવ્યાપી, સ્થિર, અચલ અને સનાતન છે. તેને અવ્યક્ત, અચિંત્ય અને વિકારરહિત કહે છે.’’
જેમ પરમાત્મા સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે તેમ આત્મા શરીરનું સંચાલન કરે છે. જ્યાં સુધી આત્મા શરીર સાથે જોડાયેલો હોય ત્યાં સુધી જ શરીર જીવંત રહે છે. જ્યારે આત્મા અને શરીર જુદાં પડે છે ત્યારે શરીરનું મૃત્યુ થાય છે. મૃત્યુ સમયે આત્મા તો અમર છે એટલે તેનો શોક કરવો ન જોઈએ અને નાશવંત વસ્તુનો વહેલો કે મોડો નાશ થવાનો જ છે. તેથી નાશવંત શરીર મૃત્યુ પામે ત્યારે તેનો શોક કરવો પણ ઉચિત નથી.
વળી ગીતાજીના છઠ્ઠા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છેઃ
‘‘યો મામ્ પશ્યતિ સર્વત્ર, સર્વં ચ મયિ પશ્યતિ,
તસ્યાહં ન પ્રણશ્યામિ, સ ચ મે ન પ્રણશ્યતિ.’’ ( ગીતા ૬ - ૩૦ )
‘‘જે મને સર્વમાં વ્યાપેલો જુએ છે અને સઘળું મારામાં સમાયેલું છે તેમ માને છે તે મારાથી અદ્રશ્ય નથી અને હું તેનાથી અદ્રશ્ય નથી.’’ એક પરમાત્મા બધામાં કઈ રીતે વ્યાપેલા હોય? અને બધું પરમાત્મામાં સમાયેલું છે એવું કઈ રીતે બને ? કાંઈક અટપટું લાગે એવું છે પણ થોડુંક વિચારીએ તો સાવ સરળ વાત છે. પૃથ્વી ખૂબ વિશાળ છે, પણ તેનું નાના ટુકડાઓમાં વિભાજન કરીએ તો નાનામાં નાની અતિ સૂક્ષ્મ રજકણ આખરે તો પૃથ્વીનો જ ભાગ છે, વળી એ બધી રજકણો અંતે તો પૃથ્વીમાં જ સમાયેલી છે.
એવી જ રીતે અફાટ મહાસાગરનું નાના ટુકડાઓમાં વિભાજન કરીએ તો નાનામાં નાનું અતિ સૂક્ષ્મ જળબિંદુ આખરે તો મહાસાગરનો જ ભાગ છે અને તે તમામ જળબિંદુઓ અંતે તો મહાસાગરમાં જ સમાયેલાં છે. આમ પરમાત્મા, પૃથ્વી અને મહાસાગર સમાન વિરાટ સ્વરૂપ છે અને આત્મા રજકણ કે જળબિંદુ સમાન તેમનો નાનકડો અંશ છે. ખુદ શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૦મા અધ્યાયમાં કહ્યું છેઃ
‘‘અહમાત્મા ગુડાકેશઃ, સર્વભૂતાશયસ્થિતઃ,
અહમાદિશ્ચ મધ્યં ચ ભૂતાનામ્ અન્ત એવ ચ .’’ ( ગીતા ૧૦ - ૨૦ )
‘‘હે અર્જુન ! સૌ પ્રાણીઓમાં રહેલો આત્મા હું જ છું. તમામ પ્રાણીઓનો આદિ, મધ્ય અને અંત હું છું.’’ આમ આત્મા એ પરમાત્માનું જ સ્વરૂપ છે.
આત્મા શરીરમાં રહેલો છે એવી ઉપરછલ્લી માહિતીથી આપણે વાકેફ છીએ. શરીરશાસ્ત્રના નિષ્ણાતોએ આપણા શરીરનો નાનામાં નાનો ભાગ જોઈ લીધો છે, પણ કોઈએ ક્યાંય આત્માને જોયાનો દાવો કર્યો નથી. એટલે જો આત્મા શરીરમાં રહેતો હોય તો એ અદ્રશ્ય છે એમ માનવું પડે. ફૂલોમાં રહેલી અદભુત સુગંધ,પવનની ઠંડી મીઠી લહેર, અગ્નિમાં રહેલું તેજ, હૃદયનો આનંદ આ બધું અદ્રશ્ય છે, પણ અનુભવી શકાય છે. એવી જ રીતે પરમાત્મા અને આત્મા અદ્રશ્ય છે છતાં અદભુત સૃષ્ટિનું સર્જન કરનાર અને શરીરનું સંચાલન કરનાર કોઈક તત્ત્વ છે એટલું તો આપણે સ્વીકારવું પડે.
આપણા શરીરને તો આપણે ઓળખીએ છીએ. એ નાશવંત છે. બાળપણ, યુવાની અને ઘડપણ તથા છેવટે મૃત્યુ એ દરેક શરીર માટે નિશ્ચિત છે. આપણું મન એ આપણા મગજમાંથી સતત ઉત્પન્ન થતા તરંગો છે. શરીરની બધી ઇન્દ્રિયો મનને વશ છે. શરીર નાશવંત હોવા છતાં શરીરને વધુ ને વધુ સુખ સગવડ મળે એવા વિચારોમાં મન સતત ગૂંચવાયેલું રહે છે. આમ ને આમ જીવન વીતે છે. ભૌતિક સુખ, વૈભવ મેળવવા ક્યારેક મન ખોટાં કાર્યો કરવા પણ પ્રેરાય છે ત્યારે આપણા મનથી જુદું કોઈક તત્ત્વ, મનને નાશવંત શરીર માટે ખોટાં કાર્યો ન કરવા ચેતવે છે. ‘‘આવું ન કરાય’’ એવો કોઈક અવાજ આપણે આપણી અંદરથી સાંભળી શકીએ છીએ. અનુભવી શકીએ છીએ. એ અદભુત અનુભવ એ જ આત્માનો અવાજ. એ અવાજ સાંભળવા છતાં આપણું મન એ અવાજને અવગણે એ આપણું દુર્ભાગ્ય છે.
ભાવનગરના વિદ્વાન કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટે ‘‘હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ’’ નામના તેમના પુસ્તકમાં બે ઋષિ ભાઈઓની વાત લખી છે. બંને ભાઈઓના આશ્રમ પાસે પાસે હતા. બંને ખૂબ તપ કરતા. બંને વચ્ચે ખૂબ લાગણી હતી. એક દિવસ નાનો ભાઈ મોટા ભાઇને મળવા તેમના આશ્રમે જાય છે. મોટા ભાઈના આંબાવાડિયામાંથી પસાર થતાં એક સરસ પાકેલી કેરી જોઈ તે ખાવાનું મન થયું. ‘‘કોઈ સારી વસ્તુ જોઈને લલચાવું તે ઠીક ન ગણાય.’’ એમ અંદરથી આત્માનો અવાજ આવ્યો. નાનો ભાઈ મોટા ભાઈને મળવા ગયો.
તેઓ બહારગામ ગયેલા. એ જ રસ્તે પાછા ફરતાં ફરીથી પાકેલી કેરી જોઈ ખાવાનું મન થયું. આત્માએ રોકતાં, મને દલીલ કરીઃ ‘‘કુદરતે આવી સરસ વસ્તુ બનાવી છે તો ખાવામાં શો વાંધો ?’’ ફરી આત્માનો અવાજ આવ્યોઃ ‘‘મોટા ભાઈની રજા લીધા વિના તેમના આંબાવાડિયામાંથી કેરી ન તોડાય.’’ મને દલીલ કરીઃ ‘‘મોટા ભાઈ મને ક્યારેય ના ન પાડે, વળી એ તો બહારગામ ગયા છે.’’ આમ છેવટે મને આત્માના અવાજને ગણકાર્યો નહિ અને કોઈ જુએ નહિ તેમ કેરી તોડીને ખાઈ લીધી.
પોતાના આશ્રમે પાછા ફર્યા બાદ આત્માના અવાજને અવગણવા બદલ ખૂબ પસ્તાવો થયો. ક્યાંય ચેન પડતું ન હતું. બીજે દિવસ મોટા ભાઈ આવતાં બધી વાત કરી અને રાજા પાસે જઈ સજા માગવાની વાત કરી. મોટા ભાઈએ ખૂબ પ્રેમથી સમજાવ્યા, પણ ન માન્યા. બીજે દિવસ બંને ભાઈઓ રાજા પાસે ગયા. બધી વાત કરી. રાજાએ કહ્યું ‘‘એક કેરી તો મામૂલી ગણાય. વળી જેમના આંબામાંથી તોડી એ મોટા ભાઈ તો માફ કરે છે એટલે સજા ન કરાય.’’ નાના ભાઈએ કહ્યું ‘‘આત્માનો અવાજ ન ગણકારે તેનું પતન થાય માટે સજા તો થવી જ જોઈએ.’’ છેવટે સજા રૂપે નાના ભાઈના બંને હાથનાં કાંડાં કાપી નાખવામાં આવ્યાં.
એક નાનકડી કેરી માટે પોતાનાં કાંડાં કપાવવાની આકરી સજા સ્વેચ્છાએ ભોગવનાર માનવીને આત્માનું કેટલું બધું મહત્વ હશે ? આત્માનો અવાજ ન સાંભળીને મનને અસંયમી બનવા ન દેવાય. જો મન નિરંકુશ બને તો જેમ પવન હોડીને ગમે તે દિશામાં ઘસડી જાય તેમ ઇન્દ્રિયો બુદ્ધિને ઘસડી જાય (ગીતા ૨ - ૬૭ ).
મન અને આત્માના રસ્તા ભિન્ન છે. મન પતનને સરળ રસ્તે જવાનું પસંદ કરે છે, એ રસ્તો છેવટે દુઃખદાયી છે. જ્યારે આત્મા ઉન્નતિના કઠિન માર્ગે જવાનું પસંદ કરે છે. એ રસ્તો કઠિન હોવા છતાં છેવટે આનંદદાયક હોય છે. મનને માર્ગે ચાલનારને આપણે ‘‘ભોગી’’ તરીકે ઓળખીએ છીએ અને આત્માને માર્ગે ચાલનારને આપણે ‘‘યોગી’’ તરીકે ઓળખીએ છીએ. ખુદ શ્રીકૃષ્ણ ભગવાને છઠ્ઠા અધ્યાયમાં યોગીની ખૂબ પ્રશંસા કરી છે. એ ખાસ યાદ રાખવા જેવું છે.

૮. મૃત્યુ અને તેનો શોક

શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાજીનો બોધ આપતાં આપતાં જીવન સાથે સદાય સંકળાયેલા મૃત્યુની અનિવાર્યતા સમજાવી અને તેનો શોક કરવો ઉચિત નથી તે વાત ભારપૂર્વક સમજાવી. બીજા અધ્યાય સાંખ્યયોગમાં શ્લોક નં. ૧૧થી ૩૦માં આત્મા, શરીર, મૃત્યુ અને એ બધાંનો પરસ્પર સંબંધ વગેરે સમજાવ્યું છે.
‘‘આત્મા અવિનાશી છે. આ અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ શક્તિમાન નથી. જેના વડે આ સર્વ વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણ. આત્મા ક્યારેય કોઈને હણતો નથી કે આત્મા કોઈથી હણાતો નથી. જે આ આત્માને હણનારો કે હણાયેલો માને છે તે અજ્ઞાની છે. આ આત્મા કદી જન્મતો નથી કે કદી મરતો નથી. જન્મ પહેલાં આત્મા ન હતો કે મૃત્યુ પછી આત્મા નહીં હોય એવું નથી. આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. તેથી શરીર હણાયા છતાં તે હણાતો નથી. હે પાર્થ !, જે આને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવિકારી જાણે છે તે પુરુષ કોને કેવી રીતે હણે છે, તથા કોને હણાવે છે ? જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂનાં શરીરો ત્યજી બીજાં નવાં શરીરો ધારણ કરે છે. આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી કેમ કે આ આત્મા નિત્ય, સર્વવ્યાપક, સ્થિર, અચળ અને શાશ્વત છે. હું, તું કે આ બધા રાજાઓ કદી ન હતા, એવું નથી અથવા હવે પછી આપણે બધા નહિ હોઈએ એવું પણ નથી.
તેનાથી ઊલટું શરીર અનિત્ય, વિકારી અને નાશવંત છે. વિકારી એટલે કે શરીરમાં ફેરફાર થતા રહે છે. જન્મ પછી, બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને અંતે મૃત્યુ એમ શરીરની સ્થિતિ બદલાતી રહે છે. આમ શરીર નાશવંત છે. આત્મા બદલાતો નથી, પણ શરીર બદલાતાં રહે છે. હે ભારત ! આ સ્થાવર જંગમ સૃષ્ટિ આદિમાં અપ્રકટ, મધ્યમાં પ્રકટ અને અંતે અપ્રકટ હોય છે. તેમાં શોક શો કરવો ?’’ શ્રીકૃષ્ણ ભગવાને મૃત્યુ અંગે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતાં કહ્યું છેઃ
‘‘જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ, ધ્રુવં જન્મ મૃતસ્ય ચ,
તસ્માદ્ અપરિહાર્યેર્થે, ન ત્વમ્ શોચિતુમર્હસિ.’’ (ગીતા ૨ - ૨૭)
‘‘જે જન્મે છે તેનું અવશ્ય મૃત્યુ થાય છે અને મૃત્યુ પછી અવશ્ય જન્મ થાય છે. આ ફેરફાર ન કરી શકાય તેવી કુદરતી વ્યવસ્થા છે. તેથી તેનો શોક કરવો એ તારે માટે ઉચિત નથી.’’
આત્મા અને શરીરનો સંબંધ તૂટે એટલે કે આત્મા અને શરીર છૂટાં પડે ત્યારે શરીરનું મૃત્યુ થાય છે. આત્મા તો અમર છે એટલે કે તેનું તો મૃત્યુ થતું જ નથી તો પછી તેનો શોક કરવાનો કોઈ અર્થ નથી. શરીરનું મૃત્યુ થાય છે, પરંતુ શરીર તો નાશવંત જ છે. ગમે ત્યારે તેનો નાશ થવાનો છે એ નક્કી જ છે તો પછી તેનો શોક કરવાનો પણ કોઈ અર્થ નથી માટે જ પંડિતો મરેલા કે જીવતાનો શોક કરતા નથી.
આ બધાં વાક્યો ખુદ શ્રીકૃષ્ણ ભગવાને પોતે કહેલાં છે એટલે તેનું મહત્વ સવિશેષ છે. આપણે તો આત્માને ક્યારેય જોયો નથી, આત્મતત્ત્વથી અજાણ છીએ, પરંતુ પરમાત્માનાં વચનોને આધારે અને મહાન સત્પુરુષોનાં વચનોને આધારે આત્મા વિષે કાંઈક જાણી શકીએ.
આપણા શરીરથી તો આપણે સંપૂર્ણ વાકેફ છીએ જ. શરીર વિષેનો આપણો પોતાનો અનુભવ ઘણો હોય છે. જન્મ, બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને અંતે મૃત્યુ એ સ્વાભાવિક ક્રમથી આપણે પરિચિત છીએ. આપણને ગમે કે ન ગમે તો પણ આ પરિવર્તન થતું જ રહે છે. એ કુદરતી છે. કોઈએ બહુ સરસ વાત કરી છેઃ
‘‘જો જાકે ન આયે વો જવાની ભી દેખી,
જો આકે ન જાયે વો બુઢાપા ભી દેખા.’’
આ ઉપરાંત ટાઢ, તડકો, વરસાદ, દરિયાકિનારાની ખારી ભેજવાળી હવા, પ્રદૂષિત વાતાવરણ એ બધાંની શરીર ઉપર અસર થાય છે. શરીરમાં અનેક જાતના રોગ થાય છે. એ બધાંના પરિણામ રૂપે સાધારણ તકલીફથી માંડીને મૃત્યુ સુધીની ગંભીર અસર થાય છે.
મૃત્યુ થયા પહેલાં પણ મૃત્યુ વિષે આપણો પોતાનો અનુભવ છે જ. કોઈને મરવું ગમતું નથી. મૃત્યુને આપણે અમંગળ માનીએ છીએ. મૃત્યુના નામ માત્રથી આપણે વિહ્વળ થઈ જઈએ છીએ. સ્વજનના મૃત્યુથી ઊંડો આઘાત અનુભવીએ છીએ. સ્વજનના મૃત્યુ પાછળ શોક કરવાથી સ્વજન પાછા ફરતા નથી, પણ શોક કરનારના શરીર ઉપર અવળી અસર થઈ શકે છે.
હકીકતમાં તો મૃત્યુ પરમ મંગળ છે. આપણા મૃત્યુ પછી આપણે કોઈને પરેશાન કરતા નથી. મૃત્યુ પછી આપણા શરીરને કોઈ બરફની પાટ પર સુવાડે કે અગ્નિદાહ દરમિયાન અગ્નિની જ્વાળાઓ જ શરીર ફરતી ફરી વળે તો પણ દેહ વેદનાની બૂમો પાડતો નથી. મૃત્યુ ખરેખર પરમ શાંતિદાયક છે. મૃત્યુ ત્રાસદાયક નથી. એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. જેના પર પરિવારની જવાબદારી હોય તેનું કુદરતી કે અકસ્માતથી અણધાર્યું મૃત્યુ થાય એ દુઃખદ ગણાય, પરંતુ તેણે જીવન દરમિયાન પોતાના પરિવારના ભરણપોષણ માટે જરૂરી વ્યવસ્થા કરી રાખવી જોઈએ કેમકે મૃત્યુ અનિશ્ચિત છે. કોનું મૃત્યુ ક્યારે થશે એ કોઈ જાણતું નથી.
આત્મા અને શરીર જુદાં છે. એ બાબત આપણે બહુ જૂના સમયની વાત ન કરીએ, પણ થોડા સમય પહેલાં જ થઈ ગયેલા ત્રણ મહાપુરુષોનાં જીવનની વાત કરીએ.
પરમહંસ સ્વામી શ્રી રામકૃષ્ણદેવજીને જીવનના અંતિમ તબક્કામાં કેન્સર થયેલું. બહુ વેદના થતી હતી. સ્વામી શ્રી વિવેકાનંદજીને તો મનમાં શંકા પણ થઈ કે ગુરુ પોતાને ઇશ્વરનું સ્વરૂપ કહે છે તો તેમને વેદના કેમ થતી હશે ? શંકા થવા છતાં તેઓ કંઈ બોલ્યા નહીં. ગુરુએ શિષ્યને પાસે બોલાવી પૂછ્યું ‘‘બેટા ! હજી તને શંકા છે ? જે રામ હતા, જે કૃષ્ણ હતા એ જ હું રામકૃષ્ણ છું. બેટા ! હું શરીર નથી. વેદના શરીરને છે. મને નહીં. હું તો આત્મા છું. આત્મા તો પરમાત્માનો જ અંશ છે. એને વેદના સ્પર્શી ન શકે.’’
પરમ યોગી મહર્ષિ અરવિંદજીને મૃત્યુ પહેલાં કિડનીની તકલીફ હતી. પારાવાર વેદના થતી હતી. તેમના અંગત ડોક્ટરનું મંતવ્ય હતું કે આવી વેદના હોય ત્યારે ધ્યાન કરવું મુશ્કેલ છે, પરંતુ અરવિંદજી ધ્યાન કરતા ત્યારે સંપૂર્ણ સ્વસ્થ રહેતા. જાણે તેમને કોઈ વેદના થતી જ ન હોય. સૌને આશ્ચર્ય થતું. કોઈએ મહર્ષિજીને કહ્યું ‘‘આપ તો પરમ યોગી છો તો શરીરની વેદના મટી જાય તેવું કંઈક કરો ને !.’’ તેમણે પણ એ જ જવાબ આપ્યોઃ ‘‘આત્મા અને શરીર જુદાં છે. હું આત્મા છું, મને કોઈ વેદના નથી. વેદના ફક્ત શરીરને છે. નાશવંત શરીરને ટકાવવા યોગનો ઉપયોગ ન કરાય.’’
આવી જ સ્થિતિ રમણ મહર્ષિજીની હતી. મૃત્યુ અગાઉ કોઈક અસાધારણ રોગને લીધે તેમના આખા શરીરમાં ભયંકર વેદના થતી હતી. કોઈ પણ અંગને સ્પર્શ થાય તો વેદના સહન ન થઈ શકે તેવી સ્થિતિ હતી. કોઈ અનુયાયીએ તેમને કહ્યું ‘‘આપ તો પરમ યોગી છો. યોગથી વેદના મટાડી દો ને !.’’ જવાબ મળ્યોઃ ‘‘યોગ આત્માની ઉન્નતિ માટે છે. શરીરની વેદના મટાડવા માટે નહીં. હું તો આત્મા છું. મને વેદના છે જ નહીં.’’
ત્રણે મહાત્માઓનાં જીવનની એક સરખી વાત આશ્ચર્ય ઊપજાવે તેવી છે, પરંતુ આત્મા અને શરીરના સંબંધ ઉપર ગજબ પ્રકાશ ફેંકે છે. શ્રીકૃષ્ણ ભગવાને જે કાંઈ કહ્યું છે, અક્ષરશઃ તે જ વાત આ ત્રણે મહાત્માઓએ કરી છે. જો આપણે આત્માને ઓળખીએ તો મૃત્યુનો ભય ટળી જાય. શોક કરવાનો પ્રશ્ન જ ન રહે. ગીતાજીમાં કહેવાયેલી વાતોને મહાન સંતોના જીવન દ્વારા તથા વૈજ્ઞાનિકો દ્વારા સમર્થન મળે છે (૧૮ - વિભૂતિ યોગ પેજ - ૫૨,૫૩,૫૪) એ બાબત આપણે ગૌરવ લેવા જેવી છે.

૯. સ્થિતપ્રજ્ઞ

શ્રીકૃષ્ણ ભગવાન તથા અર્જુનના શ્રીમદ્ ભગવદ્ ગીતાના સંવાદ દરમિયાન કોઈ બહુ જ મહત્વની અને ઉત્તમ ચર્ચા થઈ હોય તો તે છે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો. સાંખ્યયોગ નામના બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ફળની ઇચ્છા તજીને કર્મ કરવાની સલાહ આપ્યા પછી અર્જુનને કહ્યું ‘‘જ્યારે તારી બુદ્ધિ ફળની આસક્તિમાંથી મુક્ત થશે ત્યારે તારો મોહ દૂર થશે અને આત્મસ્વરૂપમાં સ્થિર થશે, ત્યારે ભગવદ્ પ્રાપ્તિરૂપ યોગ તને પ્રાપ્ત થશે.’’
અર્જુને પૂછ્યું: ‘‘હે ભગવાન ! આત્મસ્વરૂપમાં સ્થિર મનુષ્ય કઈ રીતે વર્તે?’’
ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહેલો એક એક શબ્દ બહુ કીમતી છે. દરેક શબ્દ બહુ જ શાંતિથી વાંચવા અને વિચારવાનો છે. ગીતાજી કોઈ ચોક્કસ સંપ્રદાયનો ગ્રંથ નથી. એ ફક્ત પુરુષો કે ફક્ત સ્ત્રીઓ માટે નથી. કોઈ એક સમાજ કે દેશ માટે નથી. આખી દુનિયાના કોઈ પણ માનવીને પોતાનું જીવન ઉજ્જ્વળ બનાવવું હોય તેમને માટે આ ગ્રંથ છે. આ રહી એ અદભુત વાણીઃ
‘‘જ્યારે માનવી પોતાના મનમાંથી ઊઠતી તમામ ઇચ્છાઓનો ત્યાગ કરે અને વાસનાશૂન્ય મનથી પોતાના આત્મસ્વરૂપમાં જ સંતુષ્ટ રહે ત્યારે તેને ‘‘સ્થિતપ્રજ્ઞ’’ કહેવાય છે.’’ જીવનની તમામ મુશ્કેલીઓનું મૂળ ઇચ્છાઓ છે. જો એને વશ કરી શકાય તો ઘણા પ્રશ્નો ઉકલી જાય. ભલે એ બહુ જ અઘરું છે તો પણ ધીમે ધીમે ઇચ્છાઓનો ત્યાગ કરવાની શરૂઆત કરીએ તો મનની સ્થિરતા વધે. ‘‘સ્થિતપ્રજ્ઞ’’ એટલે જ સ્થિર બુદ્ધિનો માણસ.
દુઃખમાં જેનું મન ઉદ્વિગ્ન ન થાય અને સુખ મેળવવાની જેને લાલસા ન રહી હોય, જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ચૂકે તેને સ્થિર બુદ્ધિવાળો મુનિ કહેવાય.
જે મનુષ્ય સર્વત્ર રાગ વગરનો રહીને સારું કે ખરાબ જે કાંઈ પ્રાપ્ત થાય તેનાથી પ્રસન્ન નથી થતો કે દ્વેષ નથી કરતો એટલે કે તમામ પરિસ્થિતિમાં સમાન ભાવ રાખે, તેની બુદ્ધિ સ્થિર છે.
જેમ કાચબો તેનાં અંગો સંકોરી લે તેમ જે મનુષ્ય વિષયોમાંથી ઈંદ્રિયોને ખેંચી લે છે, તેની બુદ્ધિ સ્થિર થાય છે.
ધીમે ધીમે ઈંદ્રિયો દ્વારા વિષયોનું ચિંતન ન કરે તો વિષયો દૂર થઈ જાય છે, પણ વિષયો પ્રત્યેનો રસ દૂર થતો નથી. તે તો આત્મસ્વરૂપના પરમ રસનો અનુભવ થતાં જ દૂર થઈ શકે.
હે અર્જુન ! જ્યાં સુધી વિષયો પ્રત્યેનો રસ નિવૃત્ત નથી થતો ત્યાં સુધી તે પુરુષની ઈંદ્રિયો તેના મનને વિહ્વળ કરીને એકદમ વિષયોમાં ખેંચી જાય છે, પરંતુ તે બધી ઈંદ્રિયો અને મનને સંયમિત કરી કાબૂમાં લઈને અંતર્યામી એવા મારામાં જ તન્મય થઈને બેસનારનું મન વશ થાય છે અને તેની બુદ્ધિ સ્થિર થાય છે.
વિષયોનું ચિંતન કરવાથી આસક્તિ થાય છે, તેમાંથી કામના એટલે કે ઇચ્છા જાગૃત થાય છે, તે પૂરી ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી મોહ જન્મે છે અને તેને લીધે સારાસારનું ભાન રહેતું નથી. આમ સ્મૃતિ નાશ થતાં બુદ્ધિનો નાશ થાય છે અને છેવટે અધોગતિ થાય છે.
પરંતુ જેણે મનને સ્વાધીન કર્યું હોય તે રાગદ્વેષ રહિત થઈને પોતાને વશ કરેલી ઈંદ્રિયો દ્વારા વિષયોનો વ્યવહાર કરતો પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. આવી રાગદ્વેષ રહિત પ્રસન્નતા પ્રાપ્ત થતાં બધાં દુઃખોનો અભાવ થઈ જાય છે અને તે અનાસક્ત ચિત્તવાળા કર્મયોગીની બુદ્ધિ વ્યાપક અને સ્થિર બને છે.
ઈંદ્રિયો અને મનને ન જીતનારને નિષ્કામ બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. આથી તેનામાં ઇશ્વરારાધનાની ભાવના પણ જાગતી નથી. તે ભાવના વગર શાંતિ પ્રાપ્ત થતી નથી અને આવા અશાંત પુરુષને સુખ ક્યાંથી મળી શકે ? કારણ કે આવો અસંયમી માણસ ઈંદ્રિયોની પાછળ મનને છૂટું મૂકે છે, તેનું અસંયમી મન - જેમ વાયુ, છૂટી નાવને પાણીમાં ગમે તેમ ઘસડી જાય છે તેમ - બુદ્ધિને ઘસડી જાય છે એટલે કે બુદ્ધિનો નાશ કરે છે. હે મહાબાહો ! જેનું સંયમી મન, ઈંદ્રિયો પર કાબૂવાળું હોય છે તેની બુદ્ધિ સ્થિર છે.
સંયમી જ્ઞાની મનુષ્યો જે આત્મસ્વરૂપના પ્રકાશમાં જાગૃત રહે છે, તેમાં અસંયમીઓને રાત્રી જેવું લાગે છે અને અસંયમી અજ્ઞાની મનુષ્યો જેમાં પ્રકાશ જુએ છે એટલે કે આનંદ માને છે તેમાં સંયમી મનુષ્ય અંધકાર જુએ છે.
જેમ જુદી જુદી નદીઓનાં પાણી, પરિપૂર્ણ અને સ્થિર રહેલા સમુદ્રમાં, તેની સ્થિરતામાં વિક્ષેપ કર્યા વગર જ સમાઈ જાય છે તેમ બધા ભોગો, સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઈ વિકાર ઉત્પન્ન કર્યા વગર જ સમાઈ જાય છે. તે પુરુષ પરમ શાંતિ પ્રાપ્ત કરે છે, પરંતુ ભોગોની તૃષ્ણાવાળાને પરમ શાંતિ મળતી નથી.
જે પુરુષ સંપૂર્ણ કામનાઓનો ત્યાગ કરીને મમતા રહિત, અહંકાર રહિત અને નિઃસ્પૃહ થઈને વર્તે તેને જ શાંતિ મળે છે. હે અર્જુન ! આ બ્રહ્મભાવને પામેલા પુરુષની સ્થિતિ છે. આવો યોગી કદી મોહિત થતો નથી અને અંતકાળમાં પણ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિર રહેલો તે બ્રહ્માનંદને પ્રાપ્ત કરે છે.
ઉપરની તમામ વાતો ઉચ્ચતમ જીવન માટે છે. સાંસારિક ઇચ્છાઓ પૂરી ન થાય તો બુદ્ધિ કઇ રીતે ભ્રષ્ટ થાય છે એ સરસ રીતે સમજાવ્યું છે. આપણી ઇચ્છાઓ પૂરી ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધની ભયંકર અસર તો આપણે સૌ અનુભવીએ છીએ. કોઈક આપણા પર ગમે તે કારણે ગુસ્સે થાય તો આપણને કેટલું બધું અપમાન લાગે છે ? આપણી ભૂલ થઈ હોય તો પણ એનો એકરાર કરવાની આપણામાં હિંમત હોતી નથી. ભૂલ સુધારવાને બદલે, આપણા પર ગુસ્સે થનાર સામે કઈ રીતે બદલો લેવો ? એ વિચાર જ સતત મનમાં ઘોળાયા કરે છે. આ આપણું અધઃપતન જ છે. કદાચ આપણે નિર્દોષ હોઈએ તો આપણી માનહાનિ માટે દુઃખ થાય, પરંતુ સામી વ્યક્તિને સાચી વાત કહેવાની આપણામાં હિંમત હોતી નથી અને પછી મનમાં મૂંઝાયા કરીએ છીએ.
એક બહુ સરસ વાત યાદ રાખવા જેવી છેઃ ગુસ્સે થઈને મનમાં ને મનમાં કોઈનું અહિત વિચારવાથી, કોઈનું અહિત થતું નથી. ક્રોધ કે ગુસ્સો આપણને જ બાળે છે. ક્રોધથી થતું હાઈ બ્લડ પ્રેસર, તાણ, ચિંતા, એસિડિટી એ બધાં આપણાં જ સર્જન છે. સામાન્ય મારામારી કે અસામાન્ય ખૂનની ઘટના એ બેકાબૂ ક્રોધનું જ પરિણામ છે. ક્રોધને કારણે રોગ થાય તો હોસ્પિટલના આંટાફેરા કેટલા બધા ખર્ચાળ છે એ સમજાવવાની જરૂર નથી. એવી જ રીતે ક્રોધને કારણે કોઈ ખૂનકેસમાં ફસાઈ ગયા પછી પોલીસ સ્ટેશન અને અદાલતના આંટાફેરા કેટલા બધા ખર્ચાળ, સમયની બરબાદી અને માનસિક ત્રાસમાં વધારો કરે છે એ બધું સમજાવવાની જરૂર નથી.
ગીતાજી વાંચીએ અને વિચારીએ તો એ બધું નિવારી શકીએ. ઈચ્છાઓ તજવાનું, ક્રોધ છોડવાનું અને સુખ દુઃખને સમાન ગણવાનું કહીને શ્રીકૃષ્ણ ભગવાને માનવ જાતનું કેટલું બધું કલ્યાણ કર્યું છે ! એક નાનકડી વાત આટલી ઉપયોગી છે તો સમગ્ર ગીતાજીનું આચરણ કેટલું ઉપયોગી હશે ?

૧૦. ઇચ્છાઓ

શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં અર્જુનને ‘‘સ્થિતપ્રજ્ઞ’’ વિષે સમજાવતાં ઇચ્છાઓને અશાંતિના કારણરૂપ ગણાવી તેને તજવા પર ભાર મૂક્યો છે.
‘‘પ્રજહાતિ યદા કામાન્ સર્વાન્ પાર્થ ! મનોગતાન્,
આત્મનિ એવ આત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞઃ તદ્ ઉચ્યતે.’’ (ગીતા ૨ - ૫૫)
‘‘જ્યારે માનવી, મનમાંથી ઊઠતી સર્વ ઇચ્છાઓને તજીને પોતે પોતાનામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.’’ સ્થિતપ્રજ્ઞ એટલે સ્થિર બુદ્ધિવાળો માણસ. ઇચ્છાઓ તજે તો બુદ્ધિ સ્થિર થાય. ઇચ્છાઓ ન તજે તો બુદ્ધિ સ્થિર ન થાય. માનવીનું મન સદાય ભટકતું રહે. એને શાંતિ ન મળે.’’
ઇચ્છા, કામના, વાસના, અપેક્ષા એ બધા પર્યાય શબ્દો છે અને તે મનમાંથી ઊઠતા તરંગો છે. કોઈ ઇચ્છા જાગી, આપણે એ પૂરી કરી એટલે વાત પતી ગઈ એવું નથી. એક ઇચ્છા પૂરી થઈ ન થઈ ત્યાં બીજી ઇચ્છા જાગે. એ સતત ઊઠતા તરંગો છે અને આપણે એ વમળમાં ફસાયેલા રહીને સમગ્ર જીવન પૂરું કરી નાખીએ છીએ. આટલું પૂરતું નથી. એ વિષચક્રની અસર ગીતાજીના બીજા અધ્યાયમાં શ્લોક નં. ૬૨ અને ૬૩માં બહુ સરસ વર્ણવી છે.
વિષયોનું સતત ચિંતન કરવાથી કામના જન્મે છે, કામના સંતોષાય નહિ તો ક્રોધ જન્મે છે, ક્રોધથી સંમોહ જન્મે છે એટલે કે સારાસારનું ભાન રહેતું નથી, પરિણામે સ્મૃતિ ભ્રષ્ટ થાય છે, તેનાથી બુદ્ધિનો નાશ થાય છે, છેવટે સર્વનાશ થાય છે. ક્રોધથી બુદ્ધિનો નાશ થવાથી માનવી અશાંત બને છે, તેને શાંતિ મળતી નથી, એને સુખ ક્યાંથી મળે ? આપણો અનુભવ વિચારીએ તો આપણે વાત વાતમાં ગુસ્સે થઈ જઈએ છીએ, આપણી ઇચ્છા વિરુદ્ધનું કંઈ પણ બને તો આપણો અહમ્ ઘવાય છે અને અશાંત બની જઈએ છીએ.
ક્રોધની ભયાનક અસરો આપણે સૌ અનુભવીએ છીએ તો પણ ક્રોધ છોડતા નથી. ક્રોધ વખતે બોલવાનું ભાન ન રહેતાં, પરિવાર કે સ્વજનોમાં ક્લેશ થાય છે, સંબંધો બગડે છે, ક્યારેક મારામારી, ખૂન કે આત્મહત્યા જેવી ગંભીર ઘટનાઓ પણ બને છે. ક્રોધ માત્ર બીજાને નુકસાન કરે છે એવું નથી, એ આપણને પણ ભયાનક નુકસાન કરે છે. હાઈ બ્લડ પ્રેસર, હૃદયરોગ જેવા ગંભીર રોગ પણ એનું પરિણામ છે. આ બધી મુશ્કેલીઓનું મૂળ કારણ ઇચ્છાઓ છે એવું ક્યારેય આપણે વિચાર્યું છે ? જો ગીતાજી વાંચીએ અને સમજીએ તો કદાચ ભયાનક રોગમાંથી ઊગરી જઈએ.
જીવનનિર્વાહ માટે ધન કમાવું જરૂરી છે એટલે ધન મેળવવાની ઇચ્છા સ્વાભાવિક છે. જીવનનિર્વાહ પૂરતું ધન મળી રહે તો એટલાથી સંતોષ નથી થતો, પણ વૈભવની ઇચ્છા જાગે છે. ઘરમાં ટીવી, ફ્રિજ વગેરે હોવાં જ જોઈએ એમ લાગે છે. પ્રામાણિકપણે કમાઈને એટલું ધન મળી રહેતું હોય તો વૈભવ વધારવામાં કશું ખોટું નથી, પણ એટલું ધન ન મળતું હોય તો પણ વૈભવ વધારવાની ઇચ્છા માનવીને લાંચ લેવા પ્રેરે છે. આમ નાનકડી વાત પતન તરફ લઈ જાય છે. લાંચ લેવાનું શરૂ કર્યા પછી જો કોઈ લાંચ ન આપે તો તેનું કામ કરવાનું મન થતું નથી આમ કામચોરી શરૂ થાય છે. છેવટે પૂરતો પગાર મળવા છતાં કામ કરવાની વૃત્તિ ઘટતી જાય છે. વધુ ને વધુ મફત મેળવવું અને કામ ન કરવું એવી વૃત્તિ વધતી જાય છે. આપણે સમાજને ખૂબ નુકસાન કરીએ છીએ એ કોઈ વિચારતું નથી.
વૈભવની ઇચ્છાઓનો અંત નથી. ટીવી, ફ્રિજ એ તો નાનકડી શરૂઆત છે. ધીમે ધીમે સાઇકલને બદલે સ્કૂટર, મોટર, નાના મકાનને બદલે મોટો ફ્લેટ, બંગલો, કીમતી ફર્નિચર, પ્રવાસ, વિદેશપ્રવાસ એમ અનેકવિધ ઇચ્છાઓ જાગે છે. આ બધી ઇચ્છાઓ સંતોષવા પોતાની આવક ઓછી પડે તો લગ્નપ્રસંગે અને ત્યાર બાદ પણ પત્નીના પિયર પાસેથી દહેજના નામે રકમ માગવાનું શરૂ થાય છે. હકીકતમાં તો બીજા પાસે કાંઈ પણ માગવા માટે હાથ લાંબો કરવો એ પોતાની નબળાઈ પ્રગટ કરવા જેવું છે. પોતાને હાથે પોતાનું ગૌરવ હણવા જેવું છે, પણ ભિખારી વૃત્તિવાળા માણસને કોઈ શરમસંકોચ નડતાં નથી. ઊલટું માગણી પ્રમાણે દહેજ ન મળે તો લગ્ન પહેલાં વેવિશાળ તોડી નાખવાની ધમકી અપાય છે અને લગ્ન થઈ ગયાં હોય તો પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ થાય છે. છેવટે કાં તો કન્યા કંટાળીને આપઘાત કરે કે પતિ, સાસુ, સસરા, દિયર, નણંદ બધાં મળીને કન્યાને જીવતી સળગાવી મૂકે.
આ કોઈ કાલ્પનિક વાત નથી. અખબારોમાં અનેક વખત લાંચ માગતા અધિકારીઓ, ધન માટે વેચાતા રાજકારણીઓ, દહેજની પ્રથાને કારણે થતા આપઘાત કે ખૂનના બનાવો વિષે આપણે વાંચીએ જ છીએ. સમાજનું અધઃપતન આપણે સૌ ખુલ્લી આંખે જોયા કરીએ છીએ. કોરી ચર્ચા કરવાથી એક પણ દૂષણ ઘટવાનું નથી. આપણે સુધરશું તો જ સમાજ સુધરશે.
કોઈની આવક ખરેખર બહુ ઓછી હોય, પરિવારનું પોષણ ન થઈ શકતું હોય, એ ન છૂટકે થોડી લાંચ લે તો ક્ષમ્ય છે, પણ બધાને માટે એ ક્ષમ્ય નથી. ‘‘રામાયણ’’ એ હિન્દુ ધર્મનો આદર્શ ગ્રંથ છે, એના રચયિતા શ્રીવાલ્મીકિ ઋષિ, પૂર્વાશ્રમમાં પરિવારના ભરણપોષણ માટે લૂંટફાટ કરતા હતા. જો આદર્શ ગ્રંથના લખનારને લૂંટફાટ કરવાની છૂટ હોય તો આપણને કેમ નહિ ? એવી દલીલ કરી ન શકાય.
પરિવારના ભરણપોષણ ઉપરાંત મોજશોખ માટે પૂરતું ધન હોય એવા મોટા રાજકારણીઓ અને ઉચ્ચ હોદ્દા પર હોય એવા અધિકારીઓ પણ લાંચ લેતા હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. આવા ધનલોભી, ગૌરવહીન, પામર અને મનથી ગરીબ માણસો સદાય ગરીબ જ રહે છે. ગરીબ ભિખારી રસ્તા પર બેસીને ભીખ માગે છે જ્યારે આવા માણસો એરકન્ડિશન્ડ રૂમમાં સરસ ખુરશી પર બેસીને ભીખ માગે છે. સત્તાના જોરે કોઈ પાસેથી ધન પડાવવું, એ લૂંટફાટ જ છે. અન્ય લૂંટારા છરી, ચાકુ કે બંદૂક લઈને લૂંટફાટ કરે છે, અધિકારીઓ સત્તાને કારણે લાંચ માગીને લૂંટ કરે છે. બંને લૂંટ સરખી જ છે.
ઘણા લોકો એવી દલીલ કરે છે કે સમાજના મોટા ભાગના લોકો લાંચ લે છે તો હું લઉં એમાં શું ખોટું છે ? ઘણા માણસો શ્વશુર પક્ષ પાસેથી દહેજરૂપે મોટી રકમ પડાવે છે તો હું થોડીક રકમ માગું એમાં શો વાંધો ? સ્વમાનની ખુમારી કે ગૌરવ વિનાના માણસો જ આવું વિચારી શકે. આપણને ગૌરવથી જીવતાં જ કોઈએ શીખવ્યું નથી એટલે જ કરકસરથી જીવવું કોઈને ગમતું નથી. ‘‘સિંહ ભૂખ્યો હોય તો પણ ઘાસ ખાતો નથી’’ એ વાત આપણે શીખ્યા જ નથી.
કોઈ કહેશે કે આશા ઇચ્છા વિનાનું જીવન તો ભારરૂપ થઈ જાય. સંતોષને નામે આખી જિંદગી ગરીબ જ રહેવું ? શું વૈભવ માણવાનો સૌને અધિકાર નથી ? ના, એવું બિલકુલ જરૂરી નથી કે આખી જિંદગી ગરીબ રહેવું તેમ જ વૈભવ માણવાનો પણ સૌને અધિકાર છે. તેને માટે જરૂર છે વધુ ને વધુ પરિશ્રમ કરવાની. પોતાના પુરુષાર્થના બળે શ્રીમંત બનવામાં કે વૈભવ માણવામાં કશું ખોટું નથી. મહેનત કરીને આનંદથી લાડુ ખાવા જોઈએ, પણ આજે શાકરોટલો મળે તો મોઢું ન બગાડાય. લાડુ કે શાકરોટલો જે મળે તે આનંદથી ખાવાં જોઈએ. એ જ સાચું જીવન છે. આપણે લાડુ ખાવા માટે કોઈનો રોટલો ઝૂંટવી લેવાની કે કોઈના રોટલામાંથી કટકો પડાવી લેવાની વૃત્તિ એ પશુથી પણ બદતર છે.
પરિશ્રમ કર્યા વિના જ મફત ધન મેળવવાની ઇચ્છામાંથી જ લાંચરુશવત, જુગાર, ભ્રષ્ટાચાર, દહેજ વગેરે દૂષણો જન્મે છે, તેવી જ રીતે કામચોરી, છેતરપિંડી, લૂંટફાટ, ગુંડાગીરી વગેરે પણ મહેનત કર્યા વિના ધન મેળવવાની ઇચ્છાનાં જ પરિણામ છે. આટલું પૂરતું નથી. બીજા દેશનો પ્રદેશ પચાવી પાડવાની ઇચ્છામાંથી જ ઘૂસણખોરી, સરહદી અથડામણ, યુદ્ધ જેવાં અતિ ભયાનક પરિણામો જન્મે છે. યુદ્ધને કારણે અનેક યુવાનો અકાળે શહીદ થાય છે, સ્ત્રીઓ વિધવા થાય છે, બાળકો અનાથ બને છે, અનેક પરિવાર નિરાધાર થઈ જાય છે. દેશની આર્થિક હાલત બદતર થાય છે. મોંઘવારી માઝા મૂકે છે. ઇચ્છા શબ્દ નાનો છે, એની ભયાનકતા બહુ મોટી છે.

૧૧. કર્મયોગ

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં ત્રણ યોગ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. અધ્યાય ત્રણ, ચાર અને પાંચમાં કર્મયોગ વિષે વિસ્તારથી સમજાવ્યું છે. ત્રણે અધ્યાયનાં નામ ‘‘કર્મયોગ’’, ‘‘કર્મબ્રહ્માર્પણયોગ’’ અને ‘‘કર્મસંન્યાસયોગ’’ છે. ત્રણે નામ બહુ સરળ અને સૂચક છે. દરેક શુભ કે અશુભ કર્મ સાથે ફળ તો જોડાયેલું છે જ. એટલે અર્જુને પૂછ્યું: ‘‘તમે ફળની આશા રાખ્યા વગર કર્મ કરવાનું કહો છો તો જો ફળ મેળવવાનું જ ન હોય તો પછી કર્મ જ શું કામ કરવું ?’’
ત્યારે પરમાત્માએ જવાબ આપ્યો કે કર્મ કરવું એ કુદરતી છે. માનવી ઇચ્છે કે ન ઇચ્છે તો પણ કર્મ કર્યા વગર રહી જ ન શકે. તેનો સ્વભાવ તેને કર્મ કરવાની ફરજ પાડે. પરિણામે કર્મફળ તો ભોગવવું જ પડે. આ ‘‘કર્મયોગ’’ છે. કદાચ કોઈ સંસાર તજે તો પણ કર્મ ન તજી શકે. સંન્યાસીને પણ કર્મ તો જાણેઅજાણે કરવાં જ પડે છે. સંન્યાસ લીધા પછી પણ માનવી કર્મથી દૂર જઈ શકતો નથી. પરિણામે કર્મમાંથી ઉદ્ભવતી અશાંતિ તો સંન્યાસીને પણ પરેશાન કરે છે.
પરંતુ જો માનવી કશી જ આશા રાખ્યા વિના ફક્ત પોતાની ફરજ રૂપે કર્મ કરે અને તે કર્મ પરમાત્માને અર્પણ કરે તો તેને કર્મ બંધન કરતું નથી. ગીતાજીમાં આ જ વાત શ્રીકૃષ્ણ ભગવાને જુદા જુદા અધ્યાયમાં વારંવાર દોહરાવી છે. લાભ, ગેરલાભ, યશ, અપયશ, સફળતા, નિષ્ફળતા, જય, પરાજય, સુખ, દુઃખ એ બધાં જ કર્મફળ છે. તેની અપેક્ષા વિનાનું કર્મ એ જ શ્રેષ્ઠ કર્મ છે. જો કર્મફળ પરમાત્માને અર્પણ કરી દઈએ તો પછી ચિંતા કરવાનું કોઈ કારણ જ રહેતું નથી.
જો આપણે આપણું જીવન પ્રભુચરણે ધરી દઈએ તો જીવનને વળગેલાં કોઈ પણ દ્વંદ્વ આપણને અસર જ ન કરે. સાદીસીધી વાત છે. આપણું જીવન જ આપણું ન હોય તો તેની સાથે સંકળાયેલી વસ્તુઓની આપણને અસર ક્યાંથી થાય ? મૃત્યુ પહેલાં જીવનમુક્ત થઈ શકીએ. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં માનવી સ્થિર રહી શકે. આવી સ્થિર બુદ્ધિવાળા માનવીને ‘‘સ્થિતપ્રજ્ઞ’’ કહ્યો છે અને આવી સ્થિર બુદ્ધિવાળા માનવીને પરમ શાંતિનો અનુભવ થાય છે. આ જ ‘‘ર્ક્મબ્રહ્માર્પણયોગ’’ છે.
કર્મ ન કરવાં એને કર્મ સંન્યાસ કહી શકાય. જ્યારે માનવી સંસાર તજે છે, ત્યારે તેણે સંન્યાસ લીધો એમ આપણે કહીએ છીએ. આમ સંસારનાં કર્મ તજે તેને કર્મસંન્યાસ કહે છે, પરંતુ પરમાત્મા કહે છે કે કર્મસંન્યાસ નહીં પણ ‘‘કર્મફળસંન્યાસ’’ શ્રેષ્ઠ છે.
એક મિત્રે બહુ સરસ વાત કરી કે કોઈ સારા માણસને કેદની સજા થઈ હોય તો તે છૂટવાની કોશિશ કરે અને ફરીથી જેલમાં જવું ન પડે તેવી કાળજી રાખે. જીવનમરણનાં ચક્કરમાંથી છૂટવા ઇચ્છતા મહાનુભાવોને આ વાત લાગુ પડે છે. તેમને માટે ‘‘કર્મબ્રહ્માર્પણ યોગ’’ અથવા ‘‘કર્મફળ સંન્યાસ યોગ’’ બહુ ઉત્તમ છે. આ બંને નામ અલગ અલગ છે, પરંતુ અર્થ એક જ છે.
જેને આપણે રીઢા ગુનેગાર તરીકે ઓળખતા હોઈએ, એવા જે બદમાશ જ છે, જેને એક પછી એક સજા થતી જ રહે, છતાં કાંઈ અસર ન થતી હોય, તેને તો કદાચ જેલ બદલાય તેનું બહુ દુઃખ ન હોય. એક જેલમાંથી છૂટે ત્યાં બીજી જેલમાં જવાનું થાય. એને માટે સાબરમતી જેલ હોય કે તિહાર જેલ હોય કાંઈ ફરક પડતો નથી. આપણે આ કક્ષાના છીએ.તેથી જન્મમરણનાં ચક્કર ચાલ્યા જ કરે છે. આપણે સુધરવાની કોશિશ જ કરવા માગતા નથી. પછી જેલમાંથી છૂટવાની કોઈ શક્યતા જ રહેતી નથી. શરીર બદલાયા કરે છે. આત્માની મુક્તિ થતી નથી.
જીવનમુક્ત સંતનું અવસાન થાય ત્યારે લોકો કહે કે ‘‘એ તો દેવ થઈ ગયા.’’ જે પ્રભુચરણે ગયા તેનો શોક શા માટે કરવો ? સામાન્ય માનવી મરી જાય તો લોકો કહે કે ‘‘એ તો પાછા થયા.’’ જેની મુક્તિની શક્યતા જ નથી, એવા વારંવાર જીવનમરણમાં અટવાયા કરતા માનવી માટે શોક કરવા જેવું ખરું. એના મૃત્યુ માટે શોક નહીં, કેમ કે એ તો અનિવાર્ય છે, પણ માનવ જીવન મળ્યા છતાં તેણે છૂટવાનો પ્રયત્ન પણ ન કર્યો, એ શોકની વાત ગણાય. કદાચ એટલે જ આત્મા શરીર બદલ્યા કરે છે અને પોતે કરેલાં શુભ અશુભ કર્મનાં ફળ ભોગવ્યા કરે છે. આવા માનવીને અશાંતિની ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યજીએ આપણને મૂઢ કહીને ટકોર કરી છે કેઃ
‘‘પુનરપિ જનનં, પુનરપિ મરણં, પુનરપિ જનની જઠરે શયનં,
ભજ ગોવિંદમ્, ભજ ગોવિંદમ્, ગોવિંદમ્ ભજ મૂઢમતે !’’
ગીતાજીનો ઉપદેશ ગહન છે. કાંઈક આપણને ન સમજાય તેવું બને, પરંતુ કોઈ મહાત્મા કે ગીતાજીના ઊંડા અભ્યાસી પાસેથી તેનો અર્થ જાણવા મળે, ત્યારે ખૂબ આનંદ થાય. પૂજ્ય શ્રી રવિશંકરદાદાનાં પ્રવચનો આધારિત ‘‘ગીતા બોધવાણી’’ ગ્રંથ આ બંને દ્રષ્ટિએ ઉત્તમ છે કેમ કે દાદા સંત અને ગીતાજીના ઊંડા અભ્યાસી હતા.
શ્રીકૃષ્ણ ભગવાને અધ્યાય ચોથામાં કહ્યું છેઃ યજ્ઞના ચાર પ્રકાર છે અને દરેક માનવીએ ગમે તે એક યજ્ઞ કરવો જોઈએ. આ ચાર પ્રકાર એટલેઃ (૧) કર્મયજ્ઞ (૨)તપયજ્ઞ (૩) યોગયજ્ઞ (૪) જ્ઞાનયજ્ઞ. આ ચારેમાં જ્ઞાનયજ્ઞ સૌથી શ્રેષ્ઠ છે. સામાન્ય રીતે યજ્ઞ એટલે અગ્નિમાં ઘી તથા અન્ય વસ્તુઓ હોમવી તેમ આપણે માનીએ છીએ, પરંતુ ઉપરોક્ત ચારેય યજ્ઞ કંઈક જુદા છે.
(૧) કર્મયજ્ઞ - એટલે કર્મ અગ્નિમાં ઇચ્છાઓ હોમવી. કોઈ પણ કર્મ, ઇચ્છાઓ તજીને કરવાં. કોઈનું અહિત ન થાય તે ખ્યાલ રાખીને, પોતાના કલ્યાણ માટે નહીં પણ સમાજના કલ્યાણ માટે કર્મ કરવાં. બધું પ્રભુને અર્પણ કરીને, પ્રભુને પામવાની કોશિશ કરવી.
(૨) તપયજ્ઞ - એટલે તપ અગ્નિમાં શરીરનાં કષ્ટ હોમવાં. શરીરની વધુ પડતી આળપંપાળ તજીને તપ કરવું. વહેલા ઊઠી, ઠંડા પાણીથી સ્નાન કરીં આળસ તજવી, ઉપવાસ કરીને ભૂખ તેમ જ સ્વાદ ઉપર અંકુશ મૂકવો, મૌન પાળીને વાણી ઉપર અંકુશ મૂકવો. ટાઢ, તડકો, વરસાદ બધું સહન કરીને શરીરને સુદ્રઢ બનાવવું અને વિકારો પર વિજય મેળવવો. એ રીતે પ્રભુને પામવાની કોશિશ કરવી.
(૩) યોગયજ્ઞ - એટલે યોગ અગ્નિમાં મનને હોમવું. મનના વિચારો અને વિકારો પર કાબૂ મેળવવા પ્રયત્ન કરવો. પરમાત્માના ધ્યાનમાં લીન થઈને મનને વશ કરવું. પ્રાણાયમ, યોગ વગેરે દ્વારા, શ્વાસોછ્વાસ પર કાબૂ મેળવી, મનની અતિ ચંચળતા રોકીને પ્રભુને પામવાની કોશિશ કરવી.
(૪)જ્ઞાનયજ્ઞ - એટલે જ્ઞાન અગ્નિમાં અજ્ઞાન હોમવું. પરમાત્મા બધે વ્યાપેલા છે, જે કાંઈ દેખાય છે એ બધું જ પ્રભુમય છે તેમ સમજવું. કર્મ કરવા છતાં અકર્તા બનીને એટલે કે પ્રભુને આત્મસમર્પણ કરીને અહંકાર તજવો. આ સૌથી શ્રેષ્ઠ માર્ગે ચાલીને સૌનું હિત થાય એવી રીતે જીવવું. એ રીતે પ્રભુને પામવાની કોશિશ કરવી.
આમ ચારેય યજ્ઞનું અંતિમ ધ્યેય તો પ્રભુને પામવાનું જ હોવું જોઈએ.
દહેરાદૂન - મસુરી પાસે ભારતના મહાન સંન્યાસી સ્વામી શ્રી રામતીર્થજીનો આશ્રમ છે. તેમને કોઈએ પૂછ્યું: ‘‘આપ યજ્ઞમાં માનો છો કે નહીં ?’’ તેમણે જવાબ આપ્યોઃ ‘‘હું યજ્ઞમાં ચોક્કસ માનું છું, પણ મારી અને તમારી યજ્ઞની વ્યાખ્યામાં થોડોક ફેર છે. તમે અગ્નિમાં ઘી તથા અન્ય વસ્તુઓ હોમવાની ક્રિયાને યજ્ઞ માનો છો. હું, ભૂખ્યા માનવીના જઠરાગ્નિમાં ઘી હોમવાની ક્રિયાને યજ્ઞ માનું છું.’’ ભૂખ્યા માનવીને અન્ન આપવું એ સૌથી શ્રેષ્ઠ દાન છે, સાચો યજ્ઞ છે એમ તો શ્રીકૃષ્ણ ભગવાને પોતે જ કહ્યું છે.
આ વાત સમજાઈ જાય તો ગીતાજી ગોખવાની જરૂર નથી.

 

૧૨. અવતાર

શ્રીકૃષ્ણ ભગવાન પોતે ક્યારે અને શા માટે અવતાર ધારણ કરે છે ? એ બાબત ગીતાજીના અધ્યાય ચોથામાં શ્લોક નં. સાત અને આઠ દ્વારા વર્ણવેલ છેઃ
‘‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત !
અભ્યુત્થાનમ્ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ , (ગીતા 4 - 7)
પરિત્રાણાય સાધુનામ્, વિનાશાય ચ દુષ્કૃતામ્,
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે .’’ (ગીતા 4 - 8)
આમ તો આ શ્લોક સરળ છે છતાં ‘‘મણિકાંત કાવ્યમાળા’’ નામના પુસ્તકમાં શ્રી મણિકાંત નામના સજ્જને વધુ સરળ અનુવાદ કર્યો છે.
‘‘જગતમાં ધર્મની પડતી, અધર્મે થાય છે જ્યારે,
નિરાકારી છતાં ભારત !, લઉં અવતાર હું ત્યારે.’’
આ તો ખૂબ સરળ વાત થઈ. જગતમાં, ધર્મ ઘટે અને અધર્મ વધે ત્યારે ધર્મની સંસ્થાપના માટે પરમાત્મા અવતાર ધારણ કરે છે. સજ્જનોનું રક્ષણ કરવા અને દુર્જનોનો વિનાશ કરવા પરમાત્મા યુગે યુગે અવતાર ધારણ કરે છે, પરંતુ આ સરળ વાત સમજવા માટે ધર્મ અને અધર્મ વચ્ચેનો તફાવત આપણે પહેલા સમજવો જોઈએ.
ધર્મ એટલે ટીલાં, ટપકાં કરનારાને ધાર્મિક કહેવા ? પૂજાપાઠ કર્યા કરે, કીર્તનભજન કરે, પણ અન્ય માનવીઓ પર થતા અત્યાચાર, અન્યાય પ્રત્યે આંખ મીંચામણાં કરે તેને ધાર્મિક માનવા ? કે પોતે માની લીધેલો ધર્મ જ સાચો છે, એ ખ્યાલથી હાથમાં તલવાર કે છરો લઈને ફરે અને બીજા ધર્મમાં માનનારનું ખૂન કરી, પોતે જ સાચો ધાર્મિક છે એવું માને તેને ધાર્મિક માનવા ? ધર્મને નામે, જીવતા માણસોને સળગાવી દેતાં પણ ખચકાય નહીં એવા નરાધમોને ધાર્મિક માનવા ? આ બહુ શાંતિથી વિચારવા જેવી બાબત છે. શું આવા કહેવાતા ધાર્મિક લોકોની રક્ષા કરવા ભગવાન અવતાર ધારણ કરતા હશે ?
મંદિર કે મસ્જિદમાં નિયમિત જવું, પૂજા, પાઠ, જપ, તપ, પ્રાર્થના, બંદગી, તીર્થયાત્રા, હજ વગેરે કરવાં એ બધું સારું છે, જીવનને ઉન્નત બનાવવા માટે એ બધાંનું મહત્વ છે, તેમ છતાં સમજ્યા વિના ફક્ત યંત્રવત્ એ બધું કરવાનો કોઈ અર્થ નથી. ગુજરાતના જાણીતા શ્રી અખા ભગતે તો આવી બધી ક્રિયાઓ ઉપર સાચા અર્થમાં ચાબખા માર્યા છે.
‘‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
બીજો મૂરખ ભેગો થયો, પથ્થર મૂર્તિ તોડી રહ્યો,
તીરથ ફરતાં ત્રેપન ગયાં, જપમાળાનાં નાકાં ગયાં,
ફરી ફરીને થાક્યાં ચરણ, તોયે ન પહોંચ્યો હરિને શરણ.’’
આ જ વાત પરમાત્માના પરમ ભક્ત શ્રી નરસિંહ મહેતાએ ખૂબ સરસ રીતે સમજાવી છે :
‘‘શું થયું તપ, તીરથ, વ્રત કીધા થકી, શું થયું ગંગજળ પાન કીધે ?
શું થયું છાપાં ને તીલક કીધા થકી, શું થયું માળા ગ્રહી નામ લીધે ?’’
આ શબ્દો કોઈ સામાન્ય માનવીના નથી. પરમાત્માને ચરણે સંપૂર્ણ આત્મ સમર્પણ કરનાર અને પરમાત્માનાં દર્શન પામનાર પરમ ભક્તના છે. જીવનની પ્રત્યેક વિષમ પરિસ્થિતિને હસતે મોઢે સ્વીકારીને સ્થિતપ્રજ્ઞ રહેનાર એ પરમ સજ્જન માનવી પણ બાહ્ય ધર્મને મહત્વ નથી આપતા. પ્રાણી માત્રમાં પરમાત્મા છે, એવાં ગીતાનાં વાક્યો ગોખવાં અને જીવતા માનવીઓને અછૂત ગણવા એને ધર્મ ન કહેવાય. હરિજનોને અછૂત ગણવા અને એ રીતે માનવી માનવી વચ્ચે ભેદભાવ રાખવો એ યોગ્ય નથી, એમ પોતાના આચરણથી સમાજને સમજાવ્યું. ધર્મની વાતો નહીં, પણ ધર્મનું આચરણ મહત્વનું છે. આને સાચો ધર્મ કહેવાય.
મહારાષ્ટ્રના પરમ સંત એકનાથજી કાશીની યાત્રાએ ગયા ત્યાંથી ગંગાજળની કાવડ ભરી લાવ્યા. ભગવાન શ્રી રામેશ્વર મહાદેવને ગંગાજળનો અભિષેક કરવાની ઇચ્છા હતી, પણ રસ્તામાં એક ગધેડાને પાણી વિના તરસથી તરફડતો જોયો. બધું ગંગાજળ ગધેડાને પાઈને એમણે પ્રભુની પૂજા કર્યાનો સંતોષ માન્યો. પ્રાણી માત્રમાં પરમાત્મા છે એવા જ્ઞાનના શબ્દો ગોખવાને બદલે ગધેડાને પાણી પાઈને એમણે જ્ઞાનનું આચરણ કર્યું. જ્ઞાનની વાતો નહીં, પણ જ્ઞાનનું આચરણ મહત્વનું છે. આને સાચું જ્ઞાન કહેવાય.
પોતે સુખી થવાને બદલે બીજાને સુખી કરવાનો પ્રયત્ન કરવો એ સાચો ધર્મ છે, અને બીજાને ભોગે પોતે સુખી થવાની કોશિશ કરવી તે અધર્મ છે.
રોજ મંદિરે પ્રભુનાં દર્શન કરવા જવું એ સારી વાત છે, પણ ભૂખથી પીડાતા માનવીને થોડુંક અન્ન આપવું, ટાઢથી ધ્રૂજતા માનવીને રાહત થાય એવા કાંઈક પ્રયત્ન કરવા એ સાચો ધર્મ છે. પોતે સુખી થવું એ ખરાબ નથી, પોતાના પરિવારને સુખી કરવા કોશિશ કરવી તે અયોગ્ય નથી, પણ પોતાના સુખ માટે બીજાનું અહિત થાય તો વાંધો નહીં, એવી વિચારસરણી તદ્દન અયોગ્ય છે. એ અધર્મ છે. સ્વકલ્યાણ નહીં પણ સૌના કલ્યાણની ભાવના એટલે કે સાચા "માનવ ધર્મ"ની સંસ્થાપના કરવા પ્રભુ અવતાર લે છે.
આપણા સમાજમાં એવી કેટલીએ ગરીબ બહેનો હશે જેમને લાજ ઢાંકવા પૂરતાં વસ્ત્રો નથી હોતાં. શ્રી ઇંદુલાલ ગાંધી નામના સજ્જને, ‘‘ભાદરમાં ધુએ લુગડાં ભાણી’’ નામના તેમના કાવ્યમાં બહુ વેદના ભરી પંક્તિઓ લખી છેઃ
‘‘વસ્તર વિનાની ઇસ્તરી જાતને સારુ, પડી જતી નથી કેમ મોલાતુ,
ઊભાં ઊભાં કરે ઝાડવાં વાતુ.....’’
ભલે આ કાલ્પનિક કાવ્ય હોય, પણ સમાજમાં આવી ગરીબ બહેનો છે એ કડવી વાસ્તવિકતા સ્વીકારવી રહી. આવું જ એક દ્રશ્ય જોઈને - ગાંધીજીએ બહુ મર્યાદિત વસ્ત્રો પહેરવાનો નિર્ણય લીધો. અને સ્વામી દયાનંદ સરસ્વતીજીએ તપ છોડીને રાજા મહારાજાઓને ગરીબ પ્રજાની સુખાકારી માટે પ્રયત્ન કરવા અનુરોધ કર્યો. - ભ્રષ્ટાચારને કારણે મોંઘવારી વધતી જાય છે અને ગરીબ પ્રજા તેનો સૌથી વધુ ભોગ બને છે. શું આવી બહેનો માટે આપણે કાંઈ કરી ન શકીએ ? પરમાત્મા અવતાર લે ત્યાં સુધી રાહ જોયા કરશું ? કદાચ આપણે એમ પણ વિચારીએ કે આમાં આપણો શો દોષ ? પણ જે કંઈ ભ્રષ્ટાચાર થાય છે તેમાં આપણો થોડોક હિસ્સો તો હોય જ છે. આપણી જાત આપણે થોડીક સુધારીએ તો ? ભગવાનને અવતાર ધારણ કરવો ન પડે.
અમુક વર્ગ વધુ ને વધુ શ્રીમંત બને અને બીજાને જીવનમાં સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો એ અસમતુલા ક્યારેક ગંભીર પરિણામો સર્જી શકે. પ્રધાનોના કરોડો રૂપિયાનાં કૌભાંડો સાવ સામાન્ય બની ગયાં છે, સમાચારપત્રોમાં આવા ગંધાતા સમાચાર દરરોજ છપાય છે. લોકશાહીમાં પ્રજાના કહેવાતા સેવકો, રાજા કરતાં વધુ ઠાઠમાઠ ભોગવે છે.
મહાત્મા ગાંધીજી જેવી સાદાઈ કોઈને ખપતી નથી, શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી જેવી પ્રમાણિકતા દંતકથા બની ગઈ છે. આ મહાનુભાવોના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે પોતે સુધરવાની જરૂર છે. ભ્રષ્ટાચારની ટીકા કરવાથી એ દૂર નહીં થાય, આપણે પોતે ભ્રષ્ટાચારથી દૂર રહેશું તો ધીમે ધીમે એ ઘટશે. આપણાં બાળકોને સાદાઈથી જીવતાં શીખવીએ, બીજાને ભોગે સુખી થવાની ઇચ્છા તજીએ તો સમાજમાં સુગંધ પ્રસરશે.
આપણે થોડાક પણ સુધરવા માગતા હોઈએ તો સાચા દિલથી, પ્રભુને પ્રાર્થના કરીએ કે ‘‘આપને જગતમાં તો જ્યારે અવતાર ધારણ કરવો હોય ત્યારે કરજો, પણ હે પરમાત્મા ! મારા હૃદયમાં તો વિના વિલંબે અવતાર ધારણ કરો. આપ શ્રીકૃષ્ણ રૂપે અંધકારમાં જન્મ્યા હતા અને પછી જગતમાં અદભુત પ્રકાશ ફેલાવ્યો હતો. મારા હૃદયમાં પણ ઘોર અંધકાર છવાયેલો છે, આપના જન્મ માટે સુયોગ્ય વાતાવરણ છે. મને ઘોર અંધકારમાંથી દિવ્ય પ્રકાશ તરફ લઈ જાવ. પ્રભુ ! મારું મૃત્યુ સુધરી જાય. તમારા વિના હું અધૂરો છું. પ્રભુ ! અંધકારમાં અથડાતા મને તમારા સહારાની બહુ જરૂર છે. હે તેજપુંજ ! મારા હૃદયમાં અવતાર ધારણ કરો.’’

૧૩. જ્ઞાનયોગ

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં જ્ઞાનને ખૂબ મહ્ત્વ આપ્યું છે. અધ્યાય ચોથો ‘કર્મબ્રહ્માર્પણયોગ’ વિષે અર્જુનને સમજાવતાં શ્લોક નં. ૩૭માં કહ્યું: ‘‘હે અર્જુન ! જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળીને સંપૂર્ણ ભસ્મ કરે છે તેમ જ્ઞાનરૂપ અગ્નિ કર્મોનાં બધાં બંધનોને બાળીને ભસ્મ કરે છે. કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કંઈ નથી.’’
‘‘ન હિ જ્ઞાનેન સદ્દશં પવિત્રમ્ ઇહ વિદ્યતે .’’ (ગીતા ૪ - ૩૮)
જેને આપણે સામાન્ય જ્ઞાન કહીએ છીએ તે ભાષા, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ વગેરેનો જ વિચાર કરીએ તો પણ જ્ઞાન કેટલું બધું વિશાળ છે તે સમજી શકાય તેમ છે. કોલેજમાં એડમિશન મેળવવાની વાત થાય ત્યારે વળી મેડિકલ, એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રોનીક્સ, કોમર્સ, લો, વગેરે જ્ઞાનની ક્ષિતિજ વિસ્તરતી દેખાય. તેમાં પણ પાર વિનાની જુદી જુદી શાખાઓનો વિચાર કરતાં જ્ઞાન કેટલું બધું વિશાળ છે તે કલ્પનાતીત છે. આપણે આખી જિંદગી કોઈ એકાદ શાખાના અભ્યાસમાં જ વિતાવી દઈએ તો પણ જીવન ટૂંકું લાગે. સંપૂર્ણ નિષ્ણાત બન્યાનો દાવો તો થઈ જ ન શકે. સાત સમંદર પાર કરી શકાય પણ જ્ઞાનનો પાર પામી ન શકાય.
ઉપરની વાત તો સામાન્ય જ્ઞાનની થઈ, પણ અદભુત તત્ત્વજ્ઞાનની વાત કરીએ તો અત્યંત વિસ્મયકારક આ દુનિયા કોણે બનાવી હશે ? એ ક્યાં રહેતા હશે ? એ કેવા હશે ? એ શું કરતા હશે ? આ બધા પ્રશ્નોનો જવાબ ગીતાજીમાં છે. ‘‘જ્ઞાન વિજ્ઞાન યોગ’’ નામના સાતમા અધ્યાયમાં શ્લોક નં.ચારમાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છેઃ
‘‘ભૂમિઃ, આપઃ, અનલઃ, વાયુઃ, ખં, મનઃ, બુદ્ધિઃ, એવ ચ,
અહંકાર ઇતીયં મે ભિન્ના પ્રકૃતિઃ અષ્ટધા.’’ (ગીતા ૭ - ૪ )
‘‘પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારે મારી પ્રકૃતિ વહેંચાયેલી છે.’’ આ મારી અપરા પ્રકૃતિ છે. એ જડ છે. બીજી મારી જીવરૂપ ચેતન પ્રકૃતિને જાણ. જેના વડે આ સંપૂર્ણ જગતને ધારણ કરાય છે. સર્વ પ્રાણીઓ આ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયાં છે. આ સમગ્ર જગતનો ઉત્પાદક અને સંહારક હું છું. હે ધનંજય ! મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ નથી. જેમ દોરામાં મણકા પરોવાયેલા છે તેમ આ સંપૂર્ણ જગત મારામાં પરોવાયેલું છે.’’
‘‘હે કૌંતેય ! જળમાં રસ હું છું. ચંદ્ર અને સૂર્યમાં પ્રકાશ હું છું. બધા વેદોમાં પ્રણવ (ૐકાર) હું છું. આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ હું છું. વળી પૃથ્વીમાં પવિત્ર સુગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ પણ હું છું. હે પાર્થ ! સર્વ જીવોનું મૂળ અને સનાતન બીજ મને જાણ. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું.
હે ભરતશ્રેષ્ઠ ! બળવાનોનું કામનાથી રહિત બળ હું છું અને પ્રાણી માત્રમાં રહેલો, ધર્મ અનુકૂળ કામ પણ હું છું. જે સાત્વિક, રાજસ અને તામસ ભાવો છે તેઓ મારાથી ઊપજેલા છે એમ તું જાણ. પરંતુ વાસ્તવમાં તેઓમાં હું નથી અને તેઓ મારામાં નથી. આ આખું જગત ત્રણ ગુણોવાળા ભાવોથી મોહિત છે માટે તેઓથી પર મને અવિનાશીને તત્ત્વથી કોઈ જાણતું નથી. મારી આ ત્રિગુણાત્મક માયા અત્યંત દુસ્તર છે, જેઓ મારે શરણે આવે છે તેઓ આ માયાને તરી જાય છે.’’
‘‘હે ભરતશ્રેષ્ઠ અર્જુન ! દુઃખી, જિજ્ઞાસુ, ધનની ઇચ્છાવાળો અને જ્ઞાની એમ ચાર પ્રકારના મનુષ્યો મને ભજે છે. તેઓમાં સદા મારામય, અનન્ય ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે. જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને મને તે અત્યંત પ્રિય છે.’’
ગીતાજીના સાતમા અધ્યાયના ૧૯મા શ્લોકમાં કહ્યું છેઃ
‘‘બહુનામ્ જન્મનામ્ અંતે જ્ઞાનવાન્ મામ્ પ્રપદ્યતે,
વાસુદેવઃ સર્વમ્ ઇતિ સ મહાત્મા સુદુર્લભઃ.’’ (ગીતા 7 - 19)
‘‘ઘણા જન્મોને અંતે, આ બધું વાસુદેવમય છે, એવું જ્ઞાન પામેલો જ્ઞાની મને ભજે છે. આવા મહાત્મા અતિ દુર્લભ છે.’’
ઉપરની તમામ વાતો ઉત્તમ જ્ઞાની કોને કહેવાય તે દર્શાવે છે. ખુદ પરમાત્માએ આવા મહાત્માને અતિ દુર્લભ કહેલા છે. પ્રભુએ શ્રીમંત માણસ કે સત્તાધારી માણસનાં વખાણ નથી કર્યાં, પણ જ્ઞાનીનાં વખાણ કર્યાં છે.
જેને આપણે પોપટિયું કે પુસ્તકિયું જ્ઞાન કહીએ છીએ તે મહત્વનું નથી. શાસ્ત્રપુરાણોના જાણકાર કે જ્ઞાનનાં અનેક પુસ્તકો વાંચનાર કોઈ માનવીને જ્ઞાની ન કહી શકાય. પોતે જ્ઞાની છે એવું માનનારો અહંકારી માણસ જ્ઞાની હોઈ ન શકે. એ તો ખૂબ નમ્ર જ હોય. પરમ સંત જ્ઞાનેશ્વર જેમણે ૧૨ વર્ષની નાની ઉંમરે ગીતાજી ઉપર ભાષ્ય લખ્યું તેઓ ગજબ નમ્ર હતા. તેમણે બહુ સરસ કહ્યું ‘‘ગીતાજીનો અર્થ આમ છે, એમ હું ન કહી શકું કેમ કે ગીતાજીનું જ્ઞાન તો બહુ ગહન છે. ફક્ત હું આમ સમજ્યો છું એમ કહી શકું.’’ એક પરમ જ્ઞાની, મહાન સંત જો ગીતાજીના ગહન જ્ઞાન વિષે આમ કહેતા હોય તો આપણા જેવા સામાન્ય માનવીની તો વાત જ શી કરવી ? આપણી હાલત ગુજરાતના જાણીતા શ્રી અખા ભગતે બહુ સરસ રીતે વર્ણવી છેઃ
‘‘ઊંડો કૂવો ને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.’’
કૂવો ખૂબ ઊંડો હોય અને પાણી કાઢવા માટેની ડોલમાં મોટું કાણું હોય તો શી હાલત થાય ? કૂવાને તળિયેથી ડોલ ઊપર જમીન સુધી આવે ત્યાં પાછી ખાલી થઈ ગઈ હોય. ગહન જ્ઞાનનાં પુસ્તકો વાંચીએ, કોઈ સંત પાસેથી જ્ઞાનની વાતો સાંભળીએ, પરંતુ આચરણમાં ન મૂકીએ એટલે આપણી ડોલ તો ખાલી ને ખાલી જ રહે. સંત તુલસીદાસે પણ બહુ સરસ કહ્યું :
‘‘કામ, ક્રોધ, મદ, લોભ કી, જબ લગ મન મેં ખાન,
ક્યા પંડિત, ક્યા મૂરખા, દોનો એક સમાન.’’
જો આપણા મનની ડોલમાં, કામ, ક્રોધ, અભિમાન અને ધનલોભનાં મોટાં મોટાં કાણાં હોય તો જ્ઞાન ન ટકે. એ કાણાં દૂર કરવાનો શક્ય એટલો પ્રયત્ન કરીએ તો જ જ્ઞાન મળી શકે. ગીતાજીનું ગહન જ્ઞાન આપણે સમજી ન શકીએ તો પણ બને તેટલો સ્વાર્થ ઓછો કરીએ, નિષ્કામ બનવા પ્રયત્ન કરીએ. પરમાત્મા બધામાં છે એટલું સમજીને સૌને થઈ શકાય તેટલા ઉપયોગી થઈએ. આપણું જીવન પરમાત્માને ચરણે ધરીએ. ધર્મનો સાચો અર્થ બીજાને મદદરૂપ થવું એટલો જ છે.
એટલી ટૂંકી વાત બરાબર સમજાઈ જાય તો બીજાને હેરાન કરવાની વૃત્તિ જ ન રહે. બીજા ધર્મમાં માનનાર માનવીઓને જીવતાં સળગાવવાની તથા બહેનોની ઇજ્જત લૂંટવાની હલકી મનોવૃત્તિ ન રહે. ધર્મનો સાચો અર્થ ન સમજનાર લોકોએ ખોટા ઝનૂનને કારણે દુનિયાને નરક બનાવી દીધી છે. આવા હીન બનાવોને રાજકારણને નામે સમર્થન મળતું હોય છે કે છાવરવાના પ્રયત્નો થતા હોય છે, એ આપણી કમનસીબી છે. આવા હીન બનાવો અટકાવવા ઝડપી ન્યાય હોવો જરૂરી છે.
જ્ઞાન મેળવવા ફાંફાં મારવાની જરૂર નથી. જ્ઞાનયોગનો સાચો અર્થ સમજવા મહેનત કરીએ. બીજાના દોષ જોવાને બદલે આપણામાં રહેલા દોષ ઓછા કરવા શક્ય તેટલી કોશિશ કરીએ તો પરમાત્મા જરૂર પ્રસન્ન થાય. જીવનની મોટામાં મોટી સિદ્ધિ એ જ છે ને !

૧૪. ધ્યાન

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ વિષે અર્જુનને સમજાવ્યું ત્યારે અર્જુને કહ્યું :
‘‘ચંચલં હિ મનઃ કૃષ્ણ ! પ્રમાથિ બલવદ્ દ્રઢમ્,
તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ્.’’ (ગીતા 6 - 34)
‘‘અસંશયં મહાબાહો ! મનો દુર્નિગ્રહં ચલમ્,
અભ્યાસેન તુ કૌન્તેય ! વૈરાગ્યેણ ચ ગૃહ્યતે .’’ (ગીતા 6 - 35)
‘‘હે શ્રીકૃષ્ણ ! મન ચંચળ, વિહ્વળ કરનાર, બળવાન અને દ્રઢ છે. તેને વશ કરવાનું હું અતિ દુષ્કર માનું છું.’’ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ‘‘હે મહાબાહો ! ખરેખર મન ચંચળ અને વશ કરવું અતિ કઠિન છે તો પણ હે કૌંતેય ! અભ્યાસ અને વૈરાગ્ય વડે તે અવશ્ય વશ કરાય છે.’’
મનને વશ કરવાની શી જરૂર ? જો એ જરૂરી હોય તો મનને વશ કરવાનો અભ્યાસ એટલે શું? ગીતાજીમાં તો એ અભ્યાસને બહુ મહત્વ આપ્યું છે, પરંતુ આપણો અનુભવ શું કહે છે ?
ઇચ્છાઓ મનના સતત સંકલ્પ વિકલ્પનું પરિણામ છે. ઇચ્છાઓમાંથી જ અશાંતિ જન્મે છે. જો મનને વશ કરીએ તો ઇચ્છાઓનું પ્રમાણ ધીમે ધીમે ઘટે, બુદ્ધિ સ્થિર થાય અને પરમ શાંતિનો અનુભવ કરી શકાય.
આખા દિવસની સતત પ્રવૃત્તિને લીધે શરીર થાકે છે એ આપણો અનુભવ છે. એ જ રીતે સતત વિચારોને લીધે મગજ પણ થાકે છે. કુદરતે દિવસ અને રાત્રી બનાવ્યાં છે. દિવસ પ્રવૃત્તિ માટે છે, રાત્રી આરામ માટે છે. રાત્રે સૂઈ જવાથી શરીર અને મગજ બંનેને આરામ મળે, પણ જેનું મન શાંત ન હોય તેને રાત્રે નીંદર આવતી નથી, નીંદર ન આવે તો શી તકલીફ પડે એ જાતે અનુભવવા જેવું છે. વળી નીંદર આવે તો પણ સ્વપ્નાઓ આવે, જેથી પૂરો આરામ ન મળે. સ્વપ્નાઓ સતત વિચારોનું પરિણામ છે. સ્વપ્ન વિનાની નીંદરથી કેટલો બધો આરામ મળે એ તો દરેક વ્યક્તિએ પોતે જ અનુભવવાનું છે. આમ મન શાંત થાય તો શરીર અને મગજને ગજબ શાંતિ મળે અને બીજે દિવસ સ્ફૂર્તિ અને તાજગી અનુભવી શકાય.
જુદાં જુદાં કારણે થતું આર્થિક નુકસાન ઘણા લોકોનું બ્લડ પ્રેસર વધારી મૂકે છે, ક્યારેક મોટું નુકસાન હૃદયરોગ તરફ દોરી જાય છે, હાર્ટ ફેઇલ થતાં મૃત્યુ પણ થાય છે. ક્યારેક દહેજની રકમ ન આપી શકે તો દીકરીનાં લગ્નનું શું થશે એ ચિંતા માબાપને સતત સતાવે છે. જુદી જુદી અનેક ચિંતા ગંભીર બીમારી નોતરે છે. મુશ્કેલીઓને કારણે ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ ચિંતા એ ઉકેલ નથી. કહેવાય છે કે ‘‘ચિતા મૃતદેહને બાળે છે, પણ ચિંતા જીવંત માનવીને બાળે છે.’’ ચિંતાથી ક્યારેય પ્રશ્નો ઉકલતા નથી. શાંત મન રાખીને ઉકેલ શોધવો પડે. આમ મનની શાંતિ બહુ જરૂરી છે.
અખબારો તથા અન્ય સામાયિકોમાં પ્રગટ થતી અશ્લીલ તસવીરો તેમ જ અશ્લીલ વાર્તાઓ વગેરે મન પર બહુ જ ખરાબ અસર કરે છે. ફિલ્મો, ટીવી વગેરેમાં રજૂ થતાં અનેક દ્રશ્યો તથા દ્વિઅર્થી સંવાદો કામવાસના જન્માવે તેવાં હોય છે. આ બધું ધીમું ઝેર છે, તેની તાત્કાલિક અસર દેખાતી નથી. આવા ગંધાતા વાતાવરણમાં જીવવાથી ધીમે ધીમે માનવીનું મન ગંધાય છે, સમાજમાં દુર્ગંધ ફેલાય છે, પણ વ્યક્તિ સ્વાતંત્ર્યને નામે આવું બધું ફેલાતું રહે છે. આપણે દુર્ગંધથી એવા ટેવાઈ ગયા છીએ કે આપણને દુર્ગંધ લાગતી જ નથી.
અશાંતિને જન્મ આપનાર ઇચ્છાઓ તથા અન્ય અનેક પરિબળોના ઉદભવ સ્થાન એવા મન પર કાબૂ મેળવવો બહુ કઠિન છે એ તો શ્રીકૃષ્ણ ભગવાને પણ સ્વીકારેલી હકીકત છે, પરંતુ અભ્યાસથી મનને વશ કરી શકાય છે એ સત્ય પણ તેમણે જ આપણને સમજાવ્યું છે. એ અભ્યાસ એટલે જ ધ્યાન. શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં છઠ્ઠા અધ્યાયમાં શ્લોક નં. ૧૦ થી ૧૫માં ધ્યાન કેમ કરવું એ વિષે બહુ સરસ રીતે સમજાવ્યું છે. એકાંતમાં, પવિત્ર સ્થાનમાં, નીચે દર્ભ અને તેની ઉપર મૃગચર્મ કે વસ્ત્રાસન પાથરીને બેસવું. મનને એકાગ્ર કરી, ચિત્ત અને ઈંદ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો જોઈએ. ધીમે ધીમે મન પ્રભુમય થતાં મનની શાંતિ અનુભવી શકાય.
કોઈ મહાત્માનું માર્ગદર્શન ખૂબ ઉપયોગી થાય. એક સજ્જને એક મહાત્માને વાત કરી કે, ‘‘ધ્યાનથી મનની શાંતિ મળે એમ આપ કહો છો, પરંતુ મારા અનુભવ પ્રમાણે ધ્યાનમાં બેસતાં અત્યંત ખરાબ વિચારો આવે છે. સામાન્ય સંજોગોમાં તેવું બનતું નથી. મારા મનના આવા વિચારોને કારણે હું અત્યંત ત્રાસી જાઉં છું. મને ધ્યાનમાંથી ઊઠી જવાનું વધુ યોગ્ય લાગે છે. તો મારે શું કરવું ?’’
મહાત્માએ બહુ શાંતિથી જવાબ આપ્યો: ‘‘તમારું મન ગંદું છે, તેમાંથી બહુ ખરાબ વિચારો બહાર આવે છે, તેની દુર્ગંધથી તમે અકળાઈ જાઓ છો એમ તમારો પોતાનો અનુભવ કહે છે. એટલે તમારા મનને ધોવાની બહુ જરૂર છે એ વાત તમે સ્વીકારો છો. ધ્યાન મનને ધોવાની, સ્વચ્છ અને નિર્મળ કરવાની પ્રક્રિયા જ છે, એટલે ધ્યાનમાંથી ઊઠી જવાય નહિ. ઊલટું વધુ ને વધુ ધ્યાન કરવાની જરૂર છે.’’
તમે કોઈ ગંદું કપડું ધોવા બેસો ત્યારે સાબુ લગાડી પાણી રેડતાં પહેલાં મેલનો કદડો બહાર નીકળશે. કપડું વધુ પડતું ગંદું હશે તો એ કદડામાંથી વાસ આવશે. એ વાસથી અકળાઈને કપડું ધોવાનું છોડી દો તો કપડું ક્યારેય ચોખ્ખું નહિ થાય. તેને બદલે ફરીથી સાબુ લગાડી ધૂઓ. ફરીથી મેલ નીકળશે. બસ, જ્યાં સુધી મેલ નીકળ્યા કરે ત્યાં સુધી સાબુ લગાડતા રહો અને કપડાંને ધોયા કરો. એક સમય એવો આવશે કે બધો મેલ નીકળી જવાથી કપડું તદ્દન સ્વચ્છ થઈ જશે. પછી દુર્ગંધ નહિ આવે. એક વાત ખાસ યાદ રાખવાની છે કે એક વાર કપડું ઊજળું કરી નાખીએ એટલે ફરીથી મેલું નહિ થાય એવું નથી. ઊજળું કર્યા પછી પણ વાતતાવરણની અસરથી એ ફરીથી મલિન થઈ જશે એટલા માટે વારંવાર ધોતા રહેવું બહુ જરૂરી છે.
આપણને બાહ્ય ચોખ્ખાઈ ગમતી હોય તો અંદરની ચોખ્ખાઈ પણ રાખવી જોઈએ. આપણું મન ગંદું હોય એ કેમ ચાલે ? એને નિર્મળ કરવું જ જોઈએ. કોઈનું અહિત કરવાની ઇચ્છા જ ન થાય, કોઈને છેતરવાનું આપણને ન ગમે, કોઈ પ્રત્યે દ્વેષ ન રહે, એવું નિર્મળ મન હોય તો કેટલો બધો આનંદ થાય, પરમ શાંતિ મળે, એ તો સ્વાનુભવથી જ સમજાય. ખુદ શ્રીકૃષ્ણ ભગવાને પોતે જ કહ્યું છે કે ધ્યાનથી પરમ શાંતિ મળે છે. પોતાની જાતને ભૂલીને પ્રભુમય થવાની કોશિશ એ જ ધ્યાન.
દરરોજ વહેલી સવારે તેમ જ રાત્રે જ્યારે વાતાવરણ ખૂબ શાંત હોય ત્યારે પવિત્ર સ્થળે ધ્યાન કરવા બેસવું. મનના તરંગો અવિરત ચાલુ રહે છે એને રોકવાની કોશિશ ન કરવી. નહીંતર મન વધુ ઉશ્કેરાઈને બળવો કરશે. એ વધુ ચંચળ બનશે. શાંત રહીને મનના તરંગો જોયા કરો. મન ધીમે ધીમે શાંત થતું જશે, વિચારો ઘટતા જશે, તમે પોતે એ અનુભવી શકશો. ઊંડા શ્વાસ લેવાથી મનના તરંગો ઝડપથી ઘટશે, મન જેમ વધુ ને વધુ વિચારવિહીન બનતું જશે તેમ તેમ શાંતિ વધતી જશે.
અલબત્ત, બહુ ટૂંકા ગાળામાં એવો કોઈ ચમત્કાર નહિ થાય, પણ જેમ ધ્યાનની ટેવ પડશે, ધ્યાનનો સમય ધીમે ધીમે વધતો જશે, તેમ એક બે વર્ષ (ક્યારેક તેથી વધુ સમય બાદ) પછી ધ્યાનમાં બેસતાં જ મનની શાંતિ અનુભવાશે, ખરાબ વિચારો પરેશાન નહિ કરે, વિચારવિહીન દશા એ અદભુત અનુભવ છે, મનની શાંતિ વધતાં આનંદ વધશે. એ આનંદ જ ધીમે ધીમે પરમ આનંદ તરફ લઈ જશે. ધ્યાન વખતે તમારા ઇષ્ટદેવની છબી તમારી નજર સામે રાખી, તમને ગમતા ઇષ્ટ મંત્રનું કે ‘‘’’નું રટણ ધીમે ધીમે કરો તો તે મન શાંત કરવામાં ઉપયોગી થશે. પરમાત્માની અનન્ય કૃપાથી જ મન શાંત થતાં પ્રભુની કૃપા અનુભવી શકાશે. ધ્યાનની મદદથી સંતો, પ્રભુનો સાક્ષાત્કાર કરી શકે છે એ હકીકત છે. આપણી મર્યાદાઓને કારણે પ્રભુનાં દર્શન ન કરી શકીએ તો પણ પ્રભુને આપણે જરૂર વિનવી શકીએ કેઃ
‘‘ઉસ વક્ત જલ્દી આના, નહીં શ્યામ ! ભૂલ જાના,
રાધે કો સાથ લાના, જબ પ્રાણ તનસે નીકલે.’’

૧૫. પૂજન

 

શ્રીકૃષ્ણ ભગવાન અથવા અન્ય કોઈ પણ ઇષ્ટદેવનું દરરોજ વિધિવત્ પૂજન કરવું જોઈએ કે કેમ ? પૂજા કરવાનો હેતુ શો ? આપણી પૂજા પ્રભુ સ્વીકારે છે કે કેમ ? એ વિચારવું જરૂરી છે. સૃષ્ટિના સંચાલક પરમેશ્વરે આ દુનિયાનું સર્જન કર્યું છે. એક વિદ્વાન ભક્તકવિએ, આપણા જન્મ પહેલાં અને પછી ભગવાને આપણી કેટલી બધી કાળજી લીધી છે તે બાબત વિચારવા આપણને કહ્યું છેઃ
‘‘જતન કર્યું જઠરામાં જેણે, તારો દેહ ઘડ્યો છે એણે,
એણે કામ કર્યું છે અતિ ઉપકારનું રે,
પ્રસવ થયા પહેલાં પય કીધું, માતાના સ્તનમાં રચી દીધું,
એણે કામ જ સીધ્યું તારા આહારનું રે,
કાયા છે ત્યાં સુધી કર સ્મરણ કિરતારનું રે.’’
અનેક નાસ્તિક લોકો ઈશ્વરના અસ્તિત્વને જ માનતા નથી, પણ કોઈક અકળ તત્ત્વે માતાના જઠરમાં આપણું રક્ષણ કર્યું છે, જન્મ પછી બીજો કોઈ ખોરાક લઈ શકાય તેમ ન હોય ત્યારે માતાનાં સ્તનમાં અમૃત સમાન દૂધની રચના કરી, આ હકીકતનો કોઈથી ઇન્કાર થઈ શકે નહિ. કોઈક અકળ તત્ત્વે આપણા શરીરની રચના કરી, જે કેટલી બધી અદભુત છે ! આંખ, નાક, કાન, જીભ, હાથ, પગ દરેકની રચના જ અદભુત છે એમ નહીં, પણ ઉંમરના વધારા સાથે તેનો સપ્રમાણ વિકાસ પણ આશ્ચર્યકારક છે. કોઈક અકળ તત્ત્વે આપણા જીવન માટે અત્યંત જરૂરી એવાં હવા, પાણી, વનસ્પતિની વિપુલ પ્રમાણમાં વ્યવસ્થા કરી છે એ વાતનો કોઈથી ઇન્કાર થઈ શકે તેમ નથી.
બીજી અનેક આશ્ચર્યકારક વાતોનું રહસ્ય આપણે જાણતા નથી.
  1. ગુલાબ, મોગરો, જૂઈ કેવડો વગેરે ફૂલોની સુકોમળ પાંખડીઓમાં અલગ અલગ અપ્રતિમ સુગંધ કોણે ભરી ? જમીનની માટીમાંથી તો એવી સુગંધ નથી આવતી.
  2. કેરી, નારંગી, નારિયેળ, વગેરે ફળોમાં અદભુત વિવિધ સ્વાદભર્યો સુમધુર રસ કોણે બનાવ્યો ?
  3. મોરનાં પીંછાંમાં બેનમૂન મનોહર રંગો કોણે પૂર્યા ?
  4. કોયલના સૂરમાં આટલી બધી મીઠાશ કોણે મૂકી?
  5. નાનકડા ટેટામાંથી વિશાળ વડલો કેવી રીતે બની શકે ? એ કરામત કોણે કરી?
  6. કીડી અને હાથીના શરીરની રચના કેવાં સાધનોથી, કોણે કરી હશે ?
  7. નાનકડું અબુધ બાળક, પોતાની માતાને કઈ રીતે ઓળખી શકે છે ? એ જ્ઞાન તેને કોણે આપ્યુ ?
આવા અનેક પ્રશ્નોના ઉત્તર હજી સુધી આપણને જડ્યા નથી. કોઈ વસ્તુનું શૂન્યમાંથી સર્જન આપણે કરી શકતા નથી. જીવન ઉપયોગી દરેકે દરેક વસ્તુ કોઈકે તો બનાવી જ હોય છે. એવી જ રીતે અદ્રશ્ય અને અજાણ કોઈક વિરલ પરમ તત્ત્વે આ સમગ્ર જગતનું અદભુત અને અત્યંત વિસ્મયકારક સર્જન કર્યું છે એ વાત આપણે વિનમ્ર ભાવે સ્વીકારવી જ રહી. સકલ વિશ્વના નિયંતાએ જો હવા અને પાણી ન બનાવ્યાં હોત, સૂર્ય અને અગ્નિ બનાવ્યા ન હોત, વૃક્ષો ન બનાવ્યાં હોત તો આપણું અસ્તિત્વ જ ન હોત.
ગીતાજીના સાતમા અધ્યાયમાં, શ્લોક નં. ચાર, પાંચ અને છમાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કેઃ
‘‘પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ એ મારી અપરા (જડ) પ્રકૃતિ છે અને બીજી મારી પરા (જીવરૂપ) પ્રકૃતિ છે. આ બે પ્રકૃતિથી જ સર્વ જીવો ઊપજેલા છે. આવા જગતનો ઉત્પન્નકર્તા તથા સંહારકર્તા હું છું.’’ ખુદ પરમાત્માએ પોતે આ કહ્યું છે, તેથી સચરાચર જગતના સર્જનહાર કોણ એ વિચારવાની જરૂર નથી. એ સર્જનહારનો આભાર માનવા આપણે પૂજા કરીએ છીએ.
થોડાં વર્ષો પહેલાં રાજકોટમાં ગાયત્રી પરિવાર દ્વારા શતકુંડી યજ્ઞનું આયોજન થયેલું. તે પ્રસંગે હરિદ્વારથી પધારેલા એક સજ્જને બહુ સરસ વાત કરી કે પરમાત્માનું પૂજન કંઈ માગવા માટે કરવું એ યોગ્ય નથી. પરમાત્માએ આપણને ઘણું આપ્યું છે, આપણી યોગ્યતા કરતાં સવિશેષ આપ્યું છે એટલે પરમાત્માનો આભાર માનવા માટે જ પૂજન કરવું જોઈએ.
સામાન્ય અર્થમાં પૂજા કરવી એટલે મંદિર સાફસૂફ કરવું, આપણા ઇષ્ટદેવની મૂર્તિને સ્નાન કરાવવું, ચંદન, અબીલ, ગુલાલ, કંકુ, અક્ષત વગેરે ચઢાવવાં. પ્રભુચરણે સુગંધી પુષ્પો ધરવાં, ભગવાનને નૈવેદ્ય ધરવું, ધૂપ, દીપ કરવાં, આરતી ઉતારવી અને શ્લોક બોલવા. પરમ તત્ત્વને રીઝવવા આપણે આ બધી ક્રિયાઓ કરીએ છીએ.
ગંગામૈયા જેમના મસ્તક પર અભિષેક કરે છે અને મહાસાગરો જેમનાં ચરણો પખાળે છે, એમને બેત્રણ આચમની જેટલા જળથી સ્નાન કરાવવાની વાત કેટલી બધી હાસ્યાસ્પદ છે ! ચંદનનાં વૃક્ષો જેમણે પોતે બનાવ્યાં છે એમને ચંદનનું જરાક ટપકું કરીએ તો એ રીઝશે ખરા? ગુલાબ, મોગરો, બટમોગરો, ડોલર, જૂઈ, ચંપો, કેવડો, જેવાં અદભુત સુગંધી ફૂલોના સર્જનહારને બેપાંચ પુષ્પો ધરી આપણે સંતોષ માનીએ, પણ એ કાંઈક વિચિત્ર નથી લાગતું ?
ગીતાજીમાં શ્રીકૃષ્ણ ભગવાને જ કહ્યું છેઃ ‘‘સૂર્ય, ચંદ્ર તથા અગ્નિમાં રહેલું તેજ હું છું.’’ એ ઝળહળતા દિવ્ય તેજપુંજ પાસે નાનકડી જ્યોત પ્રગટાવીએ અને મંદિરમાં અજવાળું કર્યાનો આનંદ માણીએ. કેરી, ચીકુ, કેળાં વગેરે મધુર સ્વાદિષ્ટ ફળોના સર્જનહારને નાનકડો થાળ ધરી જમાડીએ, પરમ જ્ઞાનીને રીઝવવા, શુદ્ધ સંસ્કૃત ન આવડતું હોય તો પણ ભાંગીતૂટી ભાષામાં શ્લોક બોલીએ અને સૃષ્ટિના સર્જનહારની પૂજા કર્યાનો સંતોષ માણીએ એ કાંઈક વિચિત્ર લાગે એવું તો છે જ. ક્યાં અખિલ જગતના સ્વામી અને ક્યાં આપણે ? આપણું શું છે ? જેનાથી પ્રભુની પૂજા કરીએ. વિનમ્ર ભાવે એટલું કહી શકીએઃ
‘‘બીલીપત્ર કે ફૂલ, પાણી, ન મારાં, શી રીતે પખાળું પ્રભુ ! ચરણ તારાં ?,
નથી કાંઈ મારું, નથી દેહ મારો, સદાશિવ ! હું બાળ નાનો તમારો.’’
પૂજા એ પરમાત્મા પ્રત્યેના અનન્ય પ્રેમને વ્યક્ત કરવાની ક્રિયા છે. દરરોજ સવારે વહેલા ઊઠીને પૂજા કરવી જોઈએ. પૂજા આપણા આનંદ માટે કરવી જોઈએ, અન્ય લોકો આપણને ધાર્મિક માને એવા હેતુથી કરવી નહિ. મંદિર સાફ કરતાં કરતાં આપણું મન વધુ ને વધુ સ્વચ્છ કરવાનું વિચારવું જોઈએ. આપણા હૃદયમાં પ્રભુ બિરાજે એમ ઈચ્છતા હોઈએ તો હૃદય એકદમ નિર્મળ કરવું જ જોઈએ. પ્રભુને ફક્ત ફૂલો જ નહિ પણ આપણું જીવન સમર્પિત કરીએ, આપણા મનનું અંધારું દૂર કરવા માટે દીવો કરીએ. માત્ર પ્રભુની મૂર્તિ પાસે નૈવેદ્ય ધરવા કરતાં, કોઈક ભૂખ્યાંને થોડું અન્ન આપીએ અને અઘરા શ્લોક ન આવડે તો સરળ શબ્દોમાં, સાચા હૃદયથી પ્રભુનો પ્રેમ પામવા માટે પ્રાર્થના કરીએ.
ગીતાજીના અધ્યાય નવમાં, શ્લોક નં. ૨૬માં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છેઃ
‘‘પત્રં પુષ્પં ફલં તોયં, યો મે ભક્ત્યા પ્રયચ્છતિ,
તદહં ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મનઃ’’. (ગીતા ૯ - ૨૬ )
‘‘શુદ્ધ ચિત્તવાળા મનષ્યનું ભક્તિપૂર્વક આપેલું પત્ર, પુષ્પ, ફળ કે જળ હું સ્વીકારું છું.’’ આમ જો આપણે પ્રેમપૂર્વક પૂજા કરીએ તો પરમાત્મા આપણી પૂજા પ્રેમથી સ્વીકારે જ છે. એમાં સંશય નથી.

૧૬. શ્રીકૃષ્ણ ભગવાનનાં અભય વચનો

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં અનેક અભય વચન આપેલાં છે. એ દરેક વચન કોઈ રાજકીય પક્ષ તરફથી અપાતાં પોકળ વચન જેવાં નથી, પરંતુ વિશ્વનિયંતા તરફથી અપાયેલાં નક્કર વચન છે.
‘આત્મસંયમયોગ’ નામના છઠ્ઠા અધ્યાયમાં ૩૭મા શ્લોકમાં અર્જુને બહુ સરસ સવાલ પૂછ્યો કે, ‘‘હે ભગવાન ! જે માનવી યોગમાં શ્રદ્ધાવાળો હોય પણ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય તો એ યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરતાં કઈ ગતિને પામે છે ? યોગભ્રષ્ટ માનવી સિદ્ધિ તો ન મેળવે પણ બ્રહ્મમાર્ગથી પણ વિમુખ થવાથી, વાદળાં જેમ વેરવિખેર થઈને નાશ તો નથી પામતોને ?’’
પરમાત્માએ ગજબ અભય વચન આપતાં કહ્યું :
‘‘ન હિ કલ્યાણકૃત્ કશ્ચિદ્ દુર્ગતિમ્ તાત ! ગચ્છતિ .... ’’ (ગીતા ૬ - ૪૦)
‘‘હે પાર્થ ! શુભ કર્મ કરનાર કોઈ મનુષ્યનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થતો નથી. હે તાત ! શુભ કર્મ કરનારો કોઈ ક્યારેય દુર્ગતિ પામતો નથી.’’ આટલું બધું શ્રેષ્ઠ અભય વચન દુનિયાના કોઈ અન્ય ધર્મગ્રંથમાં નહીં હોય. ‘‘યોગભ્રષ્ટ થયેલો મનુષ્ય, સત્કર્મ કરનારાઓના લોકને પામી, ઘણાં વર્ષો ત્યાં રહી પછી પવિત્ર જનોના કુટુંબમાં, શ્રીમંતોને ઘેર કે બુદ્ધિમાન યોગીઓના કુળમાં જન્મે છે. જગતમાં આવો જન્મ અતિ દુર્લભ છે.
એટલે કે દરેકને આવો જન્મ મળતો નથી. ત્યાં જન્મ થયા પછી, તેણે પૂર્વજન્મમાં કરેલી સાધનાના સંસ્કાર ફરીથી તેનામાં જાગૃત થાય છે. જ્યાંથી સાધના અધૂરી રહી હતી ત્યાંથી આગળ વધી તે પૂર્ણ સિદ્ધિ માટે ફરીથી પ્રયત્ન શરૂ કરે છે. પૂર્વજન્મના અભ્યાસને લીધે તેનું મન યોગ પ્રત્યે ખેંચાય છે અને અનેક જન્મની સાધનાને અંતે તે પરમ ગતિને પામે છે. આવો યોગી તપસ્વી, જ્ઞાની કે અગ્નિહોત્રાદિ કર્મ કરનારાઓથી ચડિયાતો મનાયો છે. માટે હે અર્જુન ! તું યોગી થા.’’
ગીતાજીના આઠમા અધ્યાય ‘અક્ષરબ્રહ્મયોગ’માં પાચમા શ્લોકમાં આવું એક અભય વચન આપ્યું છેઃ ‘‘જે અંતકાળે મારું જ સ્મરણ કરતાં કરતાં દેહ છોડી જાય છે, તે મને પામે છે, તેમાં સંશય નથી.’’
વળી છઠ્ઠા શ્લોકમાં કહ્યું છેઃ ‘‘હે કૌંતેય ! મનુષ્ય અંત કાળે જે જે પદાર્થનું સ્મરણ કરતાં શરીર છોડે છે, તે તેને જ પામે છે કેમકે તે, તે જ ભાવનું ચિંતન કરવાવાળો હોય છે.’’ આપણા દુન્યવી નિયમો પ્રમાણે જેને ફાંસીની સજા અપાય છે તેને મૃત્યુ પહેલાં અંતિમ ઇચ્છા પુછાય છે અને શક્ય હોય ત્યાં સુધી તે પૂરી કરાય છે. આવો જ કોઈ કુદરતી નિયમ છે. મુત્યુ સમયે દરેક માનવીની જે કાંઈ અંતિમ ઇચ્છા હોય તે બીજા જન્મમાં પૂરી કરવામાં આવે છે. એટલે કે મૃત્યુ સમયે ભોગવિલાસની કે ધનની કે પરિવારના મોહની વાસના સાથે જે દેહ છોડે છે, તેને મૃત્યુ પછી તેની ઇચ્છાને અનુરૂપ નવો જન્મ મળે છે.
ફરીથી પૂર્વજન્મ અને નવા જન્મનાં કર્મ અનુસાર, શુભ કે અશુભ ફળ ભોગવવાં પડે છે. આમ જન્મમરણનું ચક્કર ચાલ્યા કરે છે. જો તેમાંથી છૂટવું હોય તો અંતકાળે, તમામ વાસનાઓ તજીને પ્રભુનું સ્મરણ કરતાં કરતાં મૃત્યુ પામવું એ શ્રેષ્ઠ છે. આ રીતે મૃત્યુ પામનારને પ્રભુ મળે છે એમ તો ખુદ ભગવાને પોતે જ કહ્યું છે. જેને મુક્તિ ન જોઈતી હોય, સંસારનાં સુખદુઃખમાં મજા આવતી હોય તેમને પરમાત્મા પરાણે મુક્તિ આપતા નથી. મૃત્યુ સમયે, બીજું બધું છોડીને પરમાત્માને યાદ કરે તેને જ મુક્તિ મળે છે.
આવો દુર્લભ જન્મ મળ્યા પછી જો માનવી, પોતાને મળેલાં ધન અને સત્તાના સદુપયોગ દ્વારા સમાજ કલ્યાણની શુભ ભાવનાથી જીવે તો જીવન સાર્થક ગણાય. પરંતુ અભિમાન કરીને, માત્ર સ્વકલ્યાણની ભાવનાથી જીવે તો નિષ્કામ ભાવનાને અભાવે જન્મમરણનું ચક્કર ચાલતું જ રહે.
નવમા અધ્યાયના શ્લોક નં.૨૨માં પણ એક અનેરું વચન પરમાત્માએ આપેલું છે :
‘‘જેઓ અનન્ય ભાવે મારું જ ચિંતન કરે છે અને નિષ્કામ ભાવથી મને ઉપાસે છે, તેવા મારામાં સ્થિત જનોના યોગ તથા ક્ષેમનો ભાર હું વહન કરું છું. એટલે કે તેમના જીવનનિર્વાહ અને કુશળતાની હું કાળજી રાખું છું.’’ પરમ ભક્ત શ્રી નરસિંહ મહેતા આર્થિક રીતે સધ્ધર ન હતા. તેમ છતાં તેમના જીવન દરમિયાન મુશ્કેલ પ્રસંગો પણ બહુ સરળ રીતે ઉકલી ગયાની વાતો આપણે જાણીએ છીએ. પરમ ભક્ત મીરાંબાઈને તેમના પતિએ જ ઝેર મોકલ્યું પણ એ અમૃત બની ગયાની વાત આપણે જાણીએ છીએ. આ બધા પ્રસંગો આપણને માન્યામાં ન આવે, પરંતુ પ્રભુમય બની જનાર માનવી માટે એ શક્ય છે. એ પરમ શ્રદ્ધાનો વિષય છે, જે કદાચ આપણને ન સમજાય.
આપણા ઘરનો જ દાખલો વિચારીએ તો આ અભયવચનની વાત સમજાઈ જશે. નાનકડું નિર્દોષ બાળક પોતાના ભોજનની, પોતાના રક્ષણની કોઈ ચિંતા કરતું નથી. પોતાના જીવનની તમામ જવાબદારી માને સોંપીને એ આનંદથી રમતું રહે છે. બાળક થોડુંક રડે, એટલે તેને ભૂખ લાગી હશે તેમ વિચારી મા પોતાના વહાલા બાળકને સ્તનપાન કરાવે અથવા બાળકની રુચિ અનુસાર જમાડે, જો બાળક રમતાં રમતાં પડી ગયું હોય તો તેના રક્ષણનો ઉપાય કરે. તેવી જ રીતે પરમાત્મા પોતાના ભક્તના જીવનનિર્વાહની તથા રક્ષણની કાળજી રાખે છે.
પરમાત્મા કેટલા બધા દયાળુ છે એ તો નવમા અધ્યાયના ૩૦મા શ્લોકમાં આપેલું અભય વચન વાંચીએ ત્યારે જ સમજાય.
‘‘જો અતિશય દુરાચારી પણ અનન્ય ભાવથી મારો ભક્ત થઈ મને ભજે તો તેને સાધુ જ ગણવો.’’ આ શ્લોકના તમામ શબ્દોનો અર્થ સમજવા જેવો છે. અતિશય દુરાચારીને છાવરવાની વાત નથી, પરંતુ સુધરવાની તક આપવાની વાત છે. સુધરવાનો દંભી દેખાવ કરીને, ફરીથી દુરાચારી બનવાની છૂટ આપવાની વાત નથી.
ભક્ત થવું એટલે પરમાત્માની ખુશામત કરતા હોઈએ એ રીતે ગુણગાન ગાતા રહેવું એવો નથી. ભજવાનો અર્થ, પ્રભુને ખુશ કરવા, ઝાંઝ, પખાજ કે મંજીરા લઈને આપણા પાડોશી હેરાન પરેશાન થઈ જાય ત્યાં સુધી ભજન કીર્તન કર્યાં કરવાં એવો નથી. સાધુ એટલે પોતાની સામાજિક જવાબદારી તજીને, સંન્યાસી થઈ જવું એવો નથી. ભક્તિ એટલે પ્રભુમય થઈ જવું. અનન્ય પ્રેમથી પ્રભુને રીઝવવાની કોશિશ કરવી. પ્રભુ સૌમાં વ્યાપેલા છે એમ સમજીને સૌ સાથે સારું વર્તન કરવું, સૌને ઉપયોગી થવા શક્ય એટલી કોશિશ કરવી. કોઈનું ઇરાદાપૂર્વક અહિત ન કરવું.
અઢારમા અધ્યાયમાં ૬૬મા શ્લોકમાં એક અદભુત વચન શ્રીકૃષ્ણ ભગવાને આપ્યું છે. અર્જુનને તેમણે કહ્યું: ‘‘સર્વ ધર્મો છોડીને તું એકમાત્ર મારે શરણે આવતો રહે. હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કર.’’ પરમાત્માની આટલી બધી ખાતરી છતાં આપણે તેમને શરણે જતા નથી કેમ કે આપણે આપણા જીવનમાં અટવાયેલા રહીએ છીએ અને અટવાયેલા જ રહેવા માગીએ છીએ. જેમને મુક્તિ ન ગમતી હોય તેમને પરાણે મુક્તિ ન આપી શકાય.
મુક્તિ ગમતી હોય તો મુક્તિની ઝંખનાવાળા મહાનુભાવો જેવી પ્રાર્થના આપણે પણ કરવા જેવી છે. અમદાવાદમાં ગીતામંદિરની સ્થાપના કરનાર શ્રી વિદ્યાનંદજી મહારાજે પરમાત્માને કહ્યું :
‘‘ઇતના તો કરના સ્વામી ! જબ પ્રાણ તનસે નીકલે,
ગોવિંદ નામ લેકર, ફિર પ્રાણ તનસે નીકલે.’’
ભક્તકવિ શ્રી દયારામે પણ ગજબ પ્રાર્થના કરી :
‘‘મુખ, મન, લોચનમાં આવી વસજો શામળિયા ! વહાલા !
દોષ ન જોશો દર્શન દેજો હો નંદલાલા !’’

૧૭. ભક્ત વત્સલ ભગવાન

શ્રીકૃષ્ણ ભગવાનને પામવા એ અત્યંત અઘરું છે અને અત્યંત સહેલું પણ છે. પરસ્પર વિરોધી એવી આ વાત માનવામાં તકલીફ પડે તેવું છે, પરંતુ તે સંપૂર્ણ સત્ય છે. ગીતાજીમાં શ્રીકૃષ્ણ ભગવાને પોતે કહેલું છે કે જ્ઞાનીઓ પણ મને ઓળખી શકતા નથી. વાદવિવાદમાં કુશળ એવા અનેક મહાવિદ્વાનો, જ્ઞાની હોવા છતાં, પરમાત્માને ક્યારેય પામી શકતા નથી. પૂજા, પાઠ અને ધર્મનો ઉપદેશ આપતા અનેક સંતો, મહંતો આખું જીવન વિતાવે ત્યાં સુધી ક્યારેય પ્રભુનાં દર્શન પામતા નથી એમ કેમ બનતું હશે ?
આપણું જીવન દંભથી ભરેલું હોય છે. આપણે સારા દેખાવાનો જેટલો પ્રયત્ન કરીએ છીએ તેટલો સારા થવાનો પ્રયત્ન કરતા નથી. ટીલાં, ટપકાં કરવાં, માળા લેવી, નિત્ય પૂજા કરવી, દરરોજ મંદિરે જવું એ બધી ક્રિયાઓ પાછળ લોકોમાં આપણી છાપ સારા માણસ તરીકેની પાડવાનો એક સભાન પ્રયત્ન હોય છે. એવું બને કે લોકો આપણને ધાર્મિક માને, સમાજમાં એક સારા માણસ તરીકે આપણને માન પણ મળતું હશે, પણ બાહ્ય આડંબરથી પ્રભુ ન મળે.
જ્ઞાનની જેમ એકલા તપથી પણ પ્રભુદર્શન શક્ય નથી. ‘‘ધૃવાખ્યાન’’માં આ વાત બહુ સરસ રીતે સમજાવી છે. અપર માના કઠોર શબ્દોથી સ્વમાન ઘવાતાં ધૃવે દ્રઢ નિર્ધાર કર્યો કે વનમાં જઈ તપ કરી, પ્રભુને પામવાની કોશિશ કરીશ. જો પ્રભુ નહીં મળે તો બળપૂર્વક પ્રાણ તજી દઈશ. તેઓ વનમાં જતા હતા ત્યારે રસ્તામાં દેવર્ષિ નારદ મળ્યા. ધૃવની બધી વાત શાંતિથી સાંભળ્યા પછી નારદમુનિએ કહ્યું :
‘‘બળ કીધે હરિ નહીં મળે, તમે માનોને મારા તન !
જન્મ થકી જોગી દેહ દમે, તેને સ્વપ્ને નહીં દર્શન,
દર્શન તમને કેમ આપશે, વન જઈને વિમાસણ થાશે.’’
પરંતુ ધૃવ પોતાના નિર્ણયમાં અટલ હતા. તેઓ વનમાં ગયા. તીવ્ર ઝંખના સાથે અત્યંત કઠોર તપ કર્યું. છેવટે પરમાત્માએ પ્રસન્ન થઈને તેમને દર્શન આપ્યાં. પ્રભુને પામવાની તીવ્ર ઝંખનાનું શુભ પરિણામ આવ્યું. આમ અશક્ય લાગતી વાત શક્ય બની. એકલું ઉગ્ર તપ નહીં પણ તીવ્ર ઝંખના જરૂરી છે. અનન્ય પ્રેમ વિના પ્રભુ ન મળે.
પ્રભુનાં દર્શન પામનાર સુરદાસજીએ તો બહુ ગજબ વાત કરી :
‘‘અજામિલ, ગીધ, વ્યાધ, ઉન મેં કહો કૌન સાધ,
પંછી કો પદ પઢાત ગણિકા શી તારી.’’
એમનો પ્રશ્ન બહુ વેધક છે. અજામિલ નામનો એક માણસ અત્યંત પાપી હોવા છતાં પ્રભુસ્મરણને કારણે તેનો ઉદ્ધાર થયાની કથા શ્રીમદ્ ભાગવતમાં છે. જટાયૂ નામના ગીધ પક્ષીએ સીતાને ઉપાડી જતા રાવણનો, પોતાના જાનના જોખમે સામનો કરી મૃત્યુ વહોરી લીધું. મૃત્યુ સમયે ભગવાન શ્રીરામે તેને પોતાના ખોળામાં સુવાડી સદગતિ આપ્યાની કથા રામાયણમાં છે. પોપટને પ્રભુ પદ શીખવતાં શીખવતાં પોતે પ્રભુમય થઈ જનાર ગણિકાનો પણ ઉદ્ધાર થઈ ગયો, એવી એક લોકકથા છે.
વ્યાધ એટલે પારધી - શિકારી. પોતાના જીવનનિર્વાહ માટે નિર્દોષ પશુઓની હત્યા કરનારને સાધુ તો કેમ કહેવાય ? પોતાના સમગ્ર યાદવ કુળના વિનાશ પછી શ્રીકૃષ્ણ ભગવાન એક વૃક્ષ નીચે આંખો બંધ કરીને બેઠા હતા ત્યારે અંધકાર જેવા વાતાવરણમાં દૂરથી તેમને હરણ માનીને જરા નામના પારધીએ બાણ માર્યું. કંસ, શિશુપાલ જેવા મહાસમર્થ યોદ્ધાઓને હણનાર, શ્રીકૃષ્ણ ભગવાન માટે જરા પારધીને મારવાનું અશક્ય ન હતું. સુદર્શન ચક્ર તેમની પાસે જ હતું.
તેમ છતાં જરા પારધીએ પાસે આવીને જોતાં હરણને બદલે માનવીને પોતે બાણ માર્યું છે એ વાત સમજાતાં સાચા દિલથી માફી માગી અને પોતાને સજા કરવા કહ્યું, પરંતુ અત્યંત ક્ષમાશીલ એવા શ્રીકૃષ્ણ ભગવાને તેને કહ્યું: ‘‘તું નિષ્પાપ છે, તેં અજાણતાં ભૂલ કરી છે, તારો ઇરાદો મને હણવાનો ન હતો. તારું કલ્યાણ થાઓ.’’ પોતાને હણનાર વ્યાધને કોઈ સજા કરવાને બદલે ક્ષમા આપનાર અને તેનું કલ્યાણ ઇચ્છનાર શ્રીકૃષ્ણ ભગવાનની આ વિરલ ઘટનાનું વર્ણન શ્રીમદ્ ભાગવતમાં છે.
પરમાત્માની ભક્તિ માટે કોઈ આકરી શરતો નથી. જ્ઞાન, ધન, દાન, પુણ્ય, એવું કંઈ જરૂરી નથી. ટીલાં, ટપકાં કરવાં, દરરોજ મંદિરે જવું, ઘેર નિયમિત પૂજા કરવી, ધૂન, ભજન, કીર્તન કર્યાં કરવાં, સંસ્કૃતના અઘરા શ્લોક બોલવા, એવું કાંઈ જ કરવાની જરૂર નથી. એવી જ રીતે આપણી પણ કોઈ શરતો ન હોવી જોઈએ. મને ધન મળશે તો અમુક રકમ દાનમાં વાપરીશ. નોકરી મળશે તો શ્રીફળ ધરીશ. મારી કે મારા સ્વજનની તબિયત સારી થઈ જશે તો યાત્રા કરીશું.
આવી કોઈ જ માનતા માનવાની જરૂર નથી. ભક્તિ એ કોઈ વેપાર નથી. એ ખુશામત પણ નથી. પ્રભુનાં ગુણગાન ગાયા કરવાથી પ્રભુ પ્રસન્ન થતા નથી. ભક્તિ એટલે સંપૂર્ણ પ્રભુમય થઈ જવું. કોઈ અપેક્ષા વિનાનો પ્રેમ, - સંપૂર્ણ આત્મસમર્પણ. મંદિરે જવું, પણ પ્રભુનાં દર્શનથી આનંદ થાય છે માટે જવું. પૂજા કરવી પણ પ્રભુ પાસે બેસવું ગમે છે માટે પૂજા કરવી.
‘‘અપિ ચેત્ સુદુરાચારો ભજતે મામ્ અનન્યભાક્,
સાધુરેવ સ મન્તવ્યઃ સમ્યગ્ વ્યવસિતો હિ સઃ.’’ ( ગીતા ૯ - ૩૦ )
‘‘ક્ષિપ્રં ભવતિ ધર્માત્મા, શશ્વત્ શાંતિમ્ નિગચ્છતિ,
કૌન્તેય ! પ્રતિજાનીહિ, ન મે ભક્તઃ પ્રણશ્યતિ.’’ ( ગીતા ૯ - ૩૧ )
‘‘જો અતિશય દુરાચારી પણ અનન્ય ભાવથી મારો ભક્ત થઈ મને ભજે તો તેને સાધુ જ ગણવો. કારણ કે તે યથાર્થ નિશ્ચયવાળો છે. તે જલદી ધર્માત્મા થાય છે ને શાશ્વત શાંતિ પામે છે. હે કૌંતેય ! તું નિશ્ચય સમજી લે કે મારો ભક્ત નાશ પામતો નથી.’’
પરમાત્માએ દુરાચારી થવાનો પરવાનો આપ્યો નથી, પરંતુ અતિશય દુરાચારી પણ અનન્ય ભાવે પરમાત્માને ભજે તો તેને સાધુ ગણવાનું કહ્યું છે. કોઈ સંજોગોમાં કોઈ વ્યક્તિમાં અનેક અવગુણો હોય તેમ છતાં જો તે સુધરવા માગે તો તેને પણ તક આપવાની વાત છે. પરમાત્માનું શરણ સ્વીકાર્યા પછી તે દુરાચારી રહી જ ન શકે. આપણા સુપ્રસિદ્ધ કવિ શ્રી કલાપીએ બહુ સરસ પંક્તિ લખી છે :
‘‘હા, પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુન્યશાળી બને છે.’’
પરંતુ પાપી કે દુરાચારી કોને ગણવો ? સામાન્ય માનવીની ખાસિયત હોય છે કે સારું કામ થાય તો તે મેં કર્યું છે અને કાંઈ ખોટું થાય તો તે બીજાએ કર્યું છે. સૌને યશ પસંદ છે, કોઈને અપયશ ગમે નહીં. વળી દરેક માનવીને બીજાની નાની નાની ભૂલો, મોટાં ફળ જેવી દેખાય છે અને પોતાની મોટામાં મોટી ભૂલ પણ દેખાતી નથી. પોતાના દોષ જોવાનું અને તે સુધારવાનું કોઈને ગમતું નથી. પરમાત્માને નિખાલસતા ગમે છે. અતિશય દુરાચારીને પણ માફ કરવા તે તૈયાર છે, ફક્ત નિખાલસતાપૂર્વક પોતાના અવગુણો સ્વીકારવાની હિંમત કેળવવી પડે.
સંત કબીરજીએ કહ્યું :
‘‘બુરા દેખન મૈં ગયો, મુઝ સે બુરો ન કોઈ ’’.
સંત સુરદાસજીએ તો ગજબ કહ્યું :
‘‘મો સમ કૌન કુટીલ, ખલ, કામી ?,
જિસને તનુ દીયો, તાહી બીસરાયો, ઐસો નીમકહરામી’’.
અન્યની નિંદા કરવાને બદલે પોતાના દોષ જોઈને સુધારનારા અને પ્રભુને પામવાની તીવ્ર ઝંખનાવાળા આવા મહાનુભાવોને પરમાત્મા મળે છે. જો આ શરત અઘરી લાગે તો પ્રભુને પામવાનું અઘરું છે અને આ શરત સહેલી લાગે તો પ્રભુને પામવાનું સહેલું છે. એટલે જ એ પતિતપાવન શ્રીકૃષ્ણ ભગવાનને ભક્તો સૌથી નિરાળા માને છે.

૧૮. વિભૂતિ યોગ

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ઉપદેશ દરમિયાન અર્જુનને પોતે સર્વવ્યાપક છે, અને સઘળું તેમનામાં સમાયેલું છે એ સમજાવવા ‘વિભૂતિ યોગ’ નામના ગીતાજીના ૧૦મા અધ્યાયમાં પોતાની મુખ્ય મુખ્ય વિભૂતિઓ વિષે કહ્યું ‘‘સર્વના હૃદયમાં રહેલો, સર્વનો આત્મા હું છું. (શ્લોક નં. ૨૦) સૂર્ય, ચંદ્ર અને પવન હું છું. (શ્લોક નં.૨૧) સમુદ્ર હું છું. (શ્લોક નં. ૨૪) હિમાલય હું છું. (શ્લોક નં. ૨૫) પીપળાનું વૃક્ષ હું છું. (શ્લોક નં.૨૬) ગંગા નદી હું છું. (શ્લોક નં. ૩૧) હે અર્જુન! લાંબું જાણવાનું તારે શું કામ છે ? તું એ જાણી લે કે મારા એક અંશ માત્રથી હું આ સમસ્ત જગતને ધારણ કરીને રહેલો છું. (શ્લોક નં. ૪૨)’’
‘‘શિવ મહિમ્ન સ્તોત્ર’’માં એક બહુ સરસ શ્લોક દ્વારા ભગવાન શિવને કહ્યું છે :
‘‘સૂર્ય અને ચંદ્ર આપ છો. પવન અને અગ્નિ આપ છો. જળ આપ છો. આપ આકાશ અને પૃથ્વી છો. આત્મા આપ છો, પરંતુ આમ એક એક વિભૂતિ ગણાવવા જતાં મારી વાણી થાકી જાય એટલે ટૂંકમાં એમ કહી શકું કે જેમાં આપ ન હો એવું કોઈ તત્ત્વ મારી જાણમાં નથી.’’
પરમાત્માના પરમ ભક્ત શ્રી નરસિંહ મહેતાએ એક ભજનમાં પરમાત્માને કહ્યું :
‘‘પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા ! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. ’’
જ્યારે વિજ્ઞાનની શોધખોળ કે ઊંડા અવલોકન દ્વારા સત્યને વધુ ને વધુ જાણવાની શરૂઆત થઈ ન હતી ત્યારે આ બધું લખાયેલું છે. ગીતાજી પાંચેક હજાર વર્ષ જૂનો ગ્રંથ છે. ‘‘શિવ મહિમ્ન સ્તોત્ર’’ ક્યારે લખાયું તે ખબર નથી, પણ વિજ્ઞાનની શોધ પહેલાં લખાયું હશે અને શ્રી નરસિંહ મહેતાને પણ પાંચ સો વર્ષ તો થઈ જ ગયાં જ્યારે વિજ્ઞાનની પ્રગતિ શરૂ થઈ ન હતી. તો આ બધી વાતો સાચી માનવી કે નહીં એ વિચારવું જોઈએ. સામાન્ય રીતે આપણા પૂર્વજોએ કહેલી વાતોને આપણે શ્રદ્ધાથી સ્વીકારી લઈએ પણ એ સત્ય છે કે કેમ ? એ વિજ્ઞાનને આધારે ચકાસવામાં કાંઈ ખોટું નથી. જો એ બધી વાતો સાચી સાબિત થાય તો સ્વાભાવિક રીતે આપણને આનંદ થાય.
સમગ્ર વિશ્વને ઉજાળતા સૂર્યના અદભુત તેજથી કોણ અજાણ હશે ? સૂર્યમાંથી જ જુદે જુદે સમયે જુદા જુદા નવ ગ્રહ છૂટા પડ્યા છે. સૂર્યથી જુદા જુદા અંતરે આ નવ ગ્રહ સૂર્ય ફરતા ફર્યા કરે છે. આપણી પૃથ્વી પણ આ રીતે સૂર્યમાંથી છૂટો પડેલો એક ગ્રહ જ છે એ તો વિજ્ઞાને સાબિત કરેલું છે એટલે સૂર્ય અને પૃથ્વી એક જ છે. માત્ર કદ અને તાપમાન જુદાં છે. આ જ રીતે ચંદ્ર, પૃથ્વીમાંથી છૂટો પડેલો ઉપગ્રહ છે. આમ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ છે એ આપણા વિજ્ઞાને જ સાબિત કરેલું સત્ય છે એટલે તે વાત આપણે માનવી પડે.
સૂર્યમાં રહેલા હિલિયમ વાયુમાંથી હાઇડ્રોજન અને પૃથ્વીની આસપાસના વાતાવરણમાં રહેલા ઓઝોન વાયુમાંથી ઓક્સિજન વાયુના સંયોજનથી પાણી બને છે એ વૈજ્ઞાનિક સત્ય છે. આમ પાણીની ઉત્પત્તિ સૂર્યને આભારી છે. તેથી હિમ, ઝરણાં, નદી, સરોવર, સાગર, મહાસાગર એ બધાં સૂર્યને કારણે છે.
જુદા જુદા સ્થળે સૂર્યનાં કિરણો સીધાં કે ત્રાંસાં પડવાને કારણે જુદાં જુદાં તાપમાન હોય છે. તેથી હવાના દબાણમાં તફાવત સર્જાય છે. તેથી હવામાં ગતિ ઉત્પન્ન થાય છે. જેને આપણે પવન તરીકે અનુભવીએ છીએ. આમ પવનનું ઉદભવસ્થાન પણ સૂર્ય જ છે. સૂર્યની ગરમીને કારણે જ પાણીમાંથી વરાળ બને છે. ઊંચે ચડતાં એમાંથી વાદળાં બંધાય છે. પવન વાદળોને પૃથ્વીના જુદા જુદા ભાગમાં લઈ જાય છે. વરાળ ઠરતાં વરસાદ પડે છે. આ તમામ બાબતો વૈજ્ઞાનિક સત્યો છે.
પૃથ્વીમાંથી જ તમામ પ્રકારની વનસ્પતિ ઊગે છે અને વરસાદને લીધે મળતા પાણીથી જ વૃદ્ધિ પામે છે. પૃથ્વી અને વરસાદના પાણી વિના વનસ્પતિની ઉત્પત્તિ શક્ય જ નથી. જમીનમાંથી મળતા પોષણને કારણે છોડની વૃદ્ધિ થાય છે અને સૂર્યપ્રકાશને કારણે જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પાંદડાં લીલા રંગનાં બને છે. આમ ફળ, ફૂલ, શાકભાજી, અનાજ, કઠોળ એ તમામ વનસ્પતિની ઉત્પત્તિ સૂર્યને આભારી છે.
શાકાહારી માનવીઓ, પશુ, પંખીઓ વનસ્પતિના આધારે જીવે છે. ઘઉં, ચોખા, બાજરો, જુવાર, મકાઈ વગેરે અનાજનો કણેકણ, માનવીના જીવન માટે અત્યંત જરૂરી છે. ઘાસ અને પાંદડાં ખાઈને જીવતાં ગાય, ભેંસ, બકરી, ઘોડા, ગધેડાં, ઊંટ, હાથી, જીરાફ વગેરે તમામ પ્રાણી અને અનાજના કણ ઉપર જીવતાં પંખીઓ, વનસ્પતિ વિના જીવી ન શકે. જળચર પ્રાણીઓ પણ પાણી અને તેમાં ઉત્પન્ન થતી વનસ્પતિને આધારે જીવે છે. માંસાહારી મનુષ્યો, જંગલી પ્રાણીઓ અને માંસાહારી પંખીઓ તેમ જ જળચર જીવો પોતાનાથી નબળાં પશુ, પંખી, માછલી વગેરેનું ભક્ષણ કરી પોતાનું જીવન ટકાવે છે. આમ તમામ શાકાહારી કે માંસાહારી સજીવ જીવસૃષ્ટિ અંતે તો સૂર્યને કારણે જ અસ્તિત્વ ટકાવી શકે છે.
એવી જ રીતે નિર્જીવ સૃષ્ટિ માટે વિચારીએ તો પથ્થર, ઇંટ, સિમેન્ટ વગેરે પૃથ્વી વિના સંભવી ન શકે. તેના વિના આપણા ઘરનું અસ્તિત્વ શક્ય નથી. ઇમારતી લાકડું વનસ્પતિ જ છે. એટલે આપણા ઘરનાં બારી, બારણાં, ફર્નિચર વગેરે બધું જ વનસ્પતિમાંથી બને છે. કપાસ તો વનસ્પતિ છે જ તેથી કપાસમાંથી બનતાં વસ્ત્રો, ચાદર એ બધું જ તથા ઘેટાંના શરીર પરથી મળતા ઊનમાંથી બનતા ધાબળા પણ વનસ્પતિને આભારી છે કેમ કે ઘેટાં વનસ્પતિને આધારે જીવે છે. આમ આપણું ઘર તેનાં બારી, બારણાં, ફર્નિચર, ધાબળા, ચાદર પણ સૂર્યને આભારી છે.
એટલું જ નહીં પણ તમામ ધાતુઓ પૃથ્વીમાંથી મળે છે એટલે સાઇકલ, સ્કૂટર, કાર, ટ્રેન, એરોપ્લેઇન વગેરે જીવન ઉપયોગી તમામ વસ્તુઓની બનાવટ પૃથ્વી વિના શક્ય નથી. આપણા સમગ્ર જીવનનો આધાર હવા, પાણી, ખોરાક અને જીવન ઉપયોગી નાનીમોટી તમામ વસ્તુઓના મૂળભૂત તત્ત્વ તરીકે સૂર્ય છે એ વાત આધુનિક વિજ્ઞાને સ્વીકારી છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં શ્રીકૃષ્ણ ભગવાને સ્વયં કહ્યું છે કે, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, નદી, સાગર, હિમાલય એ તમામ મારાં સ્વરૂપો છે. જે વાત આપણે ફક્ત શ્રદ્ધાથી સાચી માનતા હતા એ ૫૦૦૦ વર્ષ પહેલાં કહેવાયેલી વાતને આપણા અત્યંત આધુનિક વિજ્ઞાને ઊંડા સંશોધન પછી સાચી ઠેરવી છે. આપણને આ બાબત અત્યંત આનંદ અને ગૌરવ થવાં જ જોઈએ.
એક જ તત્ત્વ અનેક વસ્તુઓમાં કઈ રીતે વ્યાપેલું હોઈ શકે ? એ બાબત ઘણાને ન સમજાય તેવી છે. ખરેખર એ વાત અત્યંત સરળ છે. (૭ અવિનાશી આત્મા, પેજ - ૧૯,૨૦,૨૧) જે કોઈ નાસ્તિક હોય, ઈશ્વરના અસ્તિત્વ વિષે જ શંકાશીલ હોય એ પણ વિજ્ઞાનના સંશોધન બાબત શંકા રાખી શકે નહીં. ગીતાજીમાં વર્ણવેલા વિભૂતિ યોગની વાત આપણને ન સમજાય એ આપણા જ્ઞાનની મર્યાદા છે તો પણ એટલું તો કોઈ પણ માણસે સ્વીકારવું જ પડે કે અખિલ બ્રહ્માંડમાં એવું કોઈક પરમ તત્ત્વ છે જે સૂર્યની જેમ સજીવ, નિર્જીવ તમામ સૃષ્ટિના કારણ રૂપ છે. એ પરમ તત્ત્વ એટલે જ ‘‘પરમાત્મા’’.

૧૯. સર્જનહારનું શ્રેષ્ઠ સર્જનઃ મા

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૦મા અધ્યાય ‘વિભૂતિયોગ’માં શ્લોક નં. ૩૪માં બીજા ચરણમાં કહ્યું છે :

‘‘કીર્તિ: શ્રી: વાક્ ચ નારીણાં સ્મૃતિ: મેધા ધૃતિઃ ક્ષમા.’’
નારીમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ અને ક્ષમા (એ સાત દેવીઓ) હું છું. જગતના સર્જનહારે પોતે નારી માટે કેટલું બધું શ્રેષ્ઠ વિધાન કર્યું છે. જે નારીમાં ઉપર દર્શાવેલા ગુણો હોય એટલે કે જે સ્ત્રી પરિવારની કીર્તિ વધારનારી હોય, લક્ષ્મી જેવી મંગલકારી હોય, જેની વાણી સંયમવાળી અને મૃદુ હોય, તીવ્ર યાદશક્તિવાળી, બુદ્ધિશાળી, ધીરજવાળી અને ક્ષમાશીલ હોય એ સ્ત્રી મારું સ્વરૂપ છે.
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં કર્મયોગી, જ્ઞાની અને ભક્તની પ્રશંસા કરી છે, તેવી જ રીતે નારીની પ્રશંસા કરી છે, એ નોંધવા જેવું છે. સ્વાભાવિક રીતે જ જે નારીમાં આવા અદભુત ગુણો હોય તે નારી જ પોતાના બાળકમાં ઉત્તમ ગુણોનું સિંચન કરી શકે.
સર્જનહારનું શ્રેષ્ઠ સર્જન ‘‘‘મા’’’ છે. કોઈ વિદ્વાને બહુ સરસ કહ્યું : ‘‘પરમાત્મા બધે પહોંચી શકે તેમ ન હોવાથી, તેમણે માતાનું સર્જન કર્યું.’’ આમ ‘‘‘મા’’’ એ પરમાત્માનું જ સ્વરૂપ છે. બહેન, દીકરી, ભાભી વગેરે માનાં જ જુદાં જુદાં રૂપો છે. એ બધાં જ રૂપમાં પ્રભુએ ગજબ પ્રેમ, કોમળતા અને સુંદરતા મૂકેલી છે. મા ન હોય તો જગતનું અસ્તિત્વ જ ન હોય. જગતની રચના કર્યા પછી એને ટકાવી રાખવાની જરૂર છે. સમાજ વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે એ મહત્વનું છે, એને નુકસાન કરે એવાં સંતાનો તો અભિશાપ રૂપ ગણાય. એટલે જ કોઈ લોકકવિએ ગજબ વાત કરી :
‘‘જનની ! જણ તો ભક્ત જણ, કાં દાતા, કાં શૂર,
નહીંતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર .’’
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં કર્મયોગી, જ્ઞાનયોગી અને ભક્તયોગીની જે વાત કરી છે એ જ વાત લોકકવિએ જુદા શબ્દોમાં રજૂ કરી છે. --- હે મા ! પરમાત્માને પામવા પોતાનું આત્મસમર્પણ કરી દે, એવા પરમ ભક્તને જન્મ આપજે --- અથવા તો દરેકમાં પ્રભુ છુપાયેલા છે એમ સમજી, બીજાનાં દુઃખ દૂર કરવા પોતાની સંપત્તિ તજે, એટલે કે પોતાની સંપત્તિ પ્રભુ ચરણે ધરે એવા દાનવીરને જન્મ આપજે કેમ કે ગીતાજીના અર્થ પ્રમાણે એ જ સાચો જ્ઞાની છે --- અથવા તો નિર્બળનું રક્ષણ કરવા, બીજાના કલ્યાણ માટે પોતાની તમામ શક્તિ વાપરે એવા શૂરવીરને જન્મ આપજે કેમ કે ગીતાજીના અર્થ પ્રમાણે એ જ સાચો કર્મયોગી છે. --- જો ભક્ત, દાતા કે શૂરવીરને જન્મ ન આપી શકે તો તું વાંઝણી રહેજે એ વધુ બહેતર છે. તારું નૂર બિનજરૂરી ગુમાવીશ નહિ.
સંસ્કૃતમાં એક બહુ સરસ સુભાષિત છે :
‘‘વિદ્યા વિવાદાય, ધનમ્ મદાય, શક્તિઃ પરેશામ્ પરિપીડનાય,
ખલસ્ય, સાધોર્વિપરીતમેતત જ્ઞાનાય, દાનાય ચ રક્ષણાય.’’
દુર્જન લોકો પોતાની વિદ્યાનો ઉપયોગ વિવાદ કરવા માટે, ધનનો ઉપયોગ અભિમાન માટે અને શક્તિનો ઉપયોગ બીજાને હેરાન કરવા માટે કરે છે. જ્યારે સજ્જન લોકો વિદ્યાનો ઉપયોગ જ્ઞાન માટે, ધનનો ઉપયોગ દાન માટે અને શક્તિનો ઉપયોગ બીજાના રક્ષણ માટે કરે છે. દુર્જનો બીજાને ભોગે પોતે સુખી થવા પ્રયત્ન કરે છે, તેઓ સમાજ માટે ભારરૂપ છે. જ્યારે સજ્જનો પોતે તકલીફ વેઠીને બીજાને સુખી કરવા પ્રયત્ન કરે છે તેઓ સમાજ માટે ઉપકારક છે.
મા પોતાની ઇચ્છા મુજબ સંસ્કારી સંતાનને જન્મ આપી શકે ખરી ? જવાબ છેઃ ‘‘હા’’. બાળકના જન્મ પછી તો કાળજીપૂર્વકના ઉછેર દ્વારા મા તેના બાળકને સંસ્કારી બનાવી શકે એ સમજી શકાય કેમ કે અનેક વિદ્વાન કેળવણીકારો કહે છે કે એક મા, સો શિક્ષકો બરાબર છે. પરંતુ આશ્ચર્યજનક હકીકત તો એ છે કે બાળક જ્યારે માના ગર્ભમાં હોય છે ત્યારે પણ માના વિચારો અને વાતાવરણની અસર બાળકને ઘડે છે.
ભક્ત પ્રહલાદ તો અસુર પરિવારમાં જન્મ્યા હતા તો એ ભક્ત કઈ રીતે બન્યા ? એની બહુ સરસ કથા છે. દેવરાજ ઇન્દ્ર પોતાના દુશ્મન અસુર હિરણ્યકશિપુનાં પત્નીનું અપહરણ કરી ગયા. દેવર્ષિ નારદ, ઇન્દ્ર પાસેથી છોડાવી તેમને પોતાના આશ્રમે લઈ ગયા. આશ્રમના પવિત્ર ભક્તિમય વાતાવરણની શુભ અસર ગર્ભમાં રહેલા શિશુ ઉપર થઈ અને અસુર કુળમાં જન્મ થવા છતાં પ્રહલાદ પરમાત્માના પરમ ભક્તરૂપે પ્રસિદ્ધ થયા.
હમણાંની જ વાત કરીએ તો આપણા લાડીલા લોકશાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખેલું ‘‘શિવાજીનું હાલરડું’’ યાદ કરવા જેવું છે :
‘‘પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ, લક્ષ્મણની વાત,
માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી.’’
શિવાજી માના ગર્ભમાં હતા ત્યારે તેમનાં મા રામાયણની કથા વાંચતાં. ગર્ભાવસ્થા દરમિયાન જ રામ, લક્ષ્મણની વાતો સાંભળીને શિવાજી મહારાજ પરાક્રમી બનવાના સંસ્કાર પામ્યા હતા. માતાના અદભુત સંસ્કારનું શું પરિણામ આવ્યું એ તો ઇતિહાસમાં લખેલું છે.
સમગ્ર ગુજરાત જેમને માટે ગૌરવ લઈ શકે એવા પૂજ્ય રવિશંકરદાદાને તેમનાં માતા પાસેથી, બાળપણમાંથી જ બીજાને ઉપયોગી થવાની ભાવના મળી હતી. તેમણે પોતાનું આખું જીવન સમાજ માટે ઘસી નાખ્યું. ‘‘મૂઠી ઊંચેરા માનવી’’ એવું સામાન્ય જનતાએ જેમને પ્રેમભર્યું બિરુદ આપ્યું એવા આ અસામાન્ય માનવી પૂજ્ય શ્રી રવિશંકર મહારાજની ‘‘ઘસાઈને ઊજળા બનો’’ એવી સોનેરી શિખામણ જો માતાએ તેના બાળકને, બાળપણમાં શીખવી હશે તો મોટા થયા પછી એ બાળકનું જીવન ઉજ્જ્વળ બનશે જ. નાની નાની વાતો બાળકોનું જીવન ઘડે છે અને એ બધી વાતોની સારી કે માઠી અસર તેના ભાવિ જીવન પર પડે છે એ નિર્વિવાદ છે. આમ ‘‘મા’’ ફક્ત બાળકને જ સુધારતી નથી, પણ એ સમાજને પણ સુધારે છે.
શ્રી ઝવેરચંદ મેઘાણીએ ‘‘સોરઠી બહારવટિયા’’ નામના પુસ્તકમાં ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડેલા જોગીદાસ ખુમાણના જીવનનો એક ગજબ પ્રસંગ નોંધ્યો છે. ખૂન, લૂંટ જેને માટે સામાન્ય ગણાય એવા આ માનવીએ પરસ્ત્રી સામે ન જોવાની પ્રતિજ્ઞા લીધેલી. એક વાર ક્યાંક બહેનો ગરબા ગાતાં હતાં ત્યારે સરતચૂકથી ગરબા જોવા ઊભા રહ્યા. રાત્રે સૂતી વખતે ભૂલથી પ્રતિજ્ઞાનો ભંગ થયાનું યાદ આવ્યું. બંને હાથની હથેળીમાં મરચાંનો ભૂકો લઈ બંને આંખો પર હાથ દબાવી દીધા.
સવારે બંને આંખો એકદમ સૂજી ગયેલી જોઈ એક સાથીદારે પૂછ્યું : ‘‘જોગીદાસ ! આ શું થયું?’’ તેમણે શાંતિથી જવાબ આપ્યોઃ ‘‘આંખમાંથી વિકાર નિતારી નાખ્યો.’’ કોઈ મલિન ઇરાદાથી તેમણે પ્રતિજ્ઞા તોડી ન હતી. એક સામાન્ય ભૂલ જ હતી તો પણ પોતાની પ્રતિજ્ઞાના શબ્દોનું કેટલું ઊંચું મૂલ્ય કે નાનકડી ભૂલ થઈ છે તેમ લાગતાં સ્વેચ્છાએ આકરી સજા ભોગવી લીધી. આવા વિરલ શ્રી જોગીદાસ ખુમાણને લોકો પ્રેમથી ‘‘લખમણ જતિનો અવતાર’’ કહેતા એ યોગ્ય જ હતું. ગીતાજીમાં આવા વિરલ માણસો માટે જ યોગી શબ્દ છે. માતાપિતા પોતાના બાળકને આવા ઉચ્ચ સંસ્કાર આપે ત્યારે જ જીવન સાર્થક થયું ગણાય. નહિતર કીડી, મંકોડા જેવું જીવન તો બધાય જીવતા હોય છે.
જે ઘરમાં આનંદભર્યું સંસ્કારી વાતાવરણ હોય ત્યાં બાળકો પણ આપોઆપ સંસ્કારી બને છે અને જે ઘરમાં વડીલો જ મારામારી કે ગાળાગાળી કરતા હોય તે ઘરનાં બાળકો પણ એવું જ શીખીને અસંસ્કારી બને છે. સંસ્કાર બજારમાં વેચાતા મળતા નથી. મુખ્ય આધાર મા, પોતાના બાળકનું ઘડતર કઈ રીતે કરે છે તેના પર છે. બાળક ઘરના વાતાવરણમાંથી જ ઘણું બધું શીખે છે. મા જેટલી વધુ સંસ્કારી, બાળક તેટલું જ વધુ સંસ્કારી બનશે. મા પોતે કરકસર અને સાદાઈથી જીવતાં શીખે તો તેનું બાળક પણ એ શીખશે. એનું બાળક ભવિષ્યમાં સ્વમાનભેર જીવી શકશે, તેને લાંચ લેવાની જરૂર નહિ પડે. દરેક મા, જો ગીતાજીનો અભ્યાસ કરે અને તેને આચરણમાં મૂકે તો પોતાના વહાલસોયા બાળકને કર્મયોગી, પરમ જ્ઞાની અને પ્રભુભક્ત બનાવી શકે.